સાણંદના વાંસજડાની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપીને આજીવન કેદ

દુષ્કર્મ અને હત્યાના બનાવના 5 દિવસમાં જ સુનાવણી પુરી

માનસિક વિકૃત શખ્સે અન્ય બે બાળકીઓને પણ હવસનો શિકાર બનાવ્યાની કબુલાત આપી’તી: તા.5 નવેમ્બરે ગુનો નોંધાયો અને 1 ડિસેમ્બર આરોપીને ગાંધીનગર ફાસ્ટ્રેક કોર્ટે તકસીરવાન ઠેરવ્યો

રાજયમાં નાની બાળકીને હવસનો શિકાર બનાવી તેની ક્રુરતાથી હત્યા કરવાની શરમજનક ઘટનાના સમગ્ર રાજયમાં પડેલા ઘેરા પ્રત્યાઘાતના પગલે સાણંદ તાલુકાના વાંસજડા ગામના દુષ્કર્મ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સની સામે ગાંધીનગર ફાસ્ટ્રેક કોર્ટમાં માત્ર પાંચ જ દિવસની સુનાવણીના અંતે વિકૃત અને કામાંધ શખ્સને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

સાણંદ તાલુકાના વાંસજડા ગામની માત્ર 3 વર્ષની ફુલ જેવડી બાળકી પર બળાત્કાર ગુજારી બાળકીને નિર્દયતાથી કરેલી હત્યાનો ગુનો તા.5 નવેમ્બરના રોજ પોલીસમાં નોંધાયો હતો. હત્યા અને દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા સાંતેજના વિજય પોપટજી ઠાકોર નામના શખ્સની પોલીસે ધરપકડ કરી ત્યારે તેને અન્ય બે તરૂણીને પણ હવસનો શિકાર બનાવ્યાની ચોકાવનારી કબુલાત આપી હતી. વિજય પોપટજી ઠાકોરને કોર્ટમાં રજુ કરતા અદાલતે તેને જેલ હવાલે કર્યો હતો.

પોલીસે વિજય પોપટજી ઠાકોર વિરૂધ્ધની તપાસ માત્ર આઠ જ દિવસમાં પુરી કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. પોલીસની જેમ ગાંધીનગર ફાસ્ટ્રેક કોર્ટમાં પણ ખરા અર્થમાં ફાસ્ટ સુનાવણી કરવામાં આવી હતી અને માત્ર પાંચ જ દિવસમાં તમામ સાક્ષી પુરાવાને તપાસ કરવામાં આવી હતી. સુનાવણી પુરી થતા ગાંધીનગર ફાસ્ટ્રેક કોર્ટના અધિક સેશન્સ જજ એસ.એન.સોલંકીએ વિજય પોપટજી ઠાકોરને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

હવસખોર વિજય પોપટજી ઠાકોર આ પહેલાં પણ વડસર, કલોલ, કડી અને સાંતેજ મહિલા પર ખૂની હુમલા કર્યાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું.