‘રામાયણ’માં લંકેશનું પાત્ર ભજવીને જાણિતા થયેલા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

પરાયાધન-આજકી તાજા ખબર-જંગલ મે મંગલ અને ત્રિમૂર્તિ જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો: 1985માં વિક્રમ વેતાલ, 1987માં રામાયણ અને 1995માં આવેલી ટીવી શ્રેણી વિશ્વામિત્રથી સમગ્ર દેશમાં જાણિતા થયા હતા

ગુજરાતી ફિલ્મો-હિન્દી ફિલ્મો અને ટીવી ધારાવાહિકના જાણિતા કલાકાર અરવિંદ ત્રિવેદીનું ગઈકાલે રાત્રે હૃદયરોગનો હુમલો આવતા 82 વર્ષની વયે દુ:ખદ અવસાન થયેલ છે. અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938ના રોજ ઈન્દોર ખાતે થયો હતો. તેઓ એક સફળ અભિનેતા સાથે સાબરકાંઠા વિસ્તારનાં સંસદ સભ્ય પદે પણ રહી ચૂકયા હતા. તેમના પરિવારમાં ત્રણ પુત્રીઓ છે. તેમણે 1966માં નલિની ત્રિવેદી સાથે લગ્ન કર્યા હતા.

અરવિંદ ત્રિવેદીએ જાણીતી ટીવી શ્રેણી રામાયણ ઉપરાંત 300થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતુ. ‘દેશરે જોયા દાદા-પરદેશ જોયા’ જેવી ફિલ્મમાં દાદાના પાત્રથી દર્શકોના દિલ જીતીને ફિલ્મે બોકસ ઓફિસના તમામ રેકોર્ડ તોડયા હતા. આ ભૂમિકા માટે તેમને આજે પણ લોકો યાદ કરે છે. સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટીફિકેશનના કાર્યકારી અધ્યક્ષ તરીકે 2002થી 2003 સુધક્ષ સક્રિય કાર્ય કર્યું હતુ.

1991માં તેઓ ભાજપના સાબરકાંઠા વિસ્તારનાં સંસદ સભ્ય ચુંટાયા હતા. 1974માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કુંવરબાઈનું મામેરૂ’ થી ફિલ્મથી ગુજરાતી ફિલ્મયાત્રા શરૂ કરીને દર વર્ષે બે ત્રણ ફિલ્મોમાં ઉમદા અભિનય કરીને દર્શકોનાં દિલમાં વસ્યા હતા. તેઓના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ નાટકો-ફિલ્મોના જાણિતા કલાકાર હતા. 1998માં આવેલી દેશરે જોયા દાદા પરદેશ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ છે. તેમણે હિન્દી ફિલ્મ ત્રિમૂર્તિમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી. મુંબઈમાં તેના નિધન થતા ગુજરાતી તેમજ હિન્દી સિને જગતમા શોકનો માહોલ પ્રસર્યો હતો.

1987માં આવેલી ‘રામાયણ’ ટીવી ધારાવાહિકમાં ‘રાવણ’નું પાત્ર ભજવીને તેઓ ઘરઘરમાં લોકપ્રિય થયા હતા. લોકડાઉનમાં ફરી આ ટીવી શ્રેણીનું પ્રસારણ થતા નવી પેઢીના દર્શકો પણ તેના અભિનયથી પ્રભાવિત થયા હતા. તેઓ ફિલ્મો-ટીવી શ્રેણી સાથે ઘણા નાટકોમાં પણ અભિનય કર્યો હતો.

અરવિંદ ત્રિવેદીએ હિન્દી-ગુજરાતી ફિલ્મો ટીવી શ્રેણી, રંગભૂમિ જેવા તમામ ક્ષેત્રે ચાર દાયકાથી વધુ સક્રિય કાર્યકરીને દર્શકોનાં દિલમાં વસી ગયા હતા. આ મહાન કલાકારને સાચી લોકપ્રિયતા ટીવી શ્રેણી ‘રામાયણ’માં રાવણ-લંકેશના પાત્રથી મળી હતી. ટચુકડા પડદે મળેલી અભૂતપૂર્વ સફળતામાં વિક્રમ વેતાલ-વિશ્ર્વામિત્ર જેવી શ્રેણીનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે રાત્રે મુંબઈના કાંદિવલી સ્થિત તેમના નિવાસ સ્થાને જ અંતિમ શ્ર્વાસ લીધા હતા.

રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદભાઈ રામના પરમ ભકત હતા ઈડર સ્થિત તેમના નિવાસ સ્થાને રામ ભગવાનની ચાર ફુટની મૂર્તિ છે

રામાયણના ‘રાવણ’ના પાત્રમાં તેના અટ્ટહાસ્ય વડે રાવણના તિરસ્કારજનક પાત્રની ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનયથી તેઓ સમગ્ર દેશ અને વિશ્ર્વભરમાં જાણિતા બન્યા હતા. રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી રામભકત હતા, તેમના ઈડરના નિવાસ સ્થાને 4 ફૂટની રામજીની પ્રતિમા પૂજય મોરારીબાપુના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ તેની નિયમિત પૂજા-અર્ચના કરતા હતા.