Abtak Media Google News

અગાઉ વિવિધ 24 બિલ્ડીંગોના પ્લાન મંજૂર કરાયા હતા: મુખ્ય બિલ્ડીંગ બેઈઝમેન્ટ સાથે 5 ફલોરનું બનશે: ડેવલોપમેન્ટ ચાર્જ, સ્ક્રુટીની ફી માંથી મુક્તિ: સર્વિસ એમીનીટીઝ ફી માં પણ 50 ટકાની રાહત

શહેરની ભાગોળે આકાર લઈ રહેલી એઈમ્સના મુખ્ય હોસ્પિટલ બિલ્ડીંગ પ્લાનને આજે રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. અગાઉ 24 બિલ્ડીંગના પ્લાન મંજૂર કરાયા બાદ મુખ્ય બિલ્ડીંગનો પ્લાન મંજૂર કરવામાં આવતા ટૂંક સમયમાં તેનું બાંધકામ પૂરજોશમાં થશે. મુખ્ય બિલ્ડીંગ બેઝમેન્ટ સહિત 5 માળનું બનશે.

સરકારશ્રી દ્વારા રાજકોટને એઈમ્સની ફાળવણી કરવામાં આવી છે. એઈમ્સ સત્તામંડળમાં સમાવેશ થતા જામનગર રોડની ઉત્તર તરફે અંદરના ભાગે આવેલ ખંઢેરી ગામના રે.સર્વે નં. 64 તથા 67  અને  પરાપીપળીયાનાં રે.સ.નં.197 પૈકીની જમીનમાં આકાર પામી રહેલ છે. જેનું  કુલ ક્ષેત્રફળ 813442ચો.મી. છે. જે પૈકી વિવિધ જાહેર હેતુના  વિકાસ માટેનું કુલ ક્ષેત્રફળ 249289 ચો.મી છે જયારે અન્ય બાકી રહેતું 564153 ચો.મી વિવિધ  બાંધકામ માટે ઉપયોગમાં આવશે.

એઈમ્સનો સમાવેશ પબ્લિક પર્પઝ ઝોનમાં થાય છે.નિયમોનુસાર તે ઝોનમાં પબ્લિક ઇન્સ્ટીટયુટમાં પબ્લિક સર્વિસ એન્ડ એમીનીટી અન્વયે હેલ્થ પબ્લિક ફેસીલીટીના ભાગરૂપે કેમ્પસ પ્લાનિંગ સાથે હાલના એજીડીસીઆરના નિયમોને ધ્યાને લઈ એઈમ્સમાં સમાવિષ્ટ બિલ્ડીંગો સત્તામંડળમાં મંજુરી અર્થે સમયાંતરે રજુ કર્યા હતા.

એઈમ્સ કેમ્પસમાં જાહેર હેતુ માટે વિવિધ એમીનીટીસ જેવી કે બગીચા, રમત ગમતનું મેદાન, મિલ્ક બુથ, પ્રાથમિક શાળા, લોકલ કોમર્શીયલ માર્કેટ, શાકભાજી માર્કેટ, પોલીસ આઉટ પોસ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિગરેના ઉપયોગ માટે આયોજન થયેલ છે તથા  વર્તમાન  અને ભવિષ્યના આયોજનના ભાગરૂપે  પ્રથમ તબક્કામાં જરૂરિયાત ધરાવતા  એવા કુલ 25 બિલ્ડીંગોનું આયોજન કરેલ,  જે 25 બિલ્ડીંગોમાં ડાઈરેક્ટર બંગ્લોઝ, બોઇઝ  તથા ગર્લ્સને  રહેવા માટે યુજી બોયસ હોસ્ટેલ, યુજી ગર્લ્સ હોસ્ટેલ, બહારગામથી આવતા લોકો માટે નાઈટ શેલ્ટર, ગેસ્ટ  હાઉસ, વિવિધ ડોકટરો થતા પ્રોફેસરો માટે વિવિધ પ્રકારના હાઉસિંગ, નર્સિંગ હોસ્ટેલ, પીજી હોસ્ટેલ, 500 માણસોની કેપીસીટી ધરાવતું  ઓડીટોરીયમ, જમવા માટે ડાઈનીંગ હોલ, જીવન જરૂરિયાત માટે કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, ભણવા માટે એકેડેમિક બ્લોક, આયુર્વેદિક વિભાગનો આયુષ બ્લોક, સર્વિસ બ્લોક, બાયોમેડીકલ વેસ્ટ બ્લોક, તથા  મેઈન હોસ્પિટલ બિલ્ડીંગનો સમાવેશ થાય છે. ઉક્ત બિલ્ડીંગો પૈકી 24 બિલ્ડીંગોના બાંધકામ પ્લાનને સમયાતરે મંજુરીની કાર્યવાહી પૂર્ણ થતા તે અનુસાર સ્થળ પર બાંધકામની કાર્યવાહી ચાલુમાં છે. આજે આખરી મેઈન બિલ્ડીંગ એટલેકે હોસ્પિટલના બિલ્ડીંગ પ્લાનને પણ મંજુરી આપવામાં આવેલ છે. સરકારનાં તા.19/03/2020ના પત્રની વિગતે એઈમ્સને ડેવલપમેન્ટ ચાર્જ અને સ્ક્રુટીની ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે તથા સર્વિસ એમીનીટીઝ ફીમાં 50% રાહત આપવામાં આવેલ છે.

હોસ્પિટલ કે જેમાં બેઝમેન્ટ સાથે કુલ પાંચ ફ્લોરનું આયોજન કરેલ છે. બેઝમેન્ટમાં રેડિયો થેરીપીની સુવિધા આપવામાં આવેલ છે. ગ્રાઉન્ડ ફલોરમાં ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, ક્ધસલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોરની સુવિધાઓ આપવામાં આવેલ છે. પ્રથમ માળ પર આઈસીયુ, વિવિધ વોર્ડસ, ક્ધસલ્ટન્ટ રૂમ,એનઆઈસીયુ, એચડીયુ, ઓબ્જરવેશન રૂમ, ઓપરેશન થિયેટરની સુવિધાઓ આપવામાં આવેલ છે. બીજા  માળ પર લેકચર રૂમ, વિવિધ વોર્ડસ, ઓપરેશન થિયેટર, ઓબ્જરવેશન રૂમ, સ્ટાફ લોન્જની સુવિધાઓ આપવામાં આવેલ છે. જયારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ આપવમાં આવેલ છે.

ઉક્ત તમામ બિલ્ડીંગો માટે બાંધકામ પ્લાન મંજુરીની કાર્યવાહી રૂડા દ્વારા પુર ઝડપે પૂર્ણ થતા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા રાજકોટને મળેલ ભેટ એઈમ્સ ખુબજ   ટૂંકા જ સમયગાળામાં કાર્યરત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.