ગુજરાત: તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી તંગ પરિસ્થિતિ અને યુદ્ધ જેવી સ્થિતિના પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે મહત્વના પગલાં લીધા હતા. જે અંતર્ગત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી. જોકે, હવે બંને દેશો દ્વારા સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવતા સ્થિતિ સામાન્ય બની છે, ત્યારે રાજ્ય સરકારે કર્મચારીઓની રજાઓ પુનઃ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, તંગદિલીના માહોલમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધતા રાજ્ય સરકારે બોર્ડ-નિગમથી લઈ કોર્પોરેશન અને પંચાયત સહિત રાજ્ય સરકારના કુલ ૪.૭૮ લાખ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ કરી હતી, જેથી જરૂર પડે ત્યારે તેમને તાત્કાલિક ફરજ પર બોલાવી શકાય. ૧૦ મેના રોજ સીઝ ફાયર જાહેર થયા બાદ જનજીવન સામાન્ય થતાં, સરકારે હવે કર્મચારીઓને રજાઓ મંજૂર કરવાની છૂટ આપી છે. જોકે, આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે તૈયાર રહેવું પડશે અને રજા દરમિયાન પણ ફોન-ઈમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે.
રજાઓ મંજૂર કરવા ઉપરાંત, રાજ્યમાં સામાન્ય સ્થિતિ સ્થાપિત થવાના અન્ય સંકેતો પણ જોવા મળ્યા છે. ૧૨ મેના રોજ સુરક્ષા કારણોસર બંધ કરાયેલા ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર (રાજકોટ) અને પોરબંદર સહિતના ૮ એરપોર્ટ પણ પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા. તેમજ રાત્રિના ૭ વાગ્યા બાદ ભક્તો માટે બંધ રાખવામાં આવતું જગત મંદિર દ્વારકા પણ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરાયો. તેમાં જણાવાયું કે, અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક હાજર થવું પડશે જો કે આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ-અધિકારીઓએ ફોન-ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે.
આ પરિપત્રથી સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સર્વે વિભાગ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓ (ખાતાના વડા, બોર્ડ/નિગમ, પંચાયત, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા, અનુદાનિત સંસ્થાઓ વિગેરે)ના અધિકારી/કર્મચારીઓની બધા પ્રકારની રજાઓ (અનિવાર્ય સંજોગો સિવાયની) તાત્કાલિક અસરથી રદ કરવા તથા રજા ઉપર ગયેલ અધિકારી/કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર કરવા અને અધિકારી/કર્મચારીને વિભાગના વડા/ખાતાના વડા/કચેરીના વડાની પૂર્વ મંજુરી સિવાય મુખ્યમથક ન છોડવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. ઉક્ત સૂચનાઓના અનુસંધાને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં સક્ષમ સત્તાધિકારી સ્વવિવેકાનુસાર રજાઓ મંજૂર કરી શકશે. પરંતુ અનિવાર્ય સંજોગોમાં સક્ષમ સત્તાધિકારી રજાઓ રદ કરી શકશે. અને તે અન્વયે સંબંધિત કર્મચારી/અધિકારીએ તાત્કાલિક ફરજ પર હાજર થવાનું રહેશે. તેમજ રજાઓ દરમિયાન કર્મચારી/અધિકારીએ ફોન/ઈ.મેઈલ પર સતત ઉપલબ્ધ રહેવાનું રહેશે.