- શિવાજી સેના દ્વારા ડુપ્લીકેટ સોનાનો દાણો, વીંટી, પગના કોયડા અને ચાંદીના સિક્કા ધાબડી દેવાયાનો આરોપ
- લખતરની નવોઢાનો રાજકોટ પોલીસને ઠગાઈ મામલે લેખિત અરજી ફરિયાદ : એરપોર્ટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
શહેરમાં વધુ એક સમૂહ લગ્નોત્સવ પર સવાલ ઉભા થયાં છે. અગાઉ રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજના સમૂહલગ્નોત્સવમાં નવયુગલોને રઝળાવી આયોજકો ફરાર થઇ ગયાના બનાવ બાદ શિવાજી સેના દ્વારા યોજાયેલ 555 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં કરિયાવરના નામે સોના-ચાંદીના ઘરેણાંના નામે ડુપ્લીકેટ ઘરેણાં પધરાવી દેવાયાના આક્ષેપ સાથે લખતરની નવોઢાએ રાજકોટ પોલીસને લેખિત અરજી ફરિયાદ કરી છે.
મામલામાં પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગરના લખતરની પરિણીતા સોનલબેન વસંતભાઈ વોરાએ રાજકોટ પોલીસ કમિશ્ર્નરને સંબોધી કરેલી અરજીમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારૂ સગપણ લખતર ગામે દેવજીભાઈ રાજાભાઈ જાદવના પુત્ર પ્રકાશ સાથે પિતા વસંતભાઈ ખેંગારભાઈ વોરાએ નક્કી કર્યું હતું. મારા લગ્ન કરવાના હોય પણ પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વે જ્ઞાતિની દીકરીઓના 26માં જાજરમાન સમૂહ લગ્નોત્સવમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પિતા વસંતભાઈએ સમૂહ લગ્નનું ફોર્મ ભરેલ હતું ત્યારે આયોજકો વિક્રમ સોરાણી, પિન્ટુ પટેલ અને અક્ષય ઘાડવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દીકરીને કરિયાવરમાં સોના અને ચાંદીના દાગીના દાનમાં આપવાના છે. ઉપરાંત દાન સહીતની વિગતોવાળી પત્રિકા પણ બતાવી હતી તેમજ માં માટલું આયોજકો તરફથી વિનામૂલ્યે આપવાનું પણ જણાવ્યું હતું. જયારે વર પક્ષેથી રૂ. 21 હજાર લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ પિતાએ દીકરીના લગ્ન રાજકોટ ખાતે ગત તા. 27-04-3025ના રોજ શિવાજી સેના દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં કર્યા હતા. બાદમાં લગ્નોત્સવમાં આયોજકો દ્વારા આપવામાં આવેલા દાગીનાની સોની પાસે ખરાઈ કરાવતા સોનાનો દાણો બગસરાનો નીકળ્યો હતો. બાદ અન્ય દાગીના વીંટી, ચાંદીની વીંટી, પગના કોયડા અને ચાંદીના સિક્કા તમામ નકલી હોવાનું સોનીએ જણાવ્યું હતું. જેથી ગરીબ લોકો સાથે છેતરપિંડી આચરનાર આયોજકો વિરુદ્ધ નવોઢાએ અરજી ફરિયાદ હતી. વધુમાં નવોઢાએ જણાવ્યું હતું કે, માં માટલું આયોજકો દ્વારા વિનામૂલ્યે આપવાનું હતું પણ માં માટલા પેટે પણ પરાણે રૂ. 2100 ઉઘરાવવામાં આવ્યા હતા. પોલીસને મળેલી અરજીના આધારે એરપોર્ટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મામલાની તપાસ પીઆઈ સાવલિયાની ટીમ ચલાવી રહી છે.
ડુપ્લીકેટ ઘરેણાં અંગે વિક્રમ સોરાણીની વીડિયો મારફત સ્પષ્ટતા
27 એપ્રિલે રાજકોટમાં 555 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. પરંતુ આ સમૂહ લગ્નમાં દાતાઓએ દીકરીઓને કરિયાવરમાં અસલીના બદલે નકલી સોનું આપ્યું હોવાના આરોપ લાગ્યા હતા. સુરેન્દ્રનગરના લખતરના પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ મામલે સમૂહ લગ્નના આયોજક વિક્રમ સુરાણીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો મુક્યો અને અપીલ કરી હતી કે દીકરીઓને દાતાઓ તરફથી ઘરેણા આપવામાં આવ્યા હતા. જો કોઈને પણ નકલી ઘરેણા આવ્યા હોય તો તેઓ પરત કરે અમે માફી માંગીએ છીએ. બીજી વખત આવું ન થાય તે માટે લિમિટેડ દીકરીઓના સમૂહ લગ્ન કરાવીશું. વિક્રમ સોરાણીએ સ્પષ્ટતા કરી હતી કે, દાતાઓએ પોતાના હાથે વસ્તુઓ આપી હતી. જે પણ વસ્તુઓ અપાઈ તે અમે આપી નથી. કુલ છ વસ્તુઓ દાતા તરફથી મળી હતી. જો કોઈ ભૂલ થઈ હોય તો તે દાતાથી થઈ છે. જો કોઈને નકલી વસ્તુ મળી હોય તો મારો સંપર્ક કરી શકે છે. વિક્રમ સોરાણીએ સ્પષ્ટતા કરી હતી કે કરિયાવરની યાદીમાં સમજફેર થઇ છે. કરિયાવરની કોઈ યાદી રાજકોટના સમૂહ લગ્નને લઈ જાહેર કરાઇ નથી. અમારા કાર્યકર્તાથી કોઈ ખામી રહી ગઈ હોય તો દીલગીર છું. કોઈ પણ અવ્યવસ્થા થઈ હોય તો હું માફી માગું છું. વીટી સોનાની આપવાની જ નહોતી. ઈમિટેશનની વીટી હતી અને તે જ અપાઈ છે. સોનાની વીટી આપવાની જાહેરાત જ ન થઈ હોવાની સોરાણીએ સ્પષ્ટતા કરી હતી. અમે સોનાની ચૂક કરિયાવરમાં આપી છે. સોનાની ચૂક નકલી હશે તો અમે બદલી આપીશું. એક પંચ ધાતુ અને એક ચાંદીનો સિક્કો કરિયાવરમાં અપાયો છે.