Abtak Media Google News

બાંગ્લાદેશે આપેલા 128 રનના ટાર્ગેટ સામે અફઘાનિસ્તાને 3 વિકેટ ગુમાવીને 18.3 ઓવરમાં જ પાર પાડ્યો

એશિયા કપ 2022ની ત્રીજી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પોતાની બીજી મેચમાં પણ શાનદાર જીત મેળવી હતી. બાંગ્લાદેશને રણનીતિમાં ચિત કરી અફઘાનિસ્તાનની સુપર ફોરમાં એન્ટ્રી કરી લીધી છે.બાંગ્લાદેશે આપેલા 128 રનના ટાર્ગેટ સામે અફઘાનિસ્તાને 3 વિકેટ ગુમાવીને 18.3 ઓવરમાં જ 131 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેન નઝિબુલ્લાહ ઝરદાને તોફાની બેટિંગ કરી હતી અને 17 બોલમાં 43 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમ માટે હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ઝાઝાઈ 26 બોલનો સામનો કરીને 23 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ગુરબાઝ માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન મોહમ્મદ નબી ખાસ કરી શક્યો ન હતો. તે 9 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો.

અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝરદાન અને નજીબુલ્લાહ ઝરદાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈબ્રાહિમે 41 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા સામેલ હતા. જ્યારે નજીબુલ્લાએ માત્ર 17 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે.આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ દરમિયાન બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન મોસાદક હુસૈને 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે, હુસૈન સિવાય બાંગ્લાદેશનો કોઈપણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને ખતરનાક બોલિંગ કરી હતી. રાશિદ ખાને 3 વિકેટ અને રહેમાને 3 વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.