ભારતની મજબૂત બેટિંગ લાઇન સામે ન્યૂઝીલેન્ડ ૫ પેસ બોલર સાથે મેદાનમાં ઉતરશે !

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પટન ખાતે ૧૮મી તારીખથી શરૂ થનારી છે ત્યારે ભારતીય ટીમે ૧૫ ખેલાડીઓની સ્કોવડ જાહેર કરી દીધી છે. ૧૫ ખેલાડીઓમાં સમાવેશ કરવામાં આવેલા તમામ બેટ્સમેનોને તક મળશે તે ચોક્કસ બાબત છે. ભારતે ફક્ત બોલરો બાબતે જ નિર્ણય લેવાનું બાકી રાખ્યું છે. ઇંગ્લેન્ડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જો વરસાદ પડે તો વધુ સ્પિનરને તક આપવી અન્યથા પેસ બોલરોને યથાવત રાખવા માટેનો નિર્ણય ટીમ ઇન્ડિયા કરશે. હાલ ટીમમાં પેસ બોલરમાં ઇશાંત શર્મા કે મોહમદ શામીનો સમાવેશ કરવો તે ટોસ સમયે જ નક્કી કરવામાં આવશે પરંતુ તે સિવાયની તમામ બાબતો નક્કી કરી લેવામાં આવી છે. ભારતીય ટીમ વરસાદ પડે તો ૩ પેસ બોલર અને ૨ સ્પિન બોલર અન્યથા ૪ ફાસ્ટ અને ૧ સ્પિન બોલર સાથે મેદાનમાં ઉતરશે.

ભારત ૪-૧થી કે ૩-૨ બોલરોથી મેદાનમાં ઉતરશે?

વરસાદ અને વાદળીયું વાતાવરણ ન્યુઝીલેન્ડના બોલરો સામે ભારતના બેટ્સમેનોની કસોટી કરાવશે!!

જ્યારે ન્યુઝીલેન્ડ ૫ જેટલા પેસ બોલરો સાથે મેદાનમાં ઉતરશે. ન્યુઝીલેન્ડ ટીમ સિલેક્શનમાં મુંજવણમાં મુકાઈ ગઈ છે. કોને તક આપવી અને કોને બહાર બેસાડવા ? તે બાબત ન્યુઝીલેન્ડને સતાવી રહી છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં ખેલેલો દાવ કિવિઝ પર ઊંધો પડ્યો છે. જે ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામે તક આપીને ભારત સામેના મેચમાં બાઉન્ડ્રી બહાર બેસાડવા દાવ રમ્યો હતો તે ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ટીમ ન્યુઝીલેન્ડ મૂંઝવણ અનુભવી રહી છે.

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સાઉથમ્પટનમાં ૧૮ થી ૨૨ જૂન વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાએ ૧૫ ખેલાડીઓની યાદી જાહેર કરી છે. લિસ્ટના આધારે તે વાત નક્કી છે કે ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ જ ઈનિંગની શરૂઆત કરશે. બોલિંગ કોમ્બિનેશન પર હજુ સસ્પેન્સ યથાવત છે. જો કે શાર્દૂલ ઠાકુરને બહાર થવાથી ચાર ફાસ્ટ બોલરને પ્લેઈંગ-૧૧માં સામેલ કરવાની આશા ઘટી ગઈ છે.

ભારતે આ મેચ માટે બેટિંગ કોર તે જ રાખી છે, જે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સ્થાનિક ટેસ્ટ સીરીઝમાં હતી. એટલે કે રોહિત અને શુભમન પછી ત્રણ નંબર પર ચેતેશ્વર પુજારા, નંબર ચાર પર કેપ્ટન વિરાટ કોહલી અને નંબર પાંચ પર અજિંક્ય રહાણે ઉતરશે તે લગભગ નક્કી માનવામાં આવે છે. ટીમમાં હનુમા વિહારીને પણ સામેલ કરવામાં આવ્યો છે. જો ભારતીય ટીમ ૬ વિશેષજ્ઞ બેટ્સમેન (વિકેટકીપરને છોડીને) ઉતરે છે તો વિહારીને પ્લેઈંગ-૧૧ માં તક મળી શકે છે. આવી સ્થિતિમાં પંત નંબર-૭ પર આવશે. જો વિહારી સામેલ નહીં થાય તો પંત નંબર -૬ પર બેટિંગ કરવા ઉતરશે.

ભારતના ૧૫ ખેલાડીઓની યાદીથી તે પણ જાહેર થઈ ગયું છે કે ટીમ મેનેજમેન્ટ બે સ્પિનર્સને રમાડી શકે છે. જો ચાર ફાસ્ટ બોલર રમે છે તો રવિચંદ્રન અશ્વિન કે રવીન્દ્ર જાડેજામાંથી કોઈ એકને બહાર બેસાડવા પડશે. એવામાં શાર્દૂલ ઠાકુરને પણ સામેલ કરવામાં આવી શકે છે કારણ કે તે સારી બેટિંગ પણ કરી જાણે છે. હવે જો કે શાર્દૂલ જ ટીમમાં નથી તો ઈશાંત, શમી, બુમરાહ અને સિરાજને રમાડવાથી ભારતીય બેટિંગલાઈન નબળી પડી શકે છે.

ભારતે ઈશાંત, બુમરાહ, શમી અને સિરાજની સાથે-સાથે ઉમેશ યાદવને પણ સામેલ કર્યો છે. જો કે હાલના ફોર્મ અને તકની દ્રષ્ટીએ ઉમેશને રમાડવામાં આવશે કે નહીં તેની શક્યતા ઘણી જ ઓછી છે. બુમરાહ અને શમીની પ્લેઈંગ-૧૧ માં જગ્યા નિશ્ચિત માનવામાં આવે છે. એવામાં પેંચ ત્યાં અટકે છે કે ઈશાંત અને સિરાજમાંથી કોને પ્લેઈંગ-૧૧ માં સમાવવામાં આવે. આ સવાલનો જવાબ મેચના દિવસે જ મળી શકે છે.