રાજકોટથી મુંબઇ, દિલ્હી વચ્ચે વધારાની વિમાની સેવા શરૂ થશે

એરપોર્ટ ડિરેકટર બોરા સાથે ચેમ્બરે યોજી બેઠક

માર્ચના અંતસુધીમાં એરકાર્ગો સેવા પણ શરૂ થઇ જશે

માર્ચના અંત સુધીમાં રાજકોટ મુંબઇ અને રાજકોટ દિલ્હી વચ્ચેની વધુ વિમાની સેવા શરૂ કરવામાં આવશે. એરકાર્ગો સુવિધા પણ માર્ચના અંતસુધીમાં શરૂ થઇ જશે તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટીઝના હોદેદારો સાથેની બેઠકમાં એરપોર્ટ ડિરેકટર દિગંત બોરાએ જણાવ્યું હતું.

રાજકોટ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો તથા પ્રજાજનો પોતાના કામકાજો તથા મેડિકલ ઇમરજન્સી માટે રાજકોટ-મુંબઇ તથા રાજકોટ-દિલ્હી વચ્ચે અવાર-નવાર એરલાઇન્સ દ્વારા મુસાફરી કરતા હોય છે. તેમજ દિન-પ્રતિદિન આ બંને શહેરો વચ્ચે મુસાફરોની ટ્રાફિક સમસ્યા વધતી જાય છે. ત્યારે તેઓને વધુ સારી હવાઇ સેવા મળી રહે તે માટે રાજકોટ ચેમ્બર ઓય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અવાર-નવાર કેન્દ્ર તથા રાજય સરકારમાં વધુ એરલાઇન્સ સેવાઓ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

તાજેતરમાં રાજકોટ ચેમ્બરના હોદેદારોએ રાજકોટ એરપોર્ટ ખાતે નવનિયુકત થયેલા ડાયરેકટર દિગંત બોરા સાથે પણ રાજકોટ ચેમ્બર ઓફિસ ખાતે મિટીંગ યોજી રાજકોટ એરપોર્ટ પર પુષ્કળ પ્રમાણમાં ટ્રાફીક રહેતો હોય તેને ધ્યાનમાં રાખી વધુ ફલાઇટો શરૂ કરવા તથા એરલાઇન્સની સુવિધા અર્થે રજુઆત કરવામાં આવી હતી.

રાજકોટ ચેમ્બરની આજ સુધીની રજુઆતના ફળ સ્વરૂપે સ્પાઇસ જેટ દ્વારા રાજકોટ-દિલ્હી તથા રાજકોટ-મુંબઇ અને રાજકોટ બેગ્લોરની વધુ ફલાઇટો શરૂ કરવામાં આવી છે. તેમજ સ્પાઇસ જેટ દ્વારા રાજકોટ-હૈદરાબાદ માટેની ફલાઇટ પણ 7 માર્ચથી શરૂ કરવામાં આવશે. રાજકોટ-ગોવા માટે સ્પાઇસ જેટની ફલાઇટ તા.17 માર્ચથી શરૂ કરવામાં આવશે. સાથોસાથ એર ઇન્ડિયા દ્વારા પણ રાજકોટ મુંબઇ તથા રાજકોટ દિલ્હી માટેની ફલાઇટ પણ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ ચેમ્બર દ્વારા માંગણી કરાઇ છે કે ઇન્ડીગો એરલાઇન્સ માટેની 4 ફલાઇટો રાજકોટ-મુંબઇ તથા રાજકોટ-દિલ્હી માટે ફલાઇટો શરૂ કરે જે પણ આગામી માર્ચ માસના અંત સુધીમાં શરૂ થઇ જશે. સાથોસાથ રાજકોટના વેપાર-ઉદ્યોગકારોને પાર્સલ મોકલવા માટે એરકાર્ગોની સુવિધા પણ માર્ચ માસના અંતમાં શરૂ થઇ જશે. રાજકોટ ચેમ્બરની માંગણીઓનો સ્વીકાર થવાની વેપાર-ઉદ્યોગકારો તથા આમ જનતામાં ખુશીની લાગણી પ્રસરી છે અને રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને ફલાઇટના ભાડામાં પણ ઘણી રાહત જઇ જશે. રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને આવનારા સમયમાં વધુ સારી એરલાઇન્સ સુવિધા મળી રહે તે માટે વારંવાર રજૂઆતો અને માંગણીઓને સારો એવો પ્રતિસાદ સાંપડયો છે. તેમ રાજકોટ ચેમ્બરે એક યાદીમાં જણાવ્યું છે.