તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકાનું પાત્ર ભજવતાં કલાકાર ઘનશ્યામ નાયકનું નિધન

છ દાયકાની લાંબી યાત્રામાં ર00 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સાથે 3પ0થી વધુ સિરિયલોમાં કામ કર્યુ હતું. તેઓ વર્ષોથી રંગલો શ્રેણીના ભવાઇ નાટકો કરતા આવ્યા છે

આપણા બધાના ફેવરીટ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવતા રંગભૂમિ, ફિલ્મો, ટીવી શ્રેણીના જાણીતા કલાકાર ઘનશ્યામ નાયકનું રવિવારે કેન્સરની બિમારીને કારણે નિધન થયું છે. 77 વર્ષની વયે મુંબઇ ખાતે તેમને અંતિમ શ્ર્વાસ લીધા હતા. પ્રારંભે પૈસા કમાવવા માટે રસ્તાઓ ઉપર પણ પરફોર્મ કરતાં હતાં.12 મે 1945ના રોજ મહેસાણાના ઊંઢાઇ ગામે જન્મ થયો હતો. તેમની કારકીર્દીના સક્રિય વર્ષો 1968 થી 2021 રહ્યા હતા. તેમના પરિવારમાં બે પુત્રી અને પુત્ર છે.

બાળપણથી ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવીને અભિયન શરુ કર્યો હતો. બાદમાં મુંબઇ જઇને બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હસ્ત મેળાપ-1968’માં રજુ થઇ હતી આ ફિલ્મ જાણીતા હાસ્ય કલાકાર રમેશ મહેતાની પણ પ્રથમ ફિલ્ઈમ હતી. વેણીના ફૂલ ફિલ્મમાં પણ કામ કર્યુ તેમણે ડોશીમા ના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. તેઓ એક શ્રેષ્ઠ ગાયક કલાકાર પણ હતા.

સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપુર, આશા ભોંસલે, પ્રિતિ સાગર જેવા ખ્યાતનામ ગાયક કલાકાર સાથે ઘનશ્યામ નાયકે ગીતો ગાય છે. પહેલી હિન્દી ફિલ્મ 1960માં આવેલી ‘માસુમ’ હતી, જેમાં બાળ કલાકાર તરીકે ચમકયા હતા.

ઘણી હિન્દી ફિલ્મોમાં ઘનશ્યામ નાયકે સુંદર અભિયન કરીને દર્શકોના દિલ જીત્યા હતા. જેમાં કચ્ચે ધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક, આવારા, તિરંગા જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ રંગભૂમિ અને ભવાઇ સાથે છેલ્લા છ દાયકાથી જોડાયેલા હતા. તેનું પ્રથમ નાટક ‘પાનેતર’ હતું. તેઓના પિતા, દાદા, પરદાદા બધા જ રંગભૂમિ ભવાઇ સાથે જોડાયેલા હોવાથી ઘનશ્યામ નાયકને પણ કલા વારસામાં મળી હતી.

તેમના પર દાદા તો રાજવી પરિવારના સંગીતાલયમાં આચાર્ય હતા અને જાણીતા સંગીતકાર શંકર જયકિશનમાના જય કિશનના ગુરુ હતા.ગુજરાતી ટીવી શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ઘનશ્યામ નાયક તેના નટુકાકાના પાત્રથી સમગ્ર દેશમાં છવાઇ ગયા, અમર થઇ ગયા હતા. કેન્સર  જેવી બિમારી હોવા છતાં દોઢ માસ પહેલા તેમણે આ ટીવી શ્રેણીનો દમણ ખાતે હપ્તો શુટીંગ કર્યો હતો. 1999 માં આવેલી ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મમાં વિઠ્ઠલકાકા ના પાત્રમાં સુંદર અભિનય કર્યો હતો. મણીમટકુ, એક મહલ કો સપનો કા સારથી, સારાભાઇ વર્સીલ સારાભાઇ છુટાછેડા જેવી ઘણી હિટ ટીવી શ્રેણીમાં કામ કર્યુ હતું. સમગ્ર ફિલ્મ જગતમાં તેઓ ‘રંગલો’ અને નટુકાકાના નામથી જાપીતા હતા.

ઘનશ્યામ નાયકને શરૂ કામ કરવાના બે કે ત્રણ રૂપિયા મળતા હતા. એક સમયે આર્થિક મુશ્કેલી વખતે બાળકોની ફિ ભરવા તેને મિત્રો પાસે પૈસા માંગવા પડતા હતા. જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ બાદ તેની સ્થિતિ ખુબ જ સારી થઇ ગઇ હતી. તેઓએ એક મુલાકાતમાં જણાવેલ કે મેકઅપમાં હોવાને મારૂ મૃત્યુ આવે એ જ અંતિમ ઇચ્છા છે પણ કેન્સર જેવી બિમારીએ છેલ્લા 3-4 માસથી પથારી વશ કર્યા હતા. રંગભૂમિ અને ભવાઇને જીવંત રાખવા ઘનશ્યામ નાયકના કાર્યો સદૈવ તેના ચાહકો યાદ કરશે.