પીઓકે હાંસલ કરી આત્મઘાતીઓને “આત્મઘાત” કરાવી  દેવાનો તખ્તો તૈયાર

370 પછી પીઓકેને હાંસલ કરવા મોદી માસ્ટર સ્ટોક લગાવશે

પાકિસ્તાનને મ્હાત આપવામાં હવે જે એક્શન લેવાશે તેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થશે

370 પછી હવે પીઓકેને હાંસલ કરવા મોદી માસ્ટર સ્ટોક લગાવશે. કેન્દ્રના મંત્રી જીતેન્દ્ર સિંઘે આ અંગે ઈશારો કરી દીધો છે. તેઓના ઈશારાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે હવે ભારત પીઓકે હાંસલ કરવાનું આયોજન કરી રહ્યું છે. તેના માટે જે એક્શન લેવાશે તેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થશે તેવું લાગી રહ્યું છે કારણકે આ અંગે નિવેદન આપનાર મંત્રી જીતેન્દ્ર સિંઘ સાયન્સ એન્ડ ટેકનોલોજી, અર્થ સાયન્સ, પીએમઓ, એટોમિક એનર્જી અને સ્પેસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી છે.

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદથી દેશમાં સતત ચર્ચા ચાલી રહી છે કે શું મોદી સરકાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર મુદ્દે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું વિચારી રહી છે. આ અટકળો વચ્ચે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રવિવારે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને પાછું મેળવવું એ આગામી એજન્ડા છે.પીઓકેના વિસ્થાપિતોને સમર્પિત મીરપુર બલિદાન દિવસ કાર્યક્રમને સંબોધતા સિંહે કહ્યું હતું કે જે નેતૃત્વ બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને રદ કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવે છે, તે જ નેતૃત્વ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાંથી પીઓકે પરત મેળવવાની ક્ષમતા ધરાવે છે.

મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમને સંબોધતા મંત્રીએ કહ્યું કે ભારતીય ઉપખંડનું વિભાજન માનવજાતના ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના હતી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરે તત્કાલિન રજવાડાના એક ભાગને ગુમાવવાથી બીજી સમસ્યાનો સામનો કરવો પડ્યો જે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં જતુ રહ્યું. સિંહે કહ્યું, પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરને ફરીથી પરત મેળવવુંએ આગામી એજન્ડા છે.

તેમણે કહ્યું કે હંમેશા એવું માનવામાં આવતું હતું કે કલમ 370 ક્યારેય રદ કરવામાં આવશે નહીં, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, તે શક્ય બન્યું અને તેથી પીઓકે પુન:પ્રાપ્ત કરવાનો સંકલ્પ પણ પુરો થશે. વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય મંત્રી સિંહએ જણાવ્યું હતું કે પીઓકે પાછું મેળવવું એ માત્ર રાજકીય અને રાષ્ટ્રીય એજન્ડા નથી, પરંતુ માનવ અધિકારોનું સન્માન કરવાની જવાબદારી પણ છે, કારણ કે પીઓકેમાં અમારા ભાઈઓ અમાનવીય પરિસ્થિતિમાં જીવે છે અને આરોગ્ય જેવી મૂળભૂત બાબતો અને શિક્ષણથી તેઓ વંચિત રહ્યા છે.

ચીનના સહયોગથી વિકાસ પામેલા ગ્વાદર બંદર સામે બંડ પોકારતા બ્લુચીઓ

પાકિસ્તાનમાં ચીનના સહયોગથી વિકાસ પામેલા ગ્વાદર બંદર સામે બલુચીઓએ બંડ પોકાર્યું છે.બંદરમાં બિનજરૂરી ચેકપોઇન્ટ, પાણી અને વીજળીની તીવ્ર તંગી, ગેરકાયદે માછીમારીથી આજીવિકાના જોખમો અને ચીનના મલ્ટી-બિલિયન ડોલરના બેલ્ટ એન્ડ રોડ પરિયોજનાના વિરોધને કારણે મોટા પ્રદર્શનો થઈ રહ્યા છે. કેટલાક રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ, નાગરિક અધિકાર કાર્યકર્તાઓ અને આ વિષયો સાથે સંકળાયેલા લોકો છેલ્લા એક સપ્તાહથી ગ્વાદરમાં પોર્ટ રોડ પર વાય ચોક ખાતે એકઠા થઈ રહ્યા છે ગ્વાદર એ પાકિસ્તાનના

અશાંત દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલું દરિયાકાંઠાનું શહેર છે. અહેવાલો અનુસાર પ્રદર્શનકારીઓ વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે પ્રશ્નોના નિરાકરણમાં સરકાર પ્રામાણિક નથી. અહીંના લોકો માટે આ અપમાનજનક છે કે ચેકપોઇન્ટ પર તેમના રોકવામાં આવે અને તેના ઠેકાણા વિશે પૂછવામાં આવે. વિરોધ ગ્વાદરમાં ચીનની વધતી હાજરી સામે અસંતોષનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે ગ્વાદર બંદર 60 અરબ ડોલરની ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે.