રૂપાણી સરકારની સિધ્ધી: ગુજરાતમાં કોરોના વેકિસનના 4 કરોડ ડોઝ આપી દેવાયા

3.03 કરોડ નાગરિકોને પ્રથમ ડોઝ અને 97 લાખ લોકોને બંને ડોઝ અપાયા

વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટે હાલ વિશ્ર્વ આખા પાસે એક માત્ર હથીયાર વેકિસન છે. વેકિસનેશનની કામગીરી જેટલી ઝડપથી કરવામાં આવશે. નાગરિકોને સંભવીત ત્રીજી લહેર સામે તેટલા જ સુરક્ષીત કરી શકાશે. ગુજરાતની રૂપાણી સરકારે આ મામલે એક નવી સિધ્ધી હાંસલ કરી છે. રાજયમાં ચાર કરોડથી પણ વધુ વેકિસનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. 60 ટકાથી વધુ નાગરિકોને વેકિસનના ડોઝ આપી સુરક્ષીત કરી દેવામાં આવ્યા છે.

કોરોના રસિકરણમાં ગુજરાતે ગઈકાલે વધુ એક સિધ્ધિ હાંસલ કરી લીધી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેકિસનેશનના ચાર કરોડ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરી છે. રાજયમાં અત્યાર સુધીમાં 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લાભાર્થીઓને વેકિસનનો પ્રથમ ડોઝ અને 97 લાખ 38 હજાર 764 નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યા છે. ગુજરાત પર મિલિયન વેકિસનેશનમાં પણ દેશમાં મોટા રાજયોમાં અગ્રેસર છે. મુખ્યમંત્રીએ વ્યાપક રસિકરણ માટે આરોગ્ય વિભાગના કર્મચારી અને ગુજરાતનાં નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે.