Abtak Media Google News

કોરોનાની વધતી જતી ગતિએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે સંક્રમણના કેસને રોકવા માટે હવે બિન ભાજપી રાજ્ય સરકારો લોકડાઉન તરફ વળી છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં આંશિક લોકડાઉન જાહેર થયા બાદ દિલ્હી સરકારે આજે રાતના10 વાગ્યાથી 6 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે હવે રાજસ્થાન સરકારે પણ આજથી 15 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કર્યું છે.

આજે અશોક ગહેલોત સરકારે પણ લોકડાઉનની જાહેરાત કરી હતી. જેનું નામ ‘જન અનુશાસન પખવાડિયુ’ આપવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તમામ સરકારી ઓફિસો બંધ રહેશે. બજારમાં માલ સિનેમાઘક બંધ રહેશે. હોમ ડિલીવરી માટે છુટ રહેશે. મજૂરોનું પલાયન ન થાય એ માટે કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ રહેશે. ઈન્ડસ્ટ્રીઝને લોકડાઉનમાંથી છુટ આપવામાં આવી છે.

રાજસ્થાનમાં કેન્દ્ર સરકારની જરુરી સેવાઓ સાથે કાર્યાલય તથા સંસ્થાઓ ખુલી રહેશે. અહીં કર્મચારીઓ ઓળખ પત્રની સાતે પરવાનગી રહેશે. આ ઉપરાંત તમામ સરકારી અને પ્રાઈવેટ ઓફિસો બંધ રહેશે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, એરપોર્ટ્સની સાથે આવન જાવન કરનાા લોકોએ પ્રવાસ ટિકિટ બતાવવા પર જ અવરજવરની પરવાનગી રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલ સાંજે મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ રાજસ્થાનમાં લોકડાઉન લગાવવાની સલાહ આપી હતી. આ બાદ આ નિર્ણય સીએમ પર છોડી દેવામાં આવ્યો હતો.

દિલ્હી સીએમએ કરી લોકડાઉનની જાહેરાત

કોરોનાવાયરસના વધતા જતા જોખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, દિલ્હીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 તારીખે સવારે 6 વાગ્યા સુધીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેઉપરાજયપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં સોમવારે (આજે) રાત્રે 10 વાગ્યાથી 26 એપ્રિલની સવાર સુધી લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન જરૂર વિના બહાર નીકળવાનું પ્રતિબંધિત રહેશે અને વીક એન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો હશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં દરરોજ લગભગ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે, દિલ્હીમાં બેડની ભારે અછત છે. દિલ્હીમાં હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી, ઓક્સિજન નથી. દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા વધુ દર્દીઓ સંભાળી શકે એમ નથી, તેથી લોકડાઉન કરવું ખૂબ જ જરૂરી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે કોરોના સામેની આ લડતમાં જનતાની મદદ જરૂરી છે, અમે દરેક બાબત લોકો સમક્ષ મૂકી છે. દિલ્હીમાં આજે સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, દરરોજ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. દિલ્હી સરકારે કોઈનો પણ મોતનો આંકડો કોઈથી છુપાવ્યો નથી. દિલ્હીમાં કેટલાં બેડ્સ, આઈસીયુ બેડ્સ અને હોસ્પિટલોની હાલત શું છે, અમે જનતાને જણાવી દીધું છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે લોકડાઉનથી કોરોના જતો નથી, ફક્ત એની સ્પીડ પર બ્રેક લાગે છે. આ લોકડાઉન ટૂંકું રહેશે, આ સમય દરમિયાન અમે દિલ્હીમાં બેડની સંખ્યામાં વધારો કરીશું.

દિલ્હીમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?

એક અઠવાડિયાના લોકડાઉન દરમિયાન દિલ્હીમાં કડક પ્રતિબંધો અમલમાં રહેશે. દિલ્હીમાં જરૂર વગર કોઈને પણ ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. ફક્ત મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જ બહાર જઇ શકશે. દિલ્હીની તમામ ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમ દ્વારા જ કામ કરવું પડશે, ફક્ત અડધા કર્મચારીઓ જ સરકારી કચેરીમાં આવી શકશે.

જેઓ હોસ્પિટલ જઇ રહ્યા છે, મેડિકલ સ્ટોર્સમાં જાય છે, જેઓ વેક્સિન લેવા માટે જાય છે તેમને લોકડાઉનમાં મુક્તિ મળશે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન જનારાઓને પણ છૂટ રહેશે. મેટ્રો, બસ સર્વિસ ચાલુ રહેશે, પરંતુ 50 ટકા મુસાફરોને બેસવાની મંજૂરી રહેશે. દિલ્હીમાં બેન્ક અને એટીએમ ખુલ્લાં રહેશે, સાથે પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે. ધાર્મિક સ્થળો પણ ખુલ્લાં રહેશે, પણ કોઈ મુલાકાતીને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.

દિલ્હીમાં તમામ થિયેટર, ઓડિટોરિયમ, સ્પા, જિમ, સ્વિમિંગ પૂલ બંધ રહેશે. ગઈ વખતે થિયેટરને 50% ક્ષમતા સાથે ખોલવામાં આવ્યાં હતાં. જે પહેલેથી જ લગ્ન કાર્યક્રમ નક્કી છે એને છૂટ મળશે, પણ માત્ર 50થી ઓછા લોકોને જ બોલાવી શકાશે. અને આ માટે પણ ઇ-પાસ લેવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.