એગ્રીટેક સ્ટાર્ટઅપ: જમીની નહીં પણ માત્ર હવા અને પાણીથી કૃષિ વિકસાવાશે

આકાશી ખેતીની ક્ષીતિજોને આંબવા યુવાધન સજજ

કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી મોટા આશિર્વાદ સમાન; પશ્ર્ચિમી દેશોની જેમ ભારતમાં પણ હાઈડ્રોપોનિક અને એરોપોનિક પધ્ધતિથી ખેતી ક્ષેત્ર ધમધમશે

એગ્રીટેક સ્ટાર્ટઅપથી ભારતમાં ફરી 1964-65 જેવી હરિયાળી ક્રાંતિ સર્જાય તો નવાઈ નહીં…!!

આજના સમયે દરેક ક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ થતા નવી નવી શોધ અને સંવર્ધનની પ્રવૃત્તિ વેગવંતી બની છે એમાં પણ ભારતને આત્મનિર્ભર બનાવવાના મોદી સરકારના અભિયાનથી સ્ટાર્ટઅપ ઈન્ડિયાને વેગ મળ્યો છે. કૃષિ ક્ષેત્રે પણ સ્ટાર્ટઅપ ઉભા થતા દેશમાં વર્ષ 1964-65 જેવી હરિયાળી ક્રાંતિ ફરી સર્જાય તેવી શકયતા છે. સૌ કોઈ જાણે છે તેમ વર્ષ 1965માં હરિયાળી ક્રાંતિ બાદ દેશમાં ખેત ઉત્પાદનમાં રેકોર્ડબ્રેક વધારો થયો. જ્યાં ખાદ્યાન્ન માટે ફાંફા હતા એ દેશ કૃષિમાં આત્મનિર્ભર બની ગયો. ત્યારે હવે ફરી એક વખત આવી ક્રાંતિ સર્જાય તો નવાઈ નહીં..!!

કારણ કે ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે અવનવા પ્રયોગો હાથ ધરાઈ રહ્યા છે. ભારત હવે માત્ર જમીની નહીં પણ હવા અને પાણીના માધ્યમ થકી ખેત પેદાશ ઉત્પન્ન કરવા સક્ષમ બન્યો છે. અને આ અદભુત સફળતા પાછળ આજે ઉભા થયેલા એગ્રીટેક સ્ટાર્ટઅપ છે. જે આજના યુવાધનને આભારી છે. આકાશી ખેતીની ક્ષિતિજોને આંબવા યુવાધન સજ્જ થયું છે.

એગ્રીટેક સ્ટાર્ટઅપ માટે હાલ સરકાર ઘણા પ્રોત્સાહનો પ્રદાન કરી રહી છે. સ્ટાર્ટઅપ મતલબ નવા ઉભા થતા નાના-મોટા બિઝનેશ કે કોઈ ઉધોગ. અને એગ્રીટેક સ્ટાર્ટઅપ મતલબ કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ માટે ઉભા થતા સ્ટાર્ટઅપ. હાલ દેશમાં સેંકડો એગ્રી સ્ટાર્ટઅપ ઉભા થયા છે. જેના થકી અવનવી પેદાશો ઉગાડવી શક્ય બની છે. જેમ કે, વિદેશમાં થતા ફળ ભારતમાં ઉગાડવા અને એ પણ ઓર્ગેનિક. ભારતમાં વગર રાસાયણિક ખાતરો કે વગર દવાઓના ઉપયોગથી કૃષિ પેદાશો ઉતપન્ન કરાઈ રહી છે.

ત્યારે હવે એગ્રીટેકના ઉપયોગથી માત્ર ઓર્ગેનિક નહીં પણ બીયોન્ડ ઓર્ગેનિક એટલે કે કુદરતી શુદ્ધતાથી પણ વધુ શુદ્ધતા સાથે ખેત પેદાશ ઉગાડાઈ રહી છે. હાલ કૃષિ ક્ષેત્રે હાઈડ્રોપોનિક્સ અને એરોપોનિક્સનો આઈડિયા મહત્વનો બન્યો છે. એટલે કે જમીન અને માટી, ઘૂળ વગર પણ  માત્ર હવા અને પાણીના સહારે કૃષિ પેદાશો ઉગાડવા પર ધ્યાન દેવાઈ રહ્યું છે.

ઓરિસ્સાના તેસીપુરના નિવૃત્ત માસ્ટર મેરીનર હરપ્રસાદ મહાપાત્રાએ કે જે એક ઓર્ગેનિક કૃષિ પેદાશો ઉગાડે છે. તેઓએ વિદેશી શાકભાજી ઉગાડવા માટે માત્ર એક વર્ષ પહેલા પેલિકન એરોપોનિક ફાર્મ શરૂ કર્યા હતા. જેમાં તેઓ વગર જમીન અને માટી વગર એરોપોનીક પદ્ધતિથી એટલે કે મુખ્યત્વે હવાના સ્ત્રોતથી તુલસીનો છોડ, ચેરી, ટામેટાં અને જલાપેનો ઉગાડે છે.

મહાપાત્રાનું ફાર્મ માત્ર 700 ચોરસ મીટરનું છે. પરંતુ તેમાં લગભગ 4,000 જેટલા જુદા જુદા છોડ છે. અને દરરોજ આશરે 100 કિલો શાકભાજી ઉગાડે છે. નાના જમીનધારકોએ આ પદ્ધતિ અપનાવવા જેવી છે. ઓછી જમીન અને સામે મોટાપાયે વાવેતર અને ઉત્પાદન મેળવી શકાય છે. તેઓએ ઓરિસ્સાના દરિયાઈ વિસ્તારમાં એરોપોનિક્સ અજમાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

કૃષિ સાથે સંકળાયેલા પ્રવીણ શર્મા કહે છે જો ઉપલબ્ધ જમીન ફળદ્રુપ ન હોય અથવા ખેતી માટે યોગ્ય ન હોય તો આ બંને પદ્ધતિઓ આદર્શ છે. પૂણે સ્થિત ફ્લોરા ક્ધસલ્ટના ઇજનેર અને સ્થાપક, જેમણે લોનાવાલા, સુરત, ભુવનેશ્વર અને ચેન્નાઇ અને ગલ્ફ દેશો અને આફ્રિકામાં આ તકનીકોનો ઉપયોગ કરીને ખેતરો ઉભા કર્યા છે.

શું છે એરોપોનિક્સ?

એરોપોનિક્સ પદ્ધતિ પણ સરળ છે. આ પદ્ધતિમાં છોડને જમીનમાં વાવવાને બદલે સીધા હવામાં ઉગાડવામાં આવે છે. આ માધ્યમ દ્વારા, છોડ સંપૂર્ણપણે બંધ વાતાવરણની સહાયથી હવામાં ઉગે છે. પોષક તત્વો મૂળ દ્વારા પૂરા પાડવામાં આવે છે.

પોષક દ્રાવણ સાથે તેમાં છંટકાવ કરવામાં આવે છે. જે માટે પ્રેશર પમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આ પોષક દ્રાવણ એક પ્રકારનો ખૂબ જ સરસ ઝાકળ બની જાય છે અને પાક જ્યાં સ્થિત છે તે આખી જગ્યાને ભરી દે છે. આમાં જમીની ખેતીની સરખામણીએ ખૂબ ઓછા પાણીનો ઉપયોગ થાય છે.

હાઈડ્રોપોનિક્સ શું છે?

હાઈડ્રોપોનિક્સ એ હાઈડ્રોકલ્ચરની એક પેટા પધ્ધતિ છે. હાઈડ્રોપોનિક્સ એટલે પાણીમાં ઉગાડવામાં આવતાં છોડ. ’હાઈડ્રોપોનિક્સ’ શબ્દ એ ગ્રીક શબ્દોમાંથી ઉતરી આવ્યો છે: ’હાઈડ્રો’ – જેનો અર્થ પાણી, અને ’પોનિક્સ’ – અર્થ મજૂરી. એક એવી ખેતી પધ્ધતિ કે જ્યાં છોડને કુદરતી માટી સિવાયનાં માધ્યમમાં ઉગાડવામાં આવે છે. જેમા છોડને જરૂરી પોષક તત્વો સિંચાઈના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે સંતુલિત માત્રામાં નિયમિત રીતે પૂરા પાડવામાં આવે છે.

ખરેખર છોડનો વિકાસ તેને મળતાં પોષકતત્વોને લીધે જ થાય છે. માટી તો ફક્ત માધ્યમનું કામ કરે છે. માટી પોતે તો તેને ફક્ત મૂળ ફેલાવવા અને ટેકો આપવામાં મદદરૂપ બને છે. છોડ મૂળ દ્રારા માટીમાં ભળેલા ખનિજ તત્વોને બદલે પાણીમાં ઓગળેલા તત્વોને ગ્રહણ કરે છે.

આમ, માટીના વિકલ્પરૂપે હાઈડ્રોપોનિક્સને લઈ શકાય છે. આ પધ્ધતિમાં પાણી અને પોષકતત્વોના પુરવઠાને અંકુશમાં રાખીને ઓછી જગ્યા અને ઓછા સમયમાં પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરવામાં આવે છે.