- રણછોડનગરની પ્રેમ સિલ્વર ઓર્નામેન્ટની બોગસ બિલ ચિઠ્ઠી બનાવી મુંબઈની શાંતિ ગોલ્ડ પેઢી પાસેથી દાગીનાના ઓર્ડર પેટે પૈસા પડાવી લીધા’તા
- ઠગ ટોળકીએ છેતરપિંડી આચરી મેળવેલા નાણાં જામનગર રોડ પર રહેતા ગજેન્દ્ર પરમારના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાતા’તા
શહેરના રણછોડનગરમાં આવેલી પ્રેમ સિલ્વર ઓર્નામેન્ટ પેઢીના નામે મુંબઈની શાંતિ ગોલ્ડ પેઢી પાસેથી દાગીનાનો ઓર્ડર મેળવી બોગસ બિલ ચિઠ્ઠી ઉભી કરી રૂ. 7.64 લાખની ઠગાઈ આચરી લેનાર ગેંગના વધુ એક સભ્યની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ઝડપાઈ ચૂકેલા જલ્પેશ જેરામ નારિયાણી સહીત બે શખ્સોંએ ફેસબુકમાં આઇડી બનાવી અલગ અલગ વેપારીઓ સાથે છેતરપિંડી આચરતા હતા. બાદમાં ઠગાઈથી મેળવેલા નાણાં જામનગર રોડ પર રહેતા ગજેન્દ્ર પરમારના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. બાદમાં ગજેન્દ્ર પરમાર પોતાનું કમિશન કાઢીને બાકીના નાણાં આરોપીઓને આપી દેતો હતો.
સમગ્ર મામલા પર નજર કરવામાં આવે તો વર્ષ 2024ના નવેમ્બર માસમાં સાયબર ક્રાઇમ પોલીસમાં ચંદ્રકાંત ડુંગરશીભાઈ સચાણીયા (ઉ.વ. 61 રહે. એરપોર્ટ રોડ, સંકલ્પ સિધ્ધીપાર્ક રામદૂત મકાન બ્લોક નં. 38/39 રાજકોટ)એ નોંધાવેલી ફરિયાદ જણાવ્યું હતું કે, તેઓ રણછોડનગરમાં પ્રેમ સિલ્વર ઓર્નામેન્ટસ્ (પી.એસ.ડબલ્યુ) નામથી ચાંદીના દાગીના બનાવવાનું કારખાનું ધરાવી ચાંદીનો વેપાર ધંધો કરે છે. તેમને અન્ય ચાંદીના વેપારીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, ફેસબુકમાં અલગ અલગ પ્રતિષ્ઠિત પેઢીઓના નામે આઇડી બનાવી અલગ અલગ શહેરના વેપારીઓ પાસેથી દાગીના બનાવવાનો ઓર્ડર મેળવી તેના એડવાન્સ પેટે નાણાં પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબતે તેમણે ખરાઈ કરતા વેપારીની પ્રેમ સિલ્વર ઓર્નામેન્ટ પેઢીના નામે પણ મુંબઈના શાંતિ ગોલ્ડ પેઢી પાસેથી અલગ અલગ દાગીના બનાવવાનો ઓર્ડર મેળવી રૂ. 7,64,800 પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં આ કૌભાંડમાં જલ્પેશ જેરામ નારિયાણી નામના ભેજાબાજનું નામ સામે આવ્યું હતું. મામલામાં અગાઉ બે શખ્સોની ધરપકડ થયાં બાદ સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. ભેજાબાજો ઠગાઈથી મેળવેલા નાણાં ગજેન્દ્ર હિંમતલાલ પરમાર(ઉ.વ.59 રહે. અવધ એપાર્ટમેન્ટ, જામનગર રોડ, રાજકોટ)ના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. બાદમાં ગજેન્દ્ર પોતાનું કમિશન કપાત કરીને બાકી રહેતા નાણાં ભેજાબાજોને આપી દેતો હતો.
સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલની રાહબરીમાં સાયબર ક્રાઇમ પીઆઈ જે એમ કૈલા, આર જી પઢીયાર, કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ, જય આદ્રોજા અને હર્ષરાજસિંહ જાડેજા આ કામગીરીમાં રોકાયાં હતા.