Abtak Media Google News

સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર રૂ. 1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાદ તેમના બેંક લોકર્સની તપાસમાં ભાંડો ફૂટ્યો

અબતક, ગાંધીનગર: ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રૂ. 1.21 લાખની લાંચ લેતા સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર નિપુણ ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના બે દિવસના રિમાન્ડ દરમિયાન ગાંધીનગરની વિવિધ બેંકોમાં તેમના લોકર્સમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ. 2.37 લાખથી વધુની બેનામી સંપત્તિ મળી આવી હતી. જેમાં 2.27 કરોડની રોકડ અને 10 લાખના દાગીનાનો સમાવેશ થાય છે.

સાહિત્યમાં રસ ધરાવતા સ્ટેટ ઈજનેરના નિપુણ ચોક્સીના ઘરમાંથી તપાસ દરમિયાન 4.12 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ત્યારબાદ તેમના રિમાન્ડ દરમિયન જૂના સચિવાલય નાગરિક બેંકમાં આવેલા તેમના લોકરમાંથી વધુ રૂ. 74.50 લાખ રોકડા મળી આવ્યા હતા. એ જ રીતે સેક્ટર-6માં આવેલી કો-ઓપરેટિવ બેન્ક ઘ-2 શાખા તેમજ અન્ય બે લોકરોમાં પણ સર્ચ કરવામાં આવતા રૂ. 1,52,75,000ની સંપત્તિ મળી આવી છે. જ્યારે ગાંધીનગરની કેનેરા બેંકના લોકરમાંથી રૂ. 10 લાખની કિંમતના સોનાના દાગીના મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાટણ જિલ્લાના સમી તાલુકાની બોય્ઝ હોસ્ટલે અને શંખેશ્વર તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના કામના બિલોની સામે પેટા કોન્ટ્રાક્ટર પાસેથી 1 ટકા લેખે રૂ. 1.21 લાખની લાંચ લેતા એન્જિનિયર નિપુણ ચોક્સીને એન્ટી કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી લીધા હતા.

નિપુણ ચોક્સી સાહિત્યમાં પણ રસ ધરાવે છે. તેમના દ્વારા લિખિત ‘સ્મિત અને સ્પંદન’ અને ‘મેથી મારવાની કળા’ નામના પુસ્તકોનું એપ્રિલ મહિનામાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિમોચન પણ કરાયું હતું. ઉપરાંત તેમની હાસ્ય રચનાઓ ગુજરાતના દિપોસ્તવી અંકમાં પણ પ્રસિદ્ધ થતી રહી છે. માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ વર્ષના ગુજરાત દિપોત્સવી અંકમાં ગાંધીનગરના 35 જેટલા સાહિત્યકારોની રચનાને સ્થાન અપાયું હતું, તેમાં નિપુણ ચોક્સીની હાસ્ય રચનાનો પણ સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.