Abtak Media Google News

મલ્ટીનેશનલ કંપની અદાણી હવે કોપર (તાંબા)ઉદ્યોગમાં પ્રદાર્પણ કરવાની તૈયારીમાં છે. ઊર્જા, સાધન-સરંજામ, લોજિસ્ટિક્સ, કૃષિઉદ્યોગ, રિયલ એસ્ટેટ, નાણાકીય સેવાઓ, સંરક્ષણ અને એરોસ્પેસમાં હાલ તે કાર્યરત છે. પરંતુ હવે ભારતીય કોપર ઈન્ડસ્ટ્રીમાં પણ ઝંપલાવી પોતાની પાંખો વધુ પહોળી કરવાનો નીર્ધાર કર્યો છે. અદાણી ગ્રુપની મુખ્ય એન્ટિટી કંપની અદાણી એન્ટરપ્રાઇઝએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તે હવે કોપર(તાંબા)ના ઉદ્યોગમાં પ્રવેશ કરી તે પર વધુ ભાર મુકશે. અને આ માટે મહત્વની ભૂમિકામાં તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ રહેશે.

અદાણી ગ્રુપનું મુખ્ય બંદર કહી શકાય તેવું મુંદ્રા બંદર પણ કચ્છમાં જ સ્થિત છે ત્યારે હવે નવી કોપર બિઝનેશ માટેની એન્ટીટી પણ કચ્છમાં ઉભી થશે. આનાથી માત્ર કચ્છ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને લાભ થશે.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, “KCL-કચ્છ કોપર લિમિટેડ તાંબાના વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે કોપર કેથોડ, કોપરના સળિયા બનાવવા વગેરે જેવું મુખ્ય કામ કરશે.

Aaa
ગૌતમ અદાણીની આગેવાનીવાળી અદાણી એન્ટરપ્રાઇઝની NSE(National Stock Exchange) -4.28% સાથે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ગેસ જેવી અલગ-અલગ એન્ટીટી ધરાવે છે. આ બધી કંપનીઓ સ્વતંત્ર રીતે સ્ટોક એક્સચેંજમાં સૂચિબદ્ધ છે.

કોપર બિઝનેસમાં કંપનીની એન્ટ્રી એ સમયે થઈ રહી છે કે જ્યારે નાણાકીય વર્ષ 2019માં રિફાઇન્ડ કોપરની આયાત વધીને 92,990 ટન થઈ હતી, જે નાણાકીય વર્ષ 2018 માં 44,245 ટન હતી. એટલે કે હાલ ભારતે કોપર ક્ષેત્રે અન્ય દેશ પર આધાર રાખવો પડી રહ્યો છે. ભારત ખાણ-ખનિજથી ભરપૂર દેશ છે તાંબું રાજસ્થાન, ઉત્તર ગુજરાતમાંથી મળી આવે છે પરંતુ આંતરમાળખાકીય સવલતોના અભાવે તેની ખનન પ્રક્રિયા મંદગતિએ છે. જો કે, પરવાના, નીતિ-નિયમોમાં આંશિક છૂટછાટ કોપર ખનનને વધુ તેજ ગતિ પ્રદાન કરી શકે છે. તો સાથે આયતનું ભારણ પણ મહદઅંશે ઘટી શકે છે.

કેન્દ્રીય ખાણ, કોલસા અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “રિફાઈન્ડ કોપરની આયાત નાણાકીય વર્ષ 18થી20માં 44,245 ટનથી 1.52 લાખ ટન થઈ છે.

જ્યારે નિકાસમાં 90%ના ઘટાડા સાથે 3.8 લાખ ટનથી 39,959 ટન થઈ છે. ઔધોગિક આંકડા મુજબ, 2017-18માં ભારતનું શુદ્ધ તાંબાનું ઉત્પાદન લગભગ 848,000 ટન હતું. 2019-20માં, દેશના શુદ્ધ કોપરનું ઉત્પાદન ઘટીને 408,000 ટન થયું હતું.

સરકાર પણ આયાત પરનું ભારણ ઘટાડી નિકાસ વધારવાના પ્રયાસમાં છે. કોપર ઉધોગમાં પણ ભારતને આત્મનિર્ભર બનાવવા સરકાર પ્રયત્નશીલ છે ત્યારે સરકારના પ્રેરકબળનો લાભ ખાટી આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કોપર ઉધોગને ધમધમાવવા અદાણી કંપની આગળ આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોપર બીજા ઘણા ઉદ્યોગો જેમ કે, પેકેજિંગ, ઇલેક્ટ્રિકલ, પરિવહન અને ટેલિકમ્યુનિકેશન ઉદ્યોગ માટેનો નોંધપાત્ર કાચો માલ છે. કોપર ઉદ્યોગમાં અન્ય ટોચની કંપનીઓમાં Hindalco, Hindustan Copper and Vedanta Ltdનો સમાવેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.