માંગરોળ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત: 16 મુસાફરો ઘાયલ

ઘટનાની જાણ થતાં ગામ લોકો અને પોલીસ કાફલો દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો

માંગરોળ પાસે કેશોદ રોડ પર રુદલપુરથી આગળ એસટી બસ અને નાળિયેર ભરેલા ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા 16 મુસાફરો ઘવાયા હતા. ઘટનાના પગલે આસપાસના ગામ લોકો અને પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ પાસે કેશોદ રોડ પર રુદલપુરથી અગિકડ કેશોદથી આવતી અને માંગરોળ તરફથી નાળિયેર ભરીને આવતા ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના ગમખ્વાર ધડાકાભેર અવાજ સાથે જ આસપાસના ગામ લોકો દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં જ તુરંત માંગરોળ ડી.વાય.એસ.પી. તેમજ પી.એસ.આઈ. સહિતનો કાફલો દોડી આવ્યો હતો.

અકસ્માતમાં એસટી બસમાં સવાર હરદીપ અધ્યારૂ, હાજરાબેન યુનુસ, યુનુસ ગુલામ, શાહ નવાસ અબ્બાસ, શાહીસ્તા હાસમ, સબીના શાહ નવાજ, પ્રદીપસિંહ, અજય કચરા, યુસુફ મુજમાં, વીણાબેન કૌશિક, સમ્મા મહેમુદ, હનીફ મુસા, અનશ મુસા અને અયુબ અઝીઝ ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.