Abtak Media Google News

ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે બિલ્ડર પર ફાયરીંગ કરી ફરાર ચારેય શખ્સોને ઝડપી લેવા પોલીસની જુદી જુદી ટીમ બનાવી

જામનગરના ઇવાપાર્ક વિસ્તારમાં બાંધકામના કોન્ટ્રાક્ટર પાટીદાર યુવાન પર  ચાર જેટલા શાર્પ શૂટરો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, અને તેને મોઢાના ભાગે ગોળી વાગી હતી. જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેના ગળામાંથી ગોળી બહાર નીકળે તેવી પરિસ્થિતિ ન હોવાથી વધુ સારવાર માટે તાત્કાલીક અસરથી રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવકના ભાઈની ફરિયાદના આધારે ભૂ માફિયા જયેશ પટેલે પોતાના ચાર સાગરીતો મારફતે ફાયરિંગ કરી ખૂનની કોશિશ કરી હોવા અંગેની ફરિયાદ આપતાં સીટીએ ડીવીઝન પોલીસ મથકમાં જયેશ પટેલ અને તેના ચાર સાગરીતો સામે ખૂનની કોશિષ, હથિયાર ધારા તેમજ પૂર્વયોજીત કાવતરું ઘડવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના ઇવા પાર્ક વિસ્તારમાં પોતાના મકાનનું બાંધકામ કરી રહેલા જયસુખ દેવરાજભાઈ પેઢડીયા નામના ૪૦ વર્ષના પાટીદાર યુવાન પર  ડબલ સવારી બે બાઇકમાં આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કરતાં મોઢાના ભાગે ગોળી વાગી હતી અને ગોળી અંદર ખૂંપી ગઈ હતી. જે પ્રકરણમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલે પોતાના સાગરિતો મારફતે ફાયરિંગ કરાવ્યું હોવાનું જાહેર કરાયું છે. ઇજાગ્રસ્તના ભાઈ હસમુખભાઈ દેવરાજભાઈ પેઢડીયાએ પોતાના ભાઈ જયસુખભાઇ પર જીવલેણ હુમલો કરી ખુનની કોશિષ કરવા અંગે જયેશ પટેલ અને તેના ચાર સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં સીટી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ ૩૦૭, ૫૦૭, ૧૧૪, ૧૨૦-બી  તેમજ આર્મ્સ એક્ટ કલમ ૨૫ ૧ (ડી) અને જી પી એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે અને તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જયેશ પટેલ સાથે ફરિયાદી હસમુખ પેઢડીયા તથા તેના ભાઈને માથાકૂટ થઇ હતી, અને સામસામે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. ઉપરાંત આજથી એક મહિના પહેલા જયેશ પટેલે વ્હોટ્સએપ કોલીંગ કરીને ફરિયાદી અને તેના ભાઈનું બાંધકામ ચાલી રહ્યું છે જે બંધ કરી દેવાની ધમકી આપી હતી. જેના અનુસંધાને  ભાડુતી માણસો મારફતે હુમલો કરાવ્યો હોવાનું જાહેર કરાયું છે. જે સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. ખુદ જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન અન્ય પોલીસ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા, અને ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમજ ભાગી છૂટેલા આરોપીઓને પકડવા માટે જુદી-જુદી ટુકડીઓને દોડતી કરી દેવામાં આવી છે. ઇજાગ્રસ્ત પાટીદાર યુવાનના મોઢાના ભાગમાં ગોળી ફસાયેલી હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેના પર શસ્ત્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે ગોળી નીકળી શકી ન હતી. જ્યારે ઇજાગ્રસ્ત યુવાન પોતાના મોઢામાં બોલવાનો પ્રયત્ન કરતાં લોહીના ફુવારા છૂટ્યા હતા. જેથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જામનગરના બિલ્ડર હસમુખ પેઢડીયા એડવોકેટ કિરીટ જોષી હત્યા કેસમાં મહત્વના સાક્ષી હોવાથી તેના પર ચાર ભાડુતી મારાની મદદથી ફાયરીંગ કરી હત્યાની કોશિષ કરી હોવાથી શંકા સાથે પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.