Abtak Media Google News

મોઘલોના સમયથી બંદી બનેલા કાશી-મથુરાને હવે આઝાદી અપાવવા સંઘે બીડુ ઉપાડ્યું

ભારત વર્ષના દિર્ધકાલીન ઈતિહાસમાં મોઘલોના ભારત પરના આક્રમણ સુધીની પૂર્ણ સાંસ્કૃતિક-ધાર્મિક સ્વતંત્ર્તાનો યુગ પુરો કરીને ભારતમાં ગુલામીની પરિસ્થિતિ ઉભી થયા બાદ 1947માં અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયેલા ભારત વર્ષમાં પુન: સ્થાપિત થયેલી સ્વતંત્ર્તાને પૂર્ણતાનો દરજ્જો આપવા માટે પ્રયત્નશીલ રાષ્ટ્રવાદી વિચારધારા હવે વધુને વધુ બળવતર બની રહી છે. ભારતની આઝાદીને ખરા અર્થમાં મૂર્તિમંત્ર કરવા માટે રાષ્ટ્રવાદી વિચારધારાનો યુગ આવ્યો છે.

મોઘલોના આક્રમણથી લઈને અંગ્રેજોના ગમન સુધીના ગુલામીકાળમાં ભારત વર્ષ પર થયેલા સાંસ્કૃતિક આક્રમણોની અસર સંપૂર્ણપણે દૂર કરવા માટે રાષ્ટ્રવાદી વિચારધારા પ્રસ્થાપિત થઈ છે. ત્યારે લાંબી કવાયત અને સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર પ્રસ્થાપિત કર્યા પછી કૃષ્ણને આઝાદ કરવા સંઘ મેદાનમાં ઉતર્યું છે. મોઘલોના સમયથી બંદી બનેલા કાશી-મથુરાને આઝાદી અપાવવા જનચેતનાના માધ્યમથી આરએસએસનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી વિચારણામાં રહેલા કાશી, વારાણસીના ધર્મ સ્થળોના વિવાદનો મુદ્દો હાથ પર લેવાનું આરએસએસએ નક્કી કર્યું છે. આરએસએસ અને વિશ્ર્વ હિન્દુ પરિષદે કાશિ વિશ્ર્વનાથ મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ નજીકના ઈસ્લામીક પૂજા સ્થળોના વિવાદનો મુદ્દો ઉકેલવા સામાજીક જનચેતના શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સંઘ દ્વારા કાશી વિશ્ર્વનાથ મંદિર ઉપર મસ્જિદ બનાવી લીધી હોવાનું જણાવાય રહ્યું છે. 12 પૈકીના 1 જ્યોર્તિલિંગ કાશી વિશ્ર્વનાથ મંદિર પર મસ્જિદ ઉભી કરી લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને કૃષ્ણ જન્મભૂમિ પર ઈદગાહ પણ ભારતના ગુલામી યુગમાં ધર્મસ્થળોને બદલી નાખવાની એક પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે. ગુલામી યુગમાં ભારતીય ધર્મ સંસ્કૃતિને મીટાવી દઈને ઈબાદત ગાહો બનાવી દેવાનું મોટાપાયે કામ થયું હતું.

સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજીમાં વારાણસી, મથુરાના ધર્મ સ્થળો અંગે ન્યાય માંગવામાં આવ્યો છે. સંઘના સુત્રોએ જણાવ્યું છે કે, હવે આ મુદ્દે સામાજિક જન ચેતના માટે જાહેરચર્ચા કરવાનો ઉચિત સમય આવી ગયો છે. હવે એ જોવાનું રહ્યું કે, ભાજપ સાથે જોડાયેલા અરજદાર અશ્ર્વની ઉપાધ્યાયની આ અરજી અંગે સુપ્રીમ કોર્ટની નોટિસ અન્વયે કેન્દ્ર સરકાર કેવા પ્રતિભાવો આપે છે. કાશી-મથુરાના મુદ્દે જાહેરહિતની અરજી કરનાર ધારાશાસ્ત્રી ઉપાધ્યાય જે અગાઉ આપ સાથે જોડાયેલા હતા. તેમણે અગાઉ સમાન સિવિલ કોડ અને પર્સનલ લોને લગતા મુદ્દે અરજી કરી હતી. આરએસએસના મુખ્ય મોહન ભાગવતે તાજેતરમાં આગ્રા ખાતે મથુરા અને કાશીના મંદિરો અંગે ચેતના અને આ ધર્મ સ્થળોને મુક્ત કરાવવા અભિયાન શરૂ કરાનાર હોવાનું જણાવ્યું હતું. સંઘ હવે હિન્દુ દેવસ્થાનો પરના દાવાઓ અને પ્રજા સમક્ષ લઈ જવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ મુદ્દા જનચેતના અને લોકોની વચ્ચે લઈ જવાશે અને માધ્યમોને પણ આ મુદ્દાને ઉજાગર કરવા માટે પોતાની ભૂમિકા ભજવવાની રહેશે.

સંઘના સભ્યોએ જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે, ભૂતકાળમાં ધર્મસ્થળોના આકાર અને તેની પરિસ્થિતિ બદલાવવાની સ્થિતિ અંગે હવે એક અભિયાન શરૂ કરવામાં આવશે. ભારતમાં બ્રિટીશકાળ દરમિયાન આવા મુદ્દાઓને અભરે ચડાવી દેવામાં આવ્યા હતા. ભારતીય ધર્મ સંસ્કૃતિ અને પરંપરાઓ ઉપરના આક્રમણથી બદલાયેલી પરિસ્થિતિ હવે દુરસ્ત કરવામાં આવશે. સંઘના સભ્યોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ખ્રિસ્તી ધર્મવડા પોપ ઈરાનની મુલાકાતે ગયા હતા અને ચર્ચોને તોડીને બનાવાયેલા ધર્મ સ્થળો પર પુન: ચર્ચનું નિર્માણ કરવા માટે કવાયત હાથ ધરી હતી. આપણા દેશમાં પણ આ જ પ્રકારના ધાર્મિક આક્રમણો મોઘલો યુગના અને અન્ય મુસ્લિમ રાજવીઓના યુગમાં હિન્દુ ધર્મ સ્થળોને ઈબાદત ગાહોમાં બદલાવી નાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કાશી અને મથુરાના મંદિરો પર ઉભી કરવામાં આવેલી ઈબાદતગાહોનો પ્રશ્ર્ન જનચેતના ઉભી કરવા આરએસએસ મેદાનમાં આવી રહી છે. અયોધ્યામાં રામને પ્રસ્થાપિત કર્યા બાદ હવે કાશી-મથુરામાં ભગવાન કૃષ્ણને આઝાદ કરવા સંઘે કવાયત હાથ ધરી છે. મોગલોથી શરૂ થયેલી ગુલામીનો યુગ 1947માં પુરો થયો છે. ભારત વર્ષના આઝાદીના મુલ્યને પ્રસ્થાપિત કરવા માટે વિચારધારાને લાંબી કવાયતના અંતે હવે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ બાદ આગામી દિવસોમાં કાશી અને મથુરામાં હિન્દુ ધર્માલયોને આઝાદ કરવા માટે આરએસએસ દ્વારા જનઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.