Abtak Media Google News

બાઇક પર સવાર બાળકનો આબાદ બચાવ: લગ્નપ્રસંગમાંથી પરત ફરતા કરમડના યુવાનને કાળ ભેટ્યો: ૬ ઘાયલ

લીંબડી અને રાણપુર હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર જ બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે બાઇક પર સવાર બાળકનો આબાદ બચાવ થયો છે. જ્યારે ૬ લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ બોટાદના નિલેશભાઈ નારાયણભાઈ જોગરાણા ચુડા તાલુકાના મોજીદડ ગામે આવેલા ભાભી પૂજાબેન હિરાભાઈ અને તેમના બે વર્ષના પુત્રને લઈ બાઈક પર બોટાદ જઈ રહ્યા હતા. જ્યારે ચુડા તાલુકાના કરમડ ગામના ગોપાલભાઈ રતુભાઈ બાવળીયા તેમના મિત્રના પરિવાર સાથે ઝીંઝાવદર ગામથી લગ્ન પ્રસંગ પતાવી ચોટીલા જઈ રહ્યા હતા.

ત્યારે લીંબડી-રાણપુર હાઈવે રોડ પર કારોલ અને ભૃગુપુર ગામ વચ્ચે કાર અને બાઈક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ફંગોળાઈને રોડની બાજુમાં બાવળની ઝાડીમાં ફેંકાઈ ગયું હતું. કાર મહાકાય વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક નિલેશભાઈ જોગરાણા અને કારચાલક પાસે બેઠેલા ગોપાલભાઈ બાવળીયાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નીપજયાં હતા.

કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા જ ગામના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઘાયલ કારમાં સવાર કાળુભાઈ ભરતભાઈ સોલંકી, નંદુબેન ડાયાભાઈ, નિતાબેન માધુભાઈ, પુજાબેન ડાયાભાઈ, બિપીન જગદીશભાઈને કારની બહાર કાઢ્યા હતા. બાઈક પર સવાર પુજાબેન જોગરાણાને પણ ઈજા પહોંચી હતી.

આ અંકસ્માતમાં એક તરફ બે લોકોના કરુણ મોત થયા હતા તો બીજી તરફ બાઇક પર સવાર બે વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલે જયારે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.