Abtak Media Google News

ખેતરે વાડ કાપવાના પ્રશ્ર્ને ઝઘડો થતા કુહાડીના ઘા ઝીંકી  હત્યા કરી’તી

અબતક,દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢના બીલખા નજીકના ઉમરાળા ગામે બે વર્ષ પહેલા ખેતરની વાડ કાપવા પ્રશ્ને માથાકૂટ થયા બાદ એક મજૂરની કુહાડીના ઘા ઝીંકી હત્યા થઈ હતી આ અંગેનો કેસ જૂનાગઢની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આજથી બે વર્ષ પહેલા જૂનાગઢના બીલખા નજીકના ઉમરાળા ગામની સીમમાં આવેલા જસાભાઈ ગૌરના ખેતરની વાડ કાપવાનુ ઉધડું કામ ભુપતભાઈ ભીખાભાઈ રાઠોડ (ઉંમર 58) અને બીપીનભાઈ કાળુભાઇ રાઠોડ રાખ્યું હતું. અને તા. 26 મે 2019 ના રોજ વાડ કાપવા બાબતે બંને વચ્ચે બપોર બાદ ચા પીવા બેઠા હતા.

ત્યારે બોલાચાલી થતા ભુપતભાઈ એ બીપીનભાઈના માથા અને કાન પાસે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.  આ બનાવ અંગે કાળુભાઈ બીજલભાઇ રાઠોડે બીલખા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ભુપતભાઈ ની ધરપકડ કરી હતી.

આ હત્યા અંગેનો કેસ જૂનાગઢના પ્રિન્સિપલ સેશન્સ જજ રીઝવાના બુખારીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ જે. એન. દેવાણીની દલીલોને ધ્યાનમાં રાખી, આરોપી ભુપતભાઈને આજીવન કેદની સજા અને રૂ. પ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારી હતી. આ સાથે કોર્ટે મૃતક બીપીનભાઈ ના પત્ની ભનીબેનને રૂપિયા 50 હજારનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.