Abtak Media Google News

હું દરેકના વ્યાજબી કામો માટે સદાય તત્પર રહીશ: કૃષિ મંત્રી

સાંસદ પુનમબેન માડમ, બી.એચ. ઘોડાસરા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

ધ્રોલ શહેરમાં  કૃષિ મંત્રી રાઘવજી પટેલનું ભાજપ સહિતની સંસ્થાઓ, જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતો અને પાલિકાના સભ્યો, પદાધિકારીઓ દ્વારા અદકેરું સન્માન કરાયું હતું.

વિશાળ જનમેદનીને સંબોધતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે તેમના જીવનની રાજકીય કારકિર્દી હારથી જ શરૂ થઇ છે. હાર, જીત તેમના જીવનમાં વણાઈ ગઈ છે. લોકો વચ્ચે રહીને લોકોના કામ કરવા ખુશી થાય છે. હાર-જીતનો કોઈ આનંદ-દુ:ખ નથી. લોકો તેમનામાં વિશ્વાશ મૂકે તે મહત્વની વાત છે.

તેમણે વધુમાં કહ્યું કે, 18 આલમના લોકોને સાચા અને વાજબી કામ માટે તેઓ સદાય તત્પર રહેશે. ધ્રોલના લોકોનું હિત હંમેશા જોવાની મને કુદરત શક્તિ આપે તેવી પ્રભુને તેમણે પ્રાર્થના કરી હતી. રાઘવજી પટેલે કહ્યું કે દિલ્હી ગયો હોય તો પણ પાછો ધ્રોલ ક્યારે પહોચીસ ? તે વાતની ચિંતા થતી હોય છે. કારણકે કે ધ્રોલ શહેર પર  અનહદ પ્રેમ છે.

પોતાની જીત બાબતે તેમણે કહ્યું કે જીવનમાં બે નગ્ન સત્ય હમેંશા યાદ રાખીશ. વહી હોતા હૈ જો  મંજુરે ખુદા હોતા હૈ અને ખુદા કે ઘર દેર હૈ મગર અંધેર નહિ. તેમણે રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે બળવા, લડાઈ બહુ કરી, હાર પછી જીત અને જીત પછી હારની સ્થિતિ પામવા સંઘર્ષ કર્યો પણ ડગ્યો નહિ. હવે બહુ મોટો કુદરતી ચમત્કાર થયો છે. ભગવાને સામેથી દીધું ને પ્રધાન થઇ ગયો.

પોતાના સન્માન સમયે વક્તવ્ય પૂરું કરતા ભગવાનને બે પ્રાર્થના કરી હતી કે, કૃષિપધાન બન્યો એટલે પ્રભુ તેમને કાયમ અબોલ પશુની સેવામાં બુદ્ધિ, બળ અને શક્તિ સાથે રત રાખે અને પ્રધાન થયાની “હવા” તેમના જીવનમાં કદી ન આવે.

પોતાના રાજકારણની શરુઆત અંગે  કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતાની રાજકારણ ક્ષેત્રે પ્રગતિ અને કામગીરી બાબતે ફોડ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ધ્રોલમાં ચેમ્પિયન, નિર્દોષ, જગદીશ અને પંકજ હોટેલ તે તેમના ચાર બેઠક સ્થાનો રાજકીય કારકિર્દીમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં જ બેઠા બેઠા રાજકારણ લડાયું, લોકોના પ્રશ્નો ચર્ચાયા અને મદદ કરાઈ. હજુ પણ આ ઓટલા બેઠક ભુલ્યો નથી અને ભૂલીશ નહિ.

કૃષિમંત્રીએ પોતાની નિર્દોષ, બિનસ્વાર્થી સેવાને યાદ કરતા કહ્યું કે, અગાઉ તેમની પાસે અરજદાર આવતા તો જે તે વિભાગને સરકારી તંત્રને સંબોધીને અરજદારને અરજી લખી આપતા અને સંબંધિતોને ફોન પણ કરી દેતા કે ” જો જો બાપલા, ફરિયાદ હલ કરાવજો”

ધ્રોલમાં સન્માન સમયે રાઘવજી પટેલે પોતાની રાજકીય કારકિર્દી અને હારજીતના લેખાજોખા વ્યક્ત કર્યા હતા.તેમણે કહ્યું કે 1977માં ઈંટાળા ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે રાજકીય કારકિર્દી શરુ કરીને રાજકીય આગેવાન થયા. 1980માં ઈંટાળા  અને લતીપર તાલુકા પંચાયતની બે સીટો માટે લડ્યા અને હાર્યા. 1981માં લતીપર જિલ્લા પંચાયતની બેઠક પર બિનહરીફ જીત્યા. 1998માં ધારાસભા હાર્યા, 1999 માં ધારાસભા જીત્યા, 2002માં ધારાસભાની ચૂંટણી હાર્યા, 2007માં ફરી ધારાસભ્ય તરીકે જીત્યા. એટલે રાઘવજી પટેલે કહ્યું કે ભાઈ, હાર-જીત જનતા નક્કી કરે છે. તે ધારે તેને જીતાડે અને હરાવે

આટલા વર્ષોનો રાજકારણમાં તેઓ જ્યાં બેસ્ટ ત્યાં 8- 10 સમર્થકો પણ સાથે હોય. અરજદારોની આવન – જાવન ચાલુ હોય, ચેમ્પિયન, નિર્દોષ, જગદીશ કે પંકજ હોટેલે બેઠા હોય, લોકોને મદદ કરતા હોય ત્યારે ચા-પાણીની રમઝટ ચાલતી હોય, એ બધાનો હું ઋણી છું કે ભાઈ કોઈએ મારા ચાના પૈસા લીધા નથી. આતકે સાંસદ પૂનમબેન માડમ, બી.એસ ધોડસરા, ધરમશીભાઈ ચનીયારા જીલ્લા પંચાયત પ્રમુખ, રમેશભાઈ મુંગરા, સહિત ધ્રોલ શહેર ભાજપ,  ધ્રોલ નગર પાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર, ધ્રોલ  તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ ટીમ ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ની ટીમ, તેમજ તમામ સમાજ ના આગેવાન મોટી સંખ્યામા કાર્યકરો હાજર રહ્યા હતા..

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ધ્રોલ નગર પાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમા (બાબભા), રસીકભાઈ ભંડેરી, દિલીપસિંહ જાડેજા, તેમજ ધ્રોલ શહેર ભાજપ ટીમ દ્રારા મહામહેનત ઉઠાવી હતી …

હાર-જીત ના લેખા જોખા વર્ણવતા રાધવજી પટેલ

પોતાના સન્માન સમારોહમાં હાર-જીત અંગેની ગાથા વર્ણવતા કૃષિ મંત્રી  રાધવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે 1977માં ધ્રોલ પંથકના ઇંટાળા ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે રાજકીય કારકીર્દીની શરુઆત 1980માં લતીપર અને ઇંટાળા તાલુકા પંચાયતની બે સીટી પર ચૂંટણી લડયો અને હાર્યો જયારે 1981 માં લતીપર જિલ્લા પંચાયતની બેઠક પર બિન હરિફ જીત, 1998 માં ધારાસભાની ચુંટણી હાર્યા જયારે 1999માં જીત્યા, 2002 માં ધારાસભા ચુંટણીમાં હાર ફરી 2007 માં જીત આમ હાર-જીત મારા જીવનમાં વણાઇ ગઇ છે. તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

રાધવજીના રાજકારણમાં ‘હોટલા બેઠક’નું મહત્વ

જામનગર જિલ્લાના પનોતા પુત્ર અને કૃષિ મંત્રીએ પોતાના સન્માન સમારોહમાં જુની વાતોને વાગોળતા જણાવ્યું હતું કે મારા રાજકારણની શરુમાં અને તે પહેલા પણ મારી ઓટલા બેઠક નહી પણ ‘હોટલા બેઠક’ હતી જેમાં ચેમ્પિયન, નિર્દોષ, જગદીશ અને પંકજ હોટલ કે જયાં બેસી લોકોના કામ કરતા કરતાં રાજકારણમાં પ્રવેશ થયો દરમિયાન મારા મિત્રો સમર્થકો કે અરજદારો આવે ત્યારે આ ચારેય હોટલના સંચાલકોએ ચાના પૈસા પણ કયારેય લીધા ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.