- કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને ચોટીલા પાસે નડ્યો અકસ્માત
- કાર ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયા બાદ રાઘવજી પટેલનો કરાયો હેમખેમ બચાવ
- ગાંધીનગરથી જામનગર જતા રાત્રે નડ્યો અકસ્માત
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને ચોટીલા નજીક અકસ્માત નડ્યાના અહેવાલ સામે આવ્યા છે. કૃષિમંત્રીની કારની ટ્રક સાથે ટક્કર થઇ હતી પરંતુ સદનસીબે રાઘવજી પટેલનો આબાદ બચાવ થયો હતો અને કારમાં સામાન્ય નુકસાની સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ગુજરાત સરકારના મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે, સદનસીબે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો આબાદ બચાવ થયો હતો. અને આ દુર્ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો.
આ અકસ્માતની ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી ધ્રોલ જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની ઓનેષ્ટ હોટેલ નજીક તેમની કાર રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટ્રક સાથે સામાન્ય ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું. જોકે, રાઘવજી પટેલનો ચમત્કારીક બચાવ થયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ ચોટીલા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાનો હળવદ પાસે જયારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. ત્યારે ચોટીલા નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો આબાદ બચાવ થયો છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, અકસ્માતમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો છે. જો કે, અન્ય કોઈ જાનહાનિ થઈ હોવાના પણ અહેવાલ મળ્યાં નથી. સામાન્ય ટક્કર હોવાથી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પોતાની કાર સાથે આગળ ધ્રોલ તરફ જવા રાત્રે જ રવાના થઈ ગયા હતાં.