Abtak Media Google News

 

શિક્ષકનું અખંડ ધૈર્ય ચમત્કાર સર્જી શકે છે: માતા-પિતાને એક બાળકનું ધ્યાન રાખવાનું હોય જ્યારે શિક્ષકને વર્ગખંડના તમામ બાળકોનું ધ્યાન રાખવાનુંહોય છે: સાચો શિક્ષક વિદ્યાર્થીનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરતો રહે છે: શિક્ષકની ઋજુતા અને કઠોરતાનું મિશ્રણ છાત્રોને વિકાસના પથ પર દોડતો કરે છે

 

પ્રવર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા મિત્ર, માર્ગદર્શક, અને તત્વ ચિંતકની હોવી જોઇએ. તેને સમયાંતરે તાલિમની વિવિધ વ્યવસ્થામાં જોડીને સજ્જ કરવો જરૂરી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે શિક્ષણ ઉપર બહુ માઠી અસર થઇ છે. જેમાં છાત્રો સાથે શિક્ષકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. શિક્ષણના ઇતિહાસમાં પ્રથમવાર ઓનલાઇનના આશરે શિક્ષણ દેવું પડે તેવી મુશ્કેલી ઉભી થઇ હતી. આજનું શિક્ષણ બહુ આયામી હોવું જોઇએ. માત્ર છાત્રોના મગજમાં જ્ઞાન કે માહિતી ભેગી કરી દેવાથી શિક્ષણ આષ્યું ન ગણાય.

શિક્ષક ક્યારેય બાળકને ભણાવી ન શકે ફક્ત તેને ભણતો કરે છે. શિક્ષણની પ્રક્રિયાને વાસ્તવિક અને જીવંત બનાવવી હોય શિક્ષક મુશ્કેલીઓ પ્રથમ દૂર કરવી જ પડે. નવી શિક્ષણ નીતી-2020 કદાચ જુન-2022થી અમલ થઇ જશે. તેની સાથે ધો.1 થી 5માં માતૃભાષાના જ શિક્ષણ સાથે શિક્ષણના નવા રસ્તાઓ ખૂલશે. 3 વર્ષથી પ્રારંભિક શિક્ષણ અભ્યાસક્રમ પણ શરૂ થશે. જેને માટે દેશમાં તાલિમબધ્ધો શિક્ષકો સાથે અત્યારના ચાલુ શિક્ષકોને પણ અપગ્રેડ કરીને તેની સજ્જતામાં વધારો કરવો પડશે. આજના યુગમાં શિક્ષકોને વર્ગ ઇનોવેશન બાબતે પ્રોત્સાહિત કરીને સારા પરિણામો મેળવવા અને બીજા શિક્ષકોને પ્રેરણા મળે તેવા આયોજન કરવા પડશે.

સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગખંડમાં લઇ આવે છે

આજે પણ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર કરતાં સારો શિક્ષકો જ રાષ્ટ્રને મજબૂત બનાવી શકે છે. ગુણવત્તાસભર શિક્ષણ જ દેશને ટોચ લઇ જશે. આ બધા માટે શિક્ષકોની ભૂમિકા અગત્યની હોવાથી તેને સજ્જતા સાથે બાળકો અને વાલીઓમાં શિક્ષણ તત્પરતા બાબતે કાર્ય કરીને શિક્ષણની મહત્તા સમજાવી પડશે. શિક્ષક બાળકને કેળવીને કેળવણી આપતો હોવાથી બાળકોના સંર્વાંગી વિકાસ માટે તેની અગત્યની ભૂમિકા છે. બધા દેશોમાં શિક્ષણ બાબતે પોતાની સિસ્ટમો વિકસાવી છે. આજે આપણાં સ્ટુડન્ટો કેનેડા, યુકે કે યુ.એસ.માં ઉચ્ચ શિક્ષણ લેવા જાય છે તેજ રીતે બહારના દેશોના છાત્રો પણ ભારત શિક્ષણ લેવા આવે છે. શિક્ષકોનું દેશ-વિદેશ સાથે આદાન પ્રદાન પણ તેની ગુણવત્તામાં વધારો કરે છે.

ઘરના વાતાવરણમાંથી શાળામાં આવતા બાળકો શિક્ષકો પાસેથી જ મહત્વના પાઠો શીખી છે. બાળક પોતાની વ્યથા રજુ કરી શકે તેવો સક્ષમ બનાવે તે સાચો શિક્ષક છે. વિવિધ ટેકનીક થકી તેને સરળતાથી સમજ આપીને અઘરા વિષયોને પણ સરળ રીતે શીખવે તે શિક્ષકની કલા હોવાથી તે જ્ઞાન-કલાકાર સાથે છાત્રોને ઘડનાર ઘડવૈયો પણ છે. પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત જીવનમૂલ્ય શિક્ષણના પાઠો પણ શિક્ષક જ છાત્રોને શીખવે છે.

અધ્યયન અને અધ્યાપન એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયા છે. શિક્ષક શીખવે અને છાત્રી શીખે છે. જેમાં શિક્ષક ભણાવે તેને અધ્યાપન અને વિદ્યાર્થી શીખે તેને અધ્યયન કહેવાય છે.

બર્નાટ રસેલના મતે શિક્ષણના પ્રશ્ર્નો તત્વજ્ઞાનના આશરે ઉકેલવાનું શાસ્ત્ર કેળવણીનું તત્વ જ્ઞાન છે. જે શિક્ષણથી છાત્રો કેળવાય તેજ સાચી કેળવણી. શિક્ષકો તેની તાલિમના સમયમાં જે કંઇ શીખ્યા હોય તેમાં વૃધ્ધી જોવા મળતાં તેના અભ્યાસ કરવાની ટેકનિકમાં તેના પુન: નિર્માણમાં વધારો થાય છે.

શિક્ષણએ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી નવી-નવી વિવિધ તરાહો સાથે સતત અપડેટા શિક્ષકને રાખવા તેને તાલિમ આપવી ખૂબ જ જરૂરી છે.

શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા પણ તાલિમ આપવી જરૂરી છે. શિક્ષકો વર્ગ શિક્ષણ કાર્ય માટેની વિવિધ પધ્ધતિઓ-પ્રવૃત્તિઓ અને નૂતન શૈક્ષણિક પ્રવાહોથી જાણકાર બને છે. શિક્ષકો તાલિમ લઇને પોતાના કૌશલ્યોનો વિકાસ કરી તેનો વિનિયોગ પોતાના વર્ગખંડ શિક્ષણકાર્યને અસરકારક બનાવવામાં કરે એટલા માટે પણ શિક્ષણમાં તાલિમનું મહત્વ છે.

તાલિમનાં મહત્વના તબક્કામાં વ્યાવસાયિક સજ્જતા તાલિમ, શિક્ષણ શાસ્ત્ર વિષયક તાલિમ, વિષય વસ્તુની સજ્જતાની તાલિમમાં શિક્ષક તેના ક્ષેત્રમાં વલણ ઘડતર, હકારાત્મક વિચારણા, પ્રેરણા, સંકલન અને સંચાલન, ટીમ બિલ્ડીંગ, ટાઇમ મેનેજમેન્ટ, નેતૃત્વ, આંતર વૈયક્તિ સંબંધો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સર્જનાત્મક વિચારણા, વર્તન વ્યવહાર તાલિમ, પ્રત્યાયન, લાઇફ સ્કીલ, મનોવિજ્ઞાન, બાળ માનસની સમજ જેવા વિવિધ મુદ્ાનો સમાવેશ થાય છે. આમ જોઇએ તો પણ પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા પણ શિક્ષણમાં તાલિમનું મહત્વ છે. શિક્ષણમાં થતાં નુતન પ્રવાહોથી વાકેફ થવા પણ શિક્ષકે તાલિમ લેવી પડે છે. જીવનનાં દરેક તબક્કે પશિક્ષણનું મહત્વ છે.

આજે 21મી સદી માટેના શિક્ષણમાં નઇ તાલિમનું મહત્વ સમાયેલ છે. આજે છાત્રોને બુનિયાદી શિક્ષણ આપવું જરૂરી છે. પાયો જેટલો મજબૂત હશે તેટલું જ શિક્ષણ સક્ષમ બનશે. નવી શિક્ષણ નિતિ-2020માં ગાંધીજીના વિચારોને અનુસરે છે.

શિક્ષક એક સામાજિક ઇજનેર!!

આજના શિક્ષકમાં સામાજીક સભાનતા હોવી જરૂરી છે. આપણાં સમાજમાં તેનું આગવું સ્થાન છે. સમાજનું પરિવર્તન કરવામાં તેનો ફાળો વિશેષ છે. બાળકને સમાજ ઉપયોગી સભ્ય સાથે તે શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર કરતો હોવાથી શિક્ષક એક સામાજીક ઇજનેર છે. બાળકોમાં સામાજીક ગુણોનું સિંચન શિક્ષક સિવાય બીજુ કોઇ ન કરી શકે. શિક્ષણમાં શ્રધ્ધા-લગનથી કાર્યરત શિક્ષક સમાજ પ્રત્યેનો હકારાત્મક અભિગમ રાખતો હોવાથી રાષ્ટ્રને સબળ બનાવવા માટે તેની ભૂમિકા અહંમ છે. બાળકોમાં સર્જનાત્મકતા શિક્ષક જ વધારી શકે છે. પોતાના વર્ગખંડના તમામ છાત્રો ઉપર સમદ્રષ્ટિ રાખનાર શિક્ષક તેના નબળા છાત્ર ઉપર વિશેષ અમીદ્રષ્ટિ પણ રાખે છે. સામાજીક વિકાસ શિક્ષણથી આવે પણ તેમાં સૌથી મોટો ફાળો શિક્ષકનો છે. શિસ્ત, ક્ષમા અને કરૂણાનો ત્રિવેણી સંગમ શિક્ષક છાત્રોને પગભર સાથે ટટ્ટાર ઉભો રાખીને તેના જીવનમાં આવતી તમામ મુશ્કેલીમાંથી સાચો માર્ગ કાઢી શકે તેવો સબળ બનાવે છે. આપણાં સમાજના વાસ્તવિક શિલ્પકાર શિક્ષક જ છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.