Abtak Media Google News

ખાતરની અછતને ટાળવા ભારત સરકારે માંગણી કરતા વધુ જથ્થો પૂરો પાડ્યો; કુલ 59.82 લાખ મે.ટન જથ્થાની માંગણી સામે 62.60 લાખ મે.ટન જથ્થો ફાળવ્યો

યુરિયા ખાતર સાથે અન્ય કોઈપણ વસ્તુ ખરીદવાની ફરજ પાડવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર કડક પગલા લીધા

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય, તે માટે ભારત સરકારે ગુજરાતને માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે.

છેલ્લા એક વર્ષમાં ભારત સરકાર સમક્ષ યુરિયા ડી.એ.પી અને અન્ય ખાતર મળીને કુલ 59.82 લાખ મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી, જેની સામે ગુજરાતને માંગણી કરતા વધુ આશરે 62.60 લાખ મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કૃષિ મંત્રીએ પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવાની કોઈપણ પ્રકારની ફરજ પાડવામાં ન આવે તે માટે રાસાયણિક ખાતર વિક્રેતાના વેચાણ કેન્દ્રો પર સતત તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અગાઉથી જ ખાતર કંપનીઓ સાથે બેઠક યોજી ખાતર સાથે અન્ય પ્રોડક્ટ ફરજીયાત ન આપવા તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં રાજ્યમાં ક્યાંય આવી ઘટના ધ્યાને આવશે, તો રાજ્ય સરકાર વિક્રેતા અને કંપનીનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાંઓ લેશે.

મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે માટે ગુજકો માસોલ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ જેવી 17જેટલી રાજ્ય સરકાર માન્ય મુખ્‍ય ખાતર વિતરક સંસ્‍થાઓ, 850થી વધુ હોલસેલર વિક્રેતા તથા અન્ય મળીને કુલ 9000થી વધુ સહકારી મંડળીઓ તથા ખાનગી ખાતર વિક્રેતાઓ દ્વારા ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.