ખેતી એ મિલકત છે, આવક નથી: આર્થિક પછાતમાં જમીનના હિસ્સાને ગણી ન શકાય

આઠ લાખ કે તેથી ઓછી આવક વાળાને ઈડબ્લ્યુએસ અનામતનો લાભ મળશે,

નિટ-પીજીના એડમિશનને લઈને આવક મર્યાદામાં ફેરફાર કરવાનું મોકૂફ રખાયું

 

અબતક, નવી દિલ્હી

આર્થિક પછાતની આંટીઘૂંટી દૂર કરવા સુપ્રીમ કોર્ટ કમર કસી રહી છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખેતીની જમીનએ એક મિલકત છે. આવક નથી. માટે આર્થિક પછાતમાં જમીનના હિસ્સાને ગણી ન શકાય.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આર્થીક રીતે નબળા વર્ગ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શનની અનામતનો લાભ લેવા માટે હાલ પુરતા વાર્ષીક લઘુતમ આવક આઠ લાખ કે તેથી ઓછી નક્કી કરવામાં આવી હતી તે જ રહેશે. મેડિકલ કોર્સમાં એડમિશન માટે આટલ આવક વાળા પરિવારને અનામતનો લાભ મળશે. અગાઉ આ રકમ નક્કી કરાઇ હતી તેમાં હાલ કોઇ ફેરફાર નથી કરાયા તેમ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે નીટ પીજી કોર્સના એડમિશન માટે વર્તમાન સત્ર પુરતા ઇડબલ્યુએસ અનામત માટે પરિવારની લઘુતમ આવક આઠ લાખ કે તેથી ઓછી નક્કી કરાઇ છે. સાથે જ કેન્દ્ર સરકારે એડમિશન માટે કાઉંસિલિંગ કરાવવાની અનુમતી પણ માગી હતી.

હાલ ઇડબલ્યુએસના નિયમોમાં જો કોઇ ફેરફાર કરવામાં આવે તો તેની અસર વિદ્યાર્થીઓ પર થઇ શકે છે તેમ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. સાથે સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આગામી વર્ષથી ઇડબલ્યુએસના માપદંડોમાં બદલાવ કરવામાં આવી શકે છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં છ જાન્યુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે.કેન્દ્ર સરકારે એક્સપર્ટ કમીટીની રિપોર્ટને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આ વર્ષે તે આઠ લાખ રૂપિયા કે તેથી ઓછી રકમ વાળાને લાભાર્થીઓને નીટ-પીજી કોર્સમાં એડમિશન આપવા માગે છે.

કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભલે ઘઇઈ અને આર્થિક રીતે પછાત બંને માટે 8 લાખ રૂપિયાની મર્યાદામાં સમાનતા હોય, પરંતુ સત્ય સંપૂર્ણપણે અલગ છે.  ઓબીસીનું ક્રીમી લેયર માત્ર ઉમેદવારની આવકના આધારે નક્કી કરવામાં આવે છે, જ્યારે આર્થિક રીતે પછાત લોકોની આવક મર્યાદામાં ઉમેદવાર તેમજ તેના કુટુંબ અને કૃષિ આવકનો સમાવેશ થાય છે.  સમિતિએ કહ્યું કે આર્થિક રીતે પછાત વર્ગના આરક્ષણનો લાભ એવા પરિવારોને જ મળી શકે છે જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા સુધી છે.  તેમણે કહ્યું કે 17 જાન્યુઆરી, 2019ના રોજ જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમમાં નોંધાયેલી આર્થિક રીતે પછાત ઉચ્ચ જાતિના પરિવારની વ્યાખ્યા લાગુ રાખવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે પછાત ઉમેદવારોની આવક મર્યાદામાં રહેણાંક મિલકતો ઉમેરવા સામે પણ સખત વાંધો વ્યક્ત કર્યો છે.  સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોના આધારે રહેણાંક મિલકતની કિંમતમાં ઘણો તફાવત છે.  આવી સ્થિતિમાં જો આ મિલકતને પણ આવકના દાયરામાં લાવવામાં આવે તો ગરીબ સવર્ણોએ અનામતનો લાભ લેવા માટે લોઢાના ચણા ચાવવા પડશે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિવિધ ભૌગોલિક વિસ્તારો – ગ્રામીણ, શહેરી, મેટ્રો અથવા રાજ્યો – માટે અલગ અલગ આવક મર્યાદા રાખવાથી ગૂંચવણો ઊભી થશે, ખાસ કરીને જો લોકો નોકરી, શિક્ષણ, વ્યવસાય વગેરે માટે દેશના જુદા જુદા ભાગમાં સ્થળાંતર કરે છે. વિવિધ ક્ષેત્રો માટે જુદી જુદી આવક મર્યાદા સરકારી અધિકારીઓ અને અરજદારો બંને માટે દુ:સ્વપ્ન બની રહેશે.

આગામી વર્ષથી ઇડબલ્યુએસના માપદંડોમાં બદલાવ કરવામાં આવી શકે છે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં છ જાન્યુઆરીએ વધુ સુનાવણી