Abtak Media Google News

કલેકટર અરૂણ મહેશ બાબુએ ચોપરની મદદ માંગી, ચોપર જામનગરથી રવાના થઈને બપોર બાદ લોકોને રેસ્ક્યુ કરવાની હાથ ધરાશે : ગોંડલ પ્રાંત કલેકટરના સતત સંપર્કમાં, સ્થાનિક તંત્ર દ્વારા પુરજોશમાં ચાલતું બચાવ કાર્ય

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે અનેક લોકો ફસાયા હતા. જો કે સ્થાનિક તંત્રએ પોતાની પહોંચ મુજબ લોકોને બચાવવાના પૂરતા પ્રયાસો પણ કર્યા હતા. પણ ગોંડલના વેજાપાર અને કોલીથળ ગામે લોકો ફસાયા હોય તેઓને બચાવવા માટે ચોપરની મદદ પણ માંગવામાં આવી છે.

ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે અનેક ગામડાઓમાં જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગોંડલ પંથકમાં નદી-નાળા, તળાવ અને ડેમ છલકાઈ ગયા છે.પુરની અસરથી અનેક ઘરોમાં પાણી ઘુસ્યા છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે ઘણા લોકો ફસાયા હતા. જો કે પ્રાંત અધિકારી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી અનેક લોકોને બચાવ્યા છે. સાથે ઘણા લોકોને સલામત સ્થળે ખસેડયા પણ છે.

પરંતુ તાલુકાના વેજાપર, કોલીથળ અને ત્રાપુરા ગામે અંદાજે 45-50 લોકો હજુ ફસાયા હોવાનું માલુમ પડી રહ્યું છે. ફરતી બાજુ પુરની સ્થિતિને કારણે પાણી વધુ હોય સ્થાનિક તંત્ર દ્વારા આ લોકોને બચાવવા શક્ય ન હોવાથી આ અંગે પ્રાંત અધિકારીએ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુને જાણ કરી હતી. અરુણ મહેશ બાબુએ આ મામલે તુરંત જ ગંભીરતા દાખવી ચોપરની મદદ માંગી હતી.

હાલ ચોપર જામનગર ખાતે હોય આ લખાઈ રહ્યું છે ત્યારે ચોપર ખરાબ વાતાવરણના કારણે જામનગરથી ઉડાન ભરી શકે તેમ ન હોય, બપોર બાદ ચોપર ગોંડલના ગામોમાં બચાવ કાર્ય માટે આવવાનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોપર મારફતે વેજાપુર અને કોલીથળ ગામે ફસાયેલા લોકોને બચાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

કલેકટર તંત્ર દ્વારા આપદા પ્રબંધન કેન્દ્રના નંબર જાહેર કરાયા

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે  મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકશે. જેમાં રાજકોટ જિલ્લા નિયંત્રણ કક્ષનો નં. 0281- 2471573, ટોલ ફ્રી નં.1077, તાલુકા નિયંત્રણ કક્ષમાં રાજકોટનો નં.0281- 2479664, ઉપલેટાનો નં.02826- 221458, કોટડા સાંગાણીનો નં.02827- 276221, ગોંડલનો નં.02825- 220093, જેતપુરનો નં.02823- 220001, જસદણનો નં.02821- 220032, જામકંડોરણાનો નં.02824- 271321, ઘોરાજીનો નં.02824- 221887, પડધરીનો નં.02820- 233059, લોધિકાનો નં.02827- 244221 તથા વિછિયાનો 0281-273432 તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયત્રણ કક્ષનો નં.0281- 2450077 છે. તેમ રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલની યાદીમાં જણાવાયુ છે.

શાળા- કોલેજોમાં રજા જાહેર કરતા જિલ્લા કલેકટર

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વર્ષી રહ્યો હોય જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લાની તમામ શાળા- કોલેજો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આથી જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા દ્વારા રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓને જણાવાયું છે કે છેલ્લા બે દિવસના ભારે વરસાદની પરિસ્થિતિ ને ધ્યાને લઈ બાળકોની સલામતી માટે આજે શાળાઓમા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.