Abtak Media Google News

એઈમ્સમાં 50 હજારથી વધુ દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો: ઋષીકેશ પટેલ

એઈમ્સ રાજકોટનું 60 ટકા નિર્માણકાર્ય  પૂર્ણ થઈ ગયું છે. આગામી  ઓકટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ એઈમ્સ- રાજકોટનું બાંધકામ પૂર્ણ થશે

રાજય સરકારના  પ્રવકતા મંત્રી  ઋષિકેશભાઇ પટેલે એઈમ્સ  રાજકોટના નિર્માણકાર્ય સંદર્ભે જણાવ્યું કે , હાલ રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ઓકટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ એઈમ્સ  – રાજકોટનું 100 ટકા બાંધકામ પૂર્ણ થશે તેમ તેમણે જણાવીને આ ઇન્સ્ટીટ્યુટ કાર્યરત બનતા ગુજરાતની સાથે દેશની સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે તેમ ઉમેર્યુ હતુ.

Jojo Ho

એઇમ્સ એ રાજયના સ્વાસ્થ્ય ક્ષેત્રે ’માઈલ સ્ટોન’ બની રહેશે તેમ જણાવતાં મંત્રીએ ઉમેર્યું કે, આશરે 1,58,879 ચો. મી. ના બાંધકામ વિસ્તારમાંથી 91,950 ચો. મી. વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલ છે. અહીં 77,435 ચો. મી.ના હોસ્પિટલ વિસ્તારમાં 15 થી 20 સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, 27,911 ચો. મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, 51,198  ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા 2,335 ચો.મી. વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ 2017-18 ના બજેટમાં એઈમ્સ- રાજકોટની જાહેરાત કરાઈ હતી. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 1.58 લાખ ચો.મી. વિસ્તારમાં 750 બેડ અને હાલ 150 એમ.બી.બી.એસ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ એઈમ્સ નું ડિસેમ્બર,2020માં ઈ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ડિસેમ્બર 2021 થી કાર્યરત 14 સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ નાગરિકોએ ઓ.પી.ડી સેવાનો તથા 45 હજારથી વધુ નાગરિકોએ ટેલીમેડીસીન સેવાનો લાભ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014 પહેલાં દેશમાં ફક્ત 8 જ એઇમ્સ કાર્યરત હતી. વડાપ્રધાન  નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યા બાદ દેશને નવી 14 એઈમ્સની મંજૂરી મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.