Abtak Media Google News
  • એનઓસી અને લાયસન્સ વિના ધમધમતા ’જીવતા બોમ્બ’ સમાન ગેમઝોન વિરૂધ્ધ ગુનો નોંધાતા સંચાલકો ફરાર

અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી ગઈ છે અને રાજ્યભરમાં એનઓસી વગર ચાલતા ગેમઝોનના માલિકો સામે ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા છે. ત્યારે આ આદેશ અંતર્ગત લાયસન્સ અથવા એનઓસી ન હોય તેવા ગેમઝોનના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે રાજકોટના 8 ગેમઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. જ્યારે હાલ તમામ ગેમઝોનના સંચાલકો રફુચક્કર થઈ ગયા છે.

રાજકોટમાં આઠ ગેમઝોન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ગુના અંગેની જો વાત કરવામાં આવે તો વર્લ્ડ ઓફ વન્ડર ( બોમ્બે સુપરમોલ, કુવાડવા રોડ), પ્લે પોઈન્ટ (ક્રિસ્ટલ મોલ, કાલાવડ રોડ), નોક આઉટ ગેમ ઝોન (સરિતાવિહાર રોડ, કાલાવડ રોડ), કોસ્મોપ્લેક્ષ સિનેમા અંદરનું ગેમ ઝોન (કાલાવડ રોડ), ઈન્ફિનિટી ગેમ ઝોન( કાલાવડ રોડ), ફન બ્લાસ્ટ એનન્ટરટેઈનમેન્ટ એલ.એલ.વી. ગેમ ઝોન (ગીર ગામઠી રેસ્ટોરેન્ટ સામે, કટારીયા ચોકડી), વુપી વલ્ડ ગેમ ઝોન (પરસાણા ચોક, 150 ફૂટ રીંગ રોડ), કિષ્ના વોટરપાર્ક (કુવાડવા-અમદાવાદ હાઇવે) આ તમામ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ગુનો દાખલ થતાં સંચાલકો ફરાર થઇ ગયાં છે.

રાજકોટ ગેમઝોનમાં બનેલી દુર્ઘટના બાદ રાજ્યભરમાં લાયસન્સ વગર ચાલતા ગેમઝોન સામે કાર્યવાહી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જેમાં ગેમઝોનના માલિકો પાસે એનઓસી સર્ટિફિકેટ ન હોય તો સીધી ફરિયાદ દાખલ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે. ત્યારે આ આદેશ અંતર્ગત અમદાવાદના પણ ચાર ગેમઝોનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ગોતામાં બે ગેમઝોન, આનંદનગરમાં એક અને નિકોલમાં એક મળને કુલ ચાર ગેમઝોનના માલિકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગોતા વિસ્તારમાં આવેલા ફનગ્રીટો અને જોય એન્ડ જોય ગેમઝોન, આનંદનગરમાં આવેલા ગેમિંગ ઝોન અને નિકોલમાં આવેલા ફન કેમ્પલ ગેમઝોનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ગેમઝોનમાં ફાયર એનઓસી અને સ્ટ્રક્ચરમાં ભૂલ હોવાથી એએમસીએ સીલ કર્યું હતું. પોલીસ પરવાનો નહીં હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે.

આઈપીસીની કલમ 336 અને જીપી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યભરમાં ફાયર સેફ્ટી અને સ્ટ્રક્ચર વગરના તમામ ગેમઝોન સામે રાજ્ય સરકારે ગુનો નોંધવાનો આદેશ કર્યો છે. આઈપીસીની કલમ 336 હેઠળ ત્રણ માસ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.