વાહન વ્યવહારને લગતી 80 ટકા સેવાઓ ઓનલાઈન થઈ જશે

આધાર ઇ-કેવાયસી થકી લાયસન્સ સંબંધિત વધુ 12 અને વાહન સંબંધિત 8 ફેસલેસ સેવાઓ આગામી સમયમાં પૂરી પાડવામાં આવશે : કચેરીઓમાં અરજદારોની ભીડ 50 ટકા જેટલી ઘટે તેવા પ્રયાસો

ડિજિટલ ગુજરાત થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં આગવી પહેલ કરીને નાગરિકોને આરટીઓ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને અન્ય પર નિર્ભર ન રહેવું પડે તે માટે વિવિધ ડિજિટલ સેવાઓ થકી પારદર્શી અને પેપરલેસ ગવર્નન્સનું ગુજરાતે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાહન વ્યવહાર કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ પૈકી અંદાજે 80 ટકા સેવાઓ ઓનલાઈન ફેસલેસ પૂરી પાડવામાં આવશે. જેથી આરટીઓ કચેરી ખાતેની સેવાઓ માટે નાગરિકોની રૂબરૂ મુલાકાતમાં 50 ટકા જેટલો ઘટાડો થશે, જેથી સમય-સંસાધનોની બચત થશે તથા સેવાઓ ઝડપથી અને સરળતાથી મળી રહેશે.ભારતમાં સૌ પ્રથમ વાહન વ્યવહાર ક્ષેત્રે ફેસલેસ સેવાઓની શરૂઆત ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વની કુલ 7 સેવાઓ નાગરિકો માટે ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

રાજ્યની વાહન વ્યવહાર કચેરી દ્વારા વર્ષ 2017થી વેબ આધારિત સોફ્ટવેર વાહન 4.0 અને સારથી 4.0 જેવા ઓનલાઈન પોર્ટલનું અમલીકરણ કરીને નાગરિકોને ઘરેબેઠાં જ દસ્તાવેજો અપલોડ કરવાની અને ઓનલાઈન ફી ભરવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં, વાહન 4.0 પોર્ટલ મારફતે ઇ-એન.ઓ.સી., ઇ-પેમેન્ટ, ઇ-ઓકશન અને ઇ-ડેટા થકી વાહનનો નોંધણી નંબર, ફી, એપ્રુવલ, ઓનલાઇન અરજીનું સ્ટેટસ તેમજ તેની જખજ દ્વારા જાણ જેવી સુવિધાઓ નાગરિકોને મળી રહી છે. જ્યારે સારથી 4.0ની મદદથી ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની છે. ડિજિટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત આ પોર્ટલ મારફતે આરટીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની જુદી જુદી ફી-ટેક્સ ઓનલાઇન ભરી શકાય છે.

ગુજરાતમાં લાયસન્સ સંબંધિત વધુ 12 સેવાઓ અને વાહન સંબંધિત 8 સેવાઓ આધાર ઇ- કેવાયસી થકી ફેસલેસ સેવાઓ પૂરી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જેમાં અરજદાર દ્વારા રજૂ કરેલ આધાર નંબરને આધીન ઓનલાઈન ફી અને દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ થયેથી આરટીઓના ફેસલેસ કાઉન્ટર પરથી અરજદારને સીધી સેવા પુરી પાડવામાં આવશે. જેથી અરજદારને કચેરી ખાતે આવવાનું રહેશે નહી.

આઇટી બેઇઝડ સોલ્યુશન થકી વાહનોનો ટેક્સ અને ઓવરડાયમેન્શન ફી સ્વીકારવાની કામગીરી

આઇટી બેઝ્ડ સોલ્યુશન થકી દેશમાં સૌપ્રથમ આંતરરાજ્ય બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં વાહનોનો ઓનલાઇન ટેક્સ અને ઓવરડાયમેન્શન ફી સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી ઇસ ઓફ ડુઇંગ બિઝનેશમાં વૃદ્ધિ-ટ્રાન્સપોર્ટ સેક્ટરને વધુ ગતિ મળી છે અને આંતરરાજ્ય વાહનો કોઇપણ અડચણ વિના રાજ્યમાં મુસાફરી કરી શકે છે.

ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સુવિધા સૌપ્રથમ ગુજરાતમાં ઉપલબ્ધ

  1. સમગ્ર દેશમાં સૌ પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સુવિધા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે.
  2. કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી ડ્રાઇવિંગની
  3. ગુણવત્તામાં સુધારો તેમજ માર્ગ અકસ્માતમાં પણ ઘટાડો નોંધાયો છે.

લર્નિંગ લાયસન્સની સેવા તાલુકા કક્ષાએ જ ઉપલબ્ધ

રાજ્યમાં અગાઉ શિખાઉ લાયસન્સ આર.ટી.ઓ. કચેરી ખાતેથી ઇસ્યુ કરવામાં આવતા હતા. પરંતુ નાગરિકોને ઘરઆંગણે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી શિખાઉ લાયસન્સની કામગીરી વર્ષ 2019થી રાજ્યભરની 221 આઇ.ટી.આઇ. તથા 10 પોલીટેકનીક કક્ષાએથી શરૂ કરવામાં આવી છે. જેના પરિણામે વર્ષે અંદાજે 8 લાખ લોકોને તાલુકા કક્ષાએ જ સરળતાથી શિખાઉ લાયસન્સની સેવાનો લાભ મળી રહ્યો છે.

વન નેશન વન ચલણ અંતર્ગત ઇ-ચલણ સોફટવેર કાર્યરત

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા એન્ફોર્સમેન્ટ માટે વન નેશન વન ચલણ અંતર્ગત ઇ-ચલણ સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર કેન્દ્ર સરકારના વાહન તથા સારથી સોફટવેર સાથે ઇન્ટીગ્રેશન થયેલ હોવાથી રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાં નોંધાયેલ વાહન અને લાયસન્સ સંબંધિ માહિતી જાણી શકાય છે.  અગાઉ મેમો મેન્યુઅલ ધોરણે આપવામાં આવતો હતો તે હવે પોઇન્ટ ઓફ સેલ મશીન દ્વારા ઓનલાઇન ઇસ્યુ કરવામાં આવે છે અને સ્થળ પર જ માંડવાળની રકમ પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે. વધુમાં, વાહનના નંબરની હરાજીની આવક પણ મહત્વની હોવાથી આ કામગીરી ઇ-ઓકશન પદ્ધતિથી કરવામાં આવે છે, જેનાથી વાહન ચાલકોને પોતાના મનપસંદ નંબર મળવા સહિતની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શકતા આવી છે.