અભ્યમ ટીમે મહિલાનું  કરી સાસુ  પતિને  સમજાવી નવજીવન જીવવા રાહ ચીંધી

ગુજરાતની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલાઓની સલામતીના હેતુસર 181 અભયમ્ મહિલા હેલ્પલાઈન કાર્યરત છે. ત્યારે રાજકોટમાં વધુ એક કિસ્સામાં અભયમ્ ટીમે આપઘાતનો  પ્રયાસ કરતી પરિણીતામાં જીજીવિષા જગાવી તેને પુન: જીવન તરફ અભિમુખ કરી હતી.

રાજકોટના રેસકોર્ષ વિસ્તારમાં ગત તા. 21 મેના રોજ સાંજે એમ મહિલા આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જાગૃત નાગરિકે તેમને બચાવવા માટે 181 અભયમ્ મહિલા હેલ્પલાઈન ઉપર કોલ કર્યો. આ બાબતે જાણ થતા જ અભયમ્ ટીમના કાઉન્સિલર  વૈશાલીબેન ચૌહાણ, કોન્સ્ટેબલ સુધાબેન બારૈયા તથા પાઇલોટ ભાવિનભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મહિલાએ પોતાના મગજનું સંતુલન ગુમાવેલું  હતું. મહિલા પોતાનું માથું દિવાલમાં પછાડતા હતા. તેમજ જીવનથી ખુબ જ હતાશ થયેલા હતા. એવામાં અભયમની ટીમે તેણીને સાંત્વના આપી હતી.

પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, તેનું પિયર મુંબઈમાં છે અને પિતાની છત્રછાયા ગુમાવેલી છે. તેણી પ્રેમલગ્ન કરીને આઠ વર્ષથી રાજકોટ સાસરે રહેતી હતી. પીડિતાને સંતાનમાં પાંચ વર્ષની પુત્રી છે. થોડા સમય સુધી વૈવાહિક જીવન સારું ચાલ્યું પણ ધીરે-ધીરે ઝઘડાઓ થવા લાગ્યા હતા. સાસુ, સસરા અને પતિ સાથે ઘરકંકાસના લીધે પીડિતાનું માનસિક સ્વાસ્થ્ય સારું નહોતું અને તેણીને વારેવારે જીવન ટુંકાવવાના વિચારો આવતા હતા.

પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, એક મહિના પહેલા સાસરીયા પક્ષમાં ગામડે હવનનો પ્રસંગ હતો. પીડિતા પતિ સાથે હવનમાં બેસવા સહમત નહોતા. ત્યારથી સાસુ અને વહુના સંબંધમાં તણાવ સર્જાતા પરિવારનું વાતાવરણ વધારે કથળ્યું હતું. આમ સમગ્ર બાબતને જાણ્યા બાદ અભયમ્ ટીમે પીડિતાને અમૂલ્ય જીવનના મહત્વ વિશે શાંતિપૂર્વક સમજાવ્યું હતું. ત્યાર બાદ પીડિતાએ વચન આપ્યું કે તેણી કદી પણ આત્મહત્યાનો વિચાર કરશે નહીં. તેમજ જીવન આનંદપૂર્વક તેના પરિવાર સાથે વિતાવશે.

ઉપરાંત, અભયમ્ ટીમે સાસુનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે સાસુને પણ પોતાની ભૂલ સમજાઈ અને વહુને ભેટીને માફી માંગી હતી. આમ, 181 અભયમ્ ટીમે મહિલાને આત્મહત્યા કરતા અટકાવી, નવજીવન તરફ રાહ ચીંધી હતી. જે બદલ પરિણીતા અને તેના પરિવારજનોએ ટીમનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.