- પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ મેચનું મુખ ડ્રો તરફ લઇ ગયો
- ભારત 500થી વધુ રનનો જુમલો ખડકવા તરફ: હવે ભારતીય બોલરો પર નજર રહેશે: યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડમાં પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બન્યો: ભારતીય ઓપનરોએ 39 વર્ષ પછી લીડ્સના હેડિંગ્લી સ્ટેડિયમમાં 50થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ છે. આ મેચમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા છે. વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ભારતને વીરૂ–તેંડુલકર જેવી યશશ્વી–ગીલની જોડી મળી ગઈ છે. કેમકે પહેલા બેટર યશસ્વી જયસ્વાલે પોતાના ટેસ્ટ કરિયરની પાંચમી સદી ફટકારી. પછી કેપ્ટન શુભમન ગિલે પણ સદી ફટકારી છે. શુભમન ગિલે 14 ફોર અને એક સિક્સરની મદદથી 140 બોલ પર સદી પૂર્ણ કરી. શુભમનના ટેસ્ટ કરિયરની આ છઠ્ઠી સદી છે. જો કે ભારતીય ટીમે કુલદીપ યાદવને પ્લેઈંગ 11માં સ્થાન ન આપી ભૂલ કરી છે કેમ કે ટિમ ઇન્ડિયા પાસે પણ ઇંગ્લેન્ડ જેવી જ બોલિંગ છે. પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ મેચનું મુખ ડ્રો તરફ લઇ ગયો છે. પીચ જોતા તો લાગી રહ્યું છે કે, ઇંગ્લેન્ડ પણ રન બનાવશે. હવે જોવું એ રહેશે કે ભારતીય બોલરો કેવું પ્રદશન કરે છે.પ્રથમ દિવસના અંતે શુભમન ગિલ 127 અને ઋષભ પંત 65 રન પર નોટઆઉટ છે. અત્યાર સુધીમાં બંને વચ્ચે ચોથી વિકેટ માટે 198 બોલમાં 138 રનની ભાગીદારી થઈ છે. ટોસ હારીને પહેલા બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 91 રન ઉમેર્યા હતા. કેએલ રાહુલના આઉટ થવાને કારણે આ ભાગીદારીનો અંત આવ્યો હતો. રાહુલ બ્રાઇડન કાર્સના હાથે ફર્સ્ટ સ્લિપમાં જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. રાહુલે 78 બોલમાં 42 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે. સાઈ સુદર્શને નિરાશ કર્યા હતા અને તે લંચ પહેલા ખાતું ખોલ્યા વિના જ આઉટ થયો હતો. લંચ પછી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ઇનિંગને આગળ વધારી હતી. બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી દરમિયાન યશસ્વીએ 96 બોલમાં 8 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. શુભમન ગિલે 56 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. શુભમન ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની પહેલી ઇનિંગમાં 50 કે તેથી વધુ રન બનાવનાર નવમો ભારતીય છે.યશસ્વી જયસ્વાલે 144 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. યશસ્વીની ટેસ્ટ કારકિર્દીની આ 5મી સદી હતી. જોકે, યશસ્વી સદી પછી વધુ સમય ક્રીઝ પર ટકી શક્યો નહીં અને બેન સ્ટોક્સના બોલ પર બોલ્ડ થયો હતો. યશસ્વીએ 159 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 101 રન કર્યા હતા. યશસ્વી અને શુભમન ગિલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 129 રનની ભાગીદારી થઈ હતી.યશસ્વી જયસ્વાલના આઉટ થયા પછી શુભમન ગિલે ઋષભ પંત સાથે મળીને ઇનિંગને આગળ ધપાવી હતી. બંનેએ ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ભારતને સારી સ્થિતિમાં પહોંચાડ્યું છે. શુભમને 140 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઋષભ પંતે 91 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી, જેમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલે આ સદીની સાથે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધી છે. આ લીડ્સ મેદાન પર સદી લગાવનારા ભારતના પહેલા ઓપનર બની ગયા છે. આ અગાઉ કોઈપણ ભારતીય ઓપનર આ કારનામું નથી કરી શક્યો. યશસ્વીના ટેસ્ટ કરિયરની આ માત્ર 20મી મેચ જ છે અને તેઓ અત્યાર સુધી 5 સદી ફટકારી ચૂક્યા છે. જેમાં 3 સદી તેમણે ભારતની બહાર લગાવી છે.
ગીલે કોહલી–ગવાસ્કરની બરાબરી કરી
ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો આ પહેલો મુકાબલો છે. તેવામાં તેમની આ સદી યાદગાર રહેશે. શુભમન પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની નિવૃત્તને લઈને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. શુભમને સદી ફટકારીીને હાલ તેમની કમી પૂર્ણ કરી દીધી છે.