અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. બીજા બ્લેક બોક્સની શોધ ચાલુ છે.
પ્લેન ક્રેશની ઘટના બાદ રાજ્યના નેતાઓ અને મંત્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુરુવારે સાંજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે આજે શુક્રવારે સવારે પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે અને સિવિલ તેમજ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
ATS પ્લેન ક્રેશ કેસની તપાસ કરશે
અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કેસની તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (ATS) કરશે. આ કેસમાં ક્રેશ સ્થળ પરથી એક DVR મળી આવ્યું છે, જેને ATS દ્ધારા કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત ATS ટીમ આ કેસમાં સમાંતર તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમે ક્રેશ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કર્યા છે, જેને તપાસ માટે મોકલવામાં આવશે.
છ મૃતદેહો પરિવારને સોંપાયા, DNA મેચની પ્રક્રિયા પૂર્ણ થવામાં 72 કલાક લાગશે
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટલા પૈકી છ લોકોના મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કક્ષમાં કેસો સંભાળી રહેલા ચિરાગ ગોસાઈએ કહ્યું કે ડીએનએ નમૂના મેચ કરવાની પ્રક્રિયા પૂર્ણ થવામાં 72 કલાક જેટલો સમય લાગશે. એકવાર ડીએનએ મેચ થયા બાદ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવશે.
પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત બાદ પીએમ મોદીનું ટ્વીટ, વિનાશનું દ્રશ્ય દુઃખદ છે
પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમોને મળ્યા. આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમારી સંવેદનાઓ અકબંધ છે.”
અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. બીજા બ્લેક બોક્સની શોધ ચાલુ છે. આ બ્લેક બોક્સથી ખબર પડશે કે ટેકઓફ પછી તરત જ આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો.કોઈપણ વિમાન અકસ્માતની તપાસમાં બ્લેક બોક્સ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેનું નામ બ્લેક બોક્સ હોય પરંતુ તે ઓરેન્જ કલરનું હોય છે. કારણ કે દુર્ઘટના બાદ કાટમાળમાંથી તેને શોધવામાં સરળતા રહે. જેમાં બે ભાગ હોય છે. ફ્લાઈટ ડેટા રેકોર્ડર ( FDR ) અને કોકપીટ વોઈસ રેકોર્ડર (CVR) આ બંને મળીને બ્લેક બોક્સ કહેવાય છે.
વિમાન ટેકઓફ થવાની થોડી જ મિનિટોમાં દુર્ઘટના બની હતી. જેમાં મુસાફરી કરી રહેલા 242 યાત્રીઓ અને ક્રૂ મેમ્બરમાંથી માત્ર 1 જ વ્યક્તિ જીવીત છે. જ્યારે પણ કોઈ પણ ફ્લાઇટને લગતી દુર્ઘટના બને છે ત્યારે તેના સાચા કારણની તરત ખબર પડતી નથી. કોઈપણ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે એજન્સીઓ ફ્લાઇટમાં રહેલા બ્લેક બોક્સની તપાસ કરતા હોય છે.
બ્લેક બોક્સમાં શું હોય છે
બ્લેક બોક્સ એક એવું ડિવાઇસ છે કે દરેક એર ક્રાફ્ટમાં હોય છે અને તેની અંદર ફ્લાઇટની ઉડાન દરમિયાનની દરેક મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓ અને દરેક વાતચીતને રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ કોકપિટમાં પાયલોટ વચ્ચે થયેલી વાતને પણ રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ નામ ધરાવતું ડિવાઇસ ખરેખર ઓરેન્જ કલરનું હોય છે. આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે તેણે સરળતાથી શોધી શકાય માટે તેનો કલર બ્રાઇટ ઓરેન્જ રાખવામાં આવે છે.
એકમાત્ર બચી ગયેલા મુસાફરે જણાવ્યું સત્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી હતી. તેઓ આ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા હતા. વિશ્વાસે કહ્યું કે હું વિમાનમાંથી કૂદી પડ્યો ન હતો પરંતુ સીટ સાથે વિમાનમાંથી બહાર આવ્યો હતો.
અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું
હોસ્પિટલમાં દાખલ વિશ્વાસ કુમારે દુર્ઘટના વર્ણવતા કહ્યું કે રનવે પર વિમાન ગતિ પકડતા જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું. સન્નાટો, પછી અચાનક લીલી અને સફેદ લાઇટ ચાલુ થઈ ગઈ. એવું લાગતું હતું કે પાઇલટે ટેકઓફ માટે પોતાની બધી તાકાત લગાવી દીધી હોય. અને પછી તે સીધી હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું.