- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આરોગ્ય અધિકારી ડો.વકાણીની ફરિયાદો અંગે મ્યુનિ.કમિશનરને કરેલી લેખિતમાં ફરિયાદ બાદ તુષાર સુમેરાએ ખર્ચની સત્તા પર કાપ મૂક્યો, રોજેરોજની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે
કોર્પોરેશનમાં આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો.જયેશ વકાણીની કામગીરી સામે સતત સવાલો ઉઠી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની ગત બેઠક પૂર્વે ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં પણ આરોગ્ય અધિકારીની કામગીરી સામે તમામ 66 નગરસેવકોએ વ્યાપક ફરિયાદો ઉઠાવી હતી. જેને પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર લાલઘૂમ થઇ ગયા હતા. તેઓએ આરોગ્ય અધિકારી સામેની ફરિયાદો અંગે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાને વિસ્તૃત પત્ર લખી ફરિયાદો કરી હતી. જેને પગલે આજે મ્યુનિ.કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારી પાસેથી તમામ ખર્ચની સત્તા આંચકી લેવામાં આવી છે. જ્યારે નાયબ કલેક્ટરને રોજેરોજની કામગીરીનો રિપોર્ટ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીની કામગીરી સામે સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ફરિયાદ પણ તેઓ સાંભળતા ન હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. આરોગ્ય શાખાના કર્મચારીઓ અને અધિકારીઓને પણ તેઓ સતત દબાવમાં રાખે છે. આ ઉપરાંત ખર્ચ કરવા માટે પણ ઉપલા અધિકારીઓની મંજૂરી લેતા નથી. અરજદારો સાથે પણ ગેરવર્તણુંક કરવા સહિતની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. ગત મહિને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સમક્ષ આરોગ્ય અધિકારીની કામગીરી અંગે વ્યાપક ફરિયાદો કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ ખરીદી માટે ખર્ચ કરવામાં પણ મોટી ગડબડ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. નિયમ વિરૂધ્ધ કોઇપણ નિર્ણય લઇ લે છે. ઉચ્ચ અધિકારીઓને પણ ગાંઠતા નથી. જ્યારે નીચલા અધિકારીઓને પોતાના તાબે રહેવા માટે ફરજ પાડે છે.
સંકલન બેઠકમાં ફરિયાદોનો ધોધ છૂટ્યા બાદ શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને જ્યારે સંકલન સમિતિની બેઠક ધારાસભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી ત્યારે પણ આરોગ્ય અધિકારીની કામગીરી લઇ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એક તબક્કે તો એવી પણ ચર્ચા થઇ હતી કે આરોગ્ય અધિકારીને સરકારમાં પરત મોકલવા માટે દરખાસ્ત કરી દેવી જોઇએ. જો કે, આ પ્રક્રિયા ખૂબ જ જટીલ હોવાના કારણે હાલ આ શક્ય નથી. ટૂંક સમયમાં ઓફિસર સિલેક્શન કમિટીની બેઠક મળશે. જેમાં કોઇ નિર્ણય લેવામાં આવશે. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી સામે કોર્પોરેટરોની ફરિયાદ અને ખર્ચમાં ગેરરિતી સહિતના મામલે મ્યુનિ.કમિશનરને વિસ્તૃત પત્ર લખ્યો હતો. દરમિયાન આજે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ એક હુકમ કર્યો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હસ્તક જુદા-જુદા વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર આવેલા છે. જેમાં લોકોને આરોગ્ય વિષયક સુવિધા પુરી પાડવામાં આવે છે. વહિવટી સરળતા માટે આરોગ્ય શાખાની રોજબરોજની કામગીરી દેખરેખની જવાબદારી નાયબ કલેક્ટર (મધ્યાહન ભોજન) કિર્તન એ. રાઠોડને સોંપી દેવામાં આવી છે. આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી હવે એકપણ રૂપિયાનો ખર્ચ કરી શકશે નહિં. જો તેઓએ ખર્ચ કરવો હશે તો ઉચ્ચ અધિકારીની મંજૂરી લેવી પડશે. આરોગ્ય શાખાની તમામ નાણાકીય બાબતોની વિગત નાયબ મ્યુનિ.કમિશનરના ધ્યાને મૂકવાની રહેશે. આ ઉપરાંત કામગીરીનું ચુસ્ત સુપર વિઝન નાયબ કમિશનર દ્વારા કરવાનું રહેશે. ટૂંકમાં આરોગ્ય અધિકારી પાસેથી તમામ સત્તાઓ આંચકી લેવામાં આવી છે. સાથોસાથ રોજેરોજની કામગીરીનો રિપોર્ટ આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આ હુકમનો તાત્કાલીક અસરથી અમલ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.