Abtak Media Google News

5069 કરોડની બોલી લગાવી અદાણીએ પ્રોજેકટ મેળવ્યો, અઢી ચો.કિમિ વિસ્તારમાં રહેતા 6.5 લાખ લોકોનું પુનર્વસન કરાશે

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીને અદાણી રિડેવલપ કરશે. પ્રોજેક્ટ હેઠળ સ્લમના 2.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા એરીયામાં નિવાસ કરતા 6.5 લાખ રહેવાસીઓનું પુનર્વસન કરાશે.

અદાણી જૂથ મંગળવારે મુંબઈમાં ધારાવીના ઝૂંપડપટ્ટીના પુન:વિકાસના પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવનાર કંપની બની છે.ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે  ગૌતમ અદાણીની આગેવાની હેઠળના સમૂહે પ્રોજેક્ટ માટે રૂ. 5,069 કરોડની બિડ સબમિટ કરી હતી, જ્યારે ડીએલએફ ગ્રૂપે રૂ. 2,025 કરોડની બોલી કરી હતી.

શ્રીનિવાસે જણાવ્યું કે બિડમાં કુલ ત્રણ બિડર હતા. જો કે, માત્ર અદાણી અને ડીએલએફ અંતિમ બિડિંગમાં ક્વોલિફાઈ થયા જ્યારે અન્ય બિડર નમન ગ્રુપ ક્વોલિફાઈ નહોતા થયા. તેમણે વધુમાં જણાવ્યું કે તેમનું કાર્યાલય રાજ્ય સરકારનો સંપર્ક કરીને હવે પછી લેવાનારા પગલા વિશે નિર્ણય કરશે અને પ્રોજેક્ટ માટે વિશેષ કમિટીનું ગઠન કરશે.

પ્રોજેક્ટ હેઠળ સ્લમના 6.5 લાખ રહેવાસીઓનું પુનર્વસન કરાશે જેઓ હાલ 2.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા એરીયામાં નિવાસ કરી રહ્યા છે. તેમાં વિશ્વના સૌથી મોટા સ્લમ ગણાતા ધારાવીમાં ઈમારતો અને અનૌપચારિક ટેનામેન્ટના પુન:વિકાસ તેમજ પાણી પુરવઠા અને ગટર જેવી માળખાકીય સુવિધાઓનો વિકાસ સામેલ હશે.અદાણી જૂથ અને રાજ્ય સરકારની સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટના અમલીકરણ માટે સ્પેશિયલ પરપઝ વેહિકલની રચના કરશે. પ્રોજેક્ટ સાત વર્ષમાં પૂરો થવાની ધારણા છે એવી જાણકારી શ્રીનિવાસે આપી હતી.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં પ્રિ-બિડ મીટિંગમાં દક્ષિણ કોરિયા અને યુએઈ સ્થિત કંપનીઓ સહિત આઠ કંપનીઓએ હાજરી આપી હતી. જો કે એમાંથી માત્ર અદાણી જૂથ, ડીએલએફ અને મુંબઈ સ્થિત નમન ડેવલપર્સે પ્રોજેક્ટ માટે બિડ કર્યું હતું.

એનડિટીવીના સ્થાપક પ્રણય રોય અને તેની પત્નીનું રાજીનામુ, અદાણી હવે કંપની હસ્તગત કરવાને નજીક

નવી દિલ્હી ટેલિવિઝન લિ. એટલે કે એનડિટીવીના સ્થાપક પ્રણય રોય અને તેમની પત્ની રાધિકા રોયે આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે, જે પ્રમોટર ગ્રૂપ એન્ટિટી છે.  અદાણી જૂથ હવે આ ન્યૂઝ ચેનલ કંપનીને હસ્તગત કરવાની નજીક છે. એનડીટીવીમાં આરઆરપીઆર 29.18 ટકા હિસ્સો ધરાવે છે. જો કે, રોય હજુ પણ પ્રમોટર્સ તરીકે એનડીટીવીમાં 32.26 ટકા હિસ્સો ધરાવે છે અને તેણે ન્યૂઝ ચેનલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું નથી.  પ્રણય રોય એનડીટીવીના ચેરપર્સન છે અને રાધિકા રોય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.એનડિટીવીએ જણાવ્યું કે આરઆરપીઆર હોલ્ડિંગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તાત્કાલિક અસરથી બોર્ડમાં સુદિપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સેંથિલ ચેંગલવારાયણની નિમણૂકને મંજૂરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.