Abtak Media Google News

આજે પ્રતિ કિલો સીએનજીના ભાવમાં રૂા.1.49નો વધારો: નવો ભાવ 87.38 રૂપિયા: વાહન ચાલકો પર સતત વધતો બોજ

અદાણી ગેસ દ્વારા ત્રણ દિવસના ટૂંકા ગાળામાં સીએનજીની કિંમતમાં બે વખત ભાવ વધારો ઝીંકતા વાહન ચાલકોની રાડ બોલી ગઇ છે. ત્રણ દિવસમાં 3 રૂપિયા 48 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અન્ય કંપનીઓ દ્વારા પણ સીએનજીની કિંમતમાં વધારો કરવામાં આવે તેવી ભીતી વર્તાય રહી છે.

અદાણી ગેસ દ્વારા ગત મંગળવારના રોજ પ્રતિ કિલો સીએનજીના ભાવમાં રૂા.1.99નો વધારો ઝીંકવામાં આવ્યો હતો. વાહન ચાલકોને તેની કળ વળે તે પહેલા જ આજે અદાણી ગેસ દ્વારા માત્ર ત્રણ દિવસના ટૂંકાગાળામાં ફરી એક ડામ આપવામાં આવ્યો છે. આજથી જ ભાવ વધારો અમલી થાય તે રિતે સીએનજીની કિંમતમાં રૂા.1.49નો વધારો કરવામાં આવ્યો છે. હવે અદાણી ગેસના નવો ભાવ રૂા.87.38એ પહોંચી ગયા છે. માત્ર ત્રણ દિવસમાં 3 રૂપિયા 48 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

હવે અન્ય કંપનીઓ પણ સીએનજીના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોય એકાદ વર્ષ પૂર્ણ વાહન ચાલકો સીએનજી તરફ વળ્યા હતા. સીએનજી કીટના ભાવ આસમાને આંબી ગયા હતા. હવે પેટ્રોલ અને સીએનજીની કિંમતમાં બહુ ફર્ક રહ્યો નથી. હજારો રૂપિયા ખર્ચી સીએનજી કીટ વસાવનાર વાહન ચાલકો પસ્તાય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.