હેડ કોન્સ્ટેબલમાંથી બન્યા એસીપી, યુવાનો માટે ઉત્તમ ઉદાહરણ છે ફિરોઝ આલમ

નિશીથ જોષી, સમાચાર સંપાદક, (દૂરદર્શન) અમદાવાદ:

રાજ્યભરમાં આજે હજારો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યાં છે. કોરોનાકાળ દરમિયાન મોટાભાગની તમામ પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ થતા મોટાભાગના યુવાનો નિરાશ થયા હતા પરંતુ મહેનત કરનારા વિદ્યાર્થીઓએ ક્યારેય હિમ્મત હારવી જોઇએ નહીં, ભાગ્યેજ કોઇ યુવાન હશે જેને પ્રથમ પ્રયાસે સફળતા મળે છે. પરંતુ સફળતા એવા લોકોને જ મળતી હોય છે જેઓ સતત મહેનત કરવાનું ચાલું રાખે. આવું જ એક સરસ ઉદાહરણ છે દિલ્હીના ફિરોઝ આલમ, જેઓ હેડ કોન્સ્ટેબલમાંથી એસીપી બન્યા છે.

દુરદર્શનના સંપાદક નિશીત જોષીના જણાવ્યા પ્રમાણે દિલ્હી પોલીસમાં 11 વર્ષ સુધી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ફિરોઝ આલમ એસીપી બન્યા. તેમણે UPSCની પરીક્ષા અથાગ મહેનત અને પરિશ્રમથી આપી અને પાસ કરી. તેઓ હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં ફરજ બજાવશે. તેમને એસીપીનું પદ મળ્યું છે. તેમની તાલીમ ચાલુ છે. હેડ કોન્સ્ટેબલ થી એસીપી બનવા સુધીની સફર તેમના માટે કેટલી ગૌરવ પૂર્ણ અને આપણા માટે કેટલી પ્રેરણાદાયી  વાત  કહેવાય.

હાલ જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ઉત્તમ ઉદાહરણ છે. આજે જયારે યુવાનો કે યુવતીઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળ જાય છે ત્યારે પહેલા કે બીજા એટેમ્પટ  પછી તેઓ પ્રયાસ કરવાનું છોડી દે છે. મેં એવું પણ સાંભળ્યું છે કે તેઓ એવું પણ કહે છે કે આમાં તો લાગવગ જ હોય છે, આપણો  તો ક્યારેય નંબર જ લાગવાનો નથી વગેરે વગેરે …

 

મંઝિલે કદમ ચૂમેગી રાસ્તા ખુદ બન જાયેગા હોંસલા કર તું બુલંદ તો આસમાન ભી ઝુક જાયેગા

ઉપર લખેલી પંક્તિ ખરા અર્થમાં ફિરોઝ આલમે સાર્થક કરી બતાવી છે. વધુમાં નિશીથ જોષીએ જણાવ્યું કે મિત્રો જો આપ પ્રયાસ જ નહિ કરો તો તમને બધે લાગવગ જ લાગશે. આપણા તમામ એટેમ્પટ  પુરા કર્યા વગર જો આપણે હારી જઈશું તો આખી જિંદગી વ્યવસ્થાને જ દોષ દીધા કરીશું. અને જો બધા એટેમ્પટ  પુરા થઇ જાય અને સફળ ના થવાય તો પણ શું?  તમારી પાસે એટલી બધી તકો છે કે તમે ઘણી સારી જગ્યાએ પદોન્નત થઇ શકો છો . આમ, પણ આપણે બીજાને દોષ દેવામાં ખૂબ માહિર છીએ. આપણને આપણો  દોષ તો  દેખાતો જ નથી.  લોકો પણ વ્યવસ્થાને જ દોષ દે છે. મિત્રો એટલું આપ સમજજો કે નિષ્ફળતા એ પૂર્ણવિરામ નથી. કારણકે જો આપ નિષ્ફળ નહીં થાઓ તો સફળતાનો સ્વાદ કેવી રીતે ચાખી શકશો?  તમને પ્રથમ વખતમાં જ સફળતા મળી જશે તો તેનો સ્વાદ ફિક્કો લાગશે. આ વાત જયારે લખું છું  ત્યારે અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની યાદ આવે છે. એમનું જીવન જો કોઈ વાંચે તો ક્યારેય પણ તેને નિરાશ થવાનો વિચાર જ ના આવે.  ચાલો તમને એમની નિષ્ફ્ળતાઓ વિશે જણાવું.

  • 21 વર્ષની ઉંમરે તેમને જે બીઝ્નેસ શરુ કર્યો તેમાં તેઓ નિષ્ફળ ગયા.
  • 22 વર્ષની ઉંમરે તેઓ વિધાનસભાની ચૂંટણી હાર્યા
  • 24 વર્ષની ઉંમરે તેમની પ્રેયસીનું મૃત્યુ થયું
  • 27 વર્ષની ઉંમરે તેમને ગંભીર નર્વસ બ્રેક ડાઉન થયું
  • 45 વર્ષની ઉંમરે તેઓ સેનેટર તરીકે નિયુક્ત ના થઇ શક્યા
  • 47 વર્ષની ઉંમરે ફરીથી તેઓ ઉપ રાષ્ટ્રપતિ ના બની શક્યા

આટ આટલી નિષ્ફળતા મેળવ્યા બાદ આખરે 52 વર્ષની ઉંમરે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ બન્યા. તેમણે  હસતા મોઢે આ નિષ્ફળતાઓનો સ્વીકાર કર્યો. છેવટે કુદરતને પણ તેમના મક્કમ મનોબળ સામે ઝુકવુ પડ્યું.

વાતનો સાર એટલો જ છે મિત્રો કે,  મજબૂત મનોબળની  અનુભૂતિ સતત થવી  જોઈએ. જયારે પણ એવું લાગે છે કે કઠોર પરિસ્થિતિ સહેજ પણ બદલાઈ નથી કે આશાની કોઈ નવી કિરણ દેખાતી નથી ત્યારે આપણું  મન એક વિચિત્ર પ્રકારના ભયથી ઘેરાયેલું હોય છે. સ્વાભાવિક છે કે નિષ્ફળતા મળવાથી ઘણા મનથી તૂટી જાય છે. પરંતુ આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આ પરિસ્થિતિમાં એકમાત્ર આપણો વિલ પાવર જ છે જે આપણને હિંમત, સાહસ, અને સકારાત્મક વિચારનું  બળ પૂરું પાડે છે.

સમુદ્ર કેટલો પણ વિશાળ કેમ ના હોય પરંતુ તેને પણ કિનારો તો હોય જ છે. કિનારા પર પહોંચીને મનોરમ દ્રશ્યનો આનંદ એ જ લોકો લે છે જે  દ્રઢ નિશ્ચય અને મજબૂત ઈચ્છા શક્તિની નાવડીમાં બેસીને વિશાળ સમુદ્ર પાર કરીને કિનારે પહોંચે છે. આપણું મનોબળ એવરેસ્ટ  શિખરની જેમ ઉંચુ હોવું જોઈએ. મિત્રો, વિશ્વાસ રાખો તમે કિનારે પહોંચવાની ખૂબ જ નજીક છો. એક સોનેરી સવાર આપણી રાહ જોઈ રહી છે. આપણે ટૂંક જ સમયમાં નવા સૂરજની લાલિમા જોઈશું.