ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં થયેલા કૌભાંડ સામે કાર્યવાહી : ઇડીએ બે કંપનીઓની 134 કરોડની સંપત્તિ કરી જપ્ત

કંપનીના પ્લાન્ટ, મશીનરી, કોમ્પ્યુટર, જમીન, બિલ્ડિંગ સહિતની મિલકતો ટાંચમાં લેવાય

અબતક, રાજકોટ : ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં થયેલ  કૌભાંડ મામલે ઇડીએ કાર્યવાહી હાથ ધરી છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં આતશ નોરકંટ્રોલ લિમિટેડ તથા ઈન્ડિયા-નૉર્વે જોઇન્ટ વેન્ચર કંપનીની 134 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી લીધી છે. ઇડીએ જે સંપત્તિઓ ટાંચમાં લીધી છે તેમાં કંપની પ્લાન્ટ, મશીનરી, કોમ્પ્યુટર, જમીન, બિલ્ડિંગ સહિતની મિલકતોનો સમાવેશ થાય છે. આ સિવાય આતશ નોરકંટ્રોલ લિમિટેડનાં નામે જમા રૂપિયા 43.75 કરોડ પણ ઇડીએ પોતાના કબજે લઈ લીધા છે. સમગ્ર મામલે પ્રેવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ કાર્યવાહીના પ્રાથમિક આદેશ આપી દેવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર સીઆઈડીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે 134 કરોડની છેતરપિંડી સામે એફઆઈઆર દાખલ કરી હતી.

મેરિટાઈમ બોર્ડના બે અધિકારીની સંડોવણી

રૂ.134 કરોડના કૌભાંડમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડના સુપ્રિન્ડેન્ટન્ટ એન્જિનિયર હર્ષદ રાજપાલ અને તત્કાલીન ચીફ નોટીકલ ઓફીસર સંદીપચંદ્ર માથુરે આ ગુનાહિત ષડયંત્રનો હિસ્સો બની કમ્પલેશન સર્ટિફિકેટ ઈશ્યુ કરી આતશ કંપનીને ગેરકાયદેસર રીતે લાભ કરાવી મદદ કરી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આતશ નોરકંટ્રોલે પ્રોજેક્ટરનું રોકાણ રૂ.100 કરોડ સુધી પહોંચાડવા માટે આકાશ પેલેસ ડેવલોપર્સ પ્રા.લિ અને ચારધામ ડેવલોપર્સ પ્રા.લિ. કંપનીઓના 16.31 કરોડના આઠ ખોટા ઈન્વોઈસીસ ઉભા કરી સને 2015-16થી 2018-19 સુધી ત્રણ વર્ષ દરમિયાન ફી ઉધરાવી ગેરકાયદેસર રીતે 134.38 કરોડની કમાણી કરી લીધી હતી

ઉલ્લેખનીય છે કે ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા ખંભાતના અખાતમાં મુસાફરી કરતા ગુડ્ઝ જહાજો, વેસલ્સ અને બોટસની સુરક્ષા માટે તેમજ અનધિકૃત વેસલ્સ અને જહાજોનું મોનિટરિંગ કરવા માટે વેસલ્સ ટ્રાફિક એન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ(વી.ટી.પી.એમ.એસ) શરૂ કરવાના નિર્ણય બાદ આ અંગેની કામગીરી કરવા માટે ટેન્ડર મેળવનારા આતશા નોરકંટ્રોલ લિમિટેડે એગ્રીમેન્ટથી વિપરીત પ્રોજેકટનું રોકાણ રૂ,.100 કરોડથી વધારી ત્રણ વર્ષ સુધી રૂ.134.38 કરોડ મેળવી કરેલા કૌભાંડમાં એટીએસ અને ક્રાઈમ બ્રાંચની સંયુકત ટીમોએ દરોડા પાડી અમદાવાદ અગાઉ આ મામલે મેરિટાઈમ બોર્ડના ચીફ નોટીકલ ઓફીસરની ફરિયાદને પગલે એટીએસ અને ક્રાઈમ બ્રાંચે વિવિધ સ્થળે રેડ કરી જીનોફર કવાસજી ભુજવાલા, ઝુબીન જીનોફર ભુજવાલા,સુદર્શન રધુનાથપ્રસાદ શર્મા, રેખા સુદર્શન શર્મા અને હર્ષદ ચંદુલાલ રાજપાલની અટકાયત કરી હતી.