- દારૂનો જથ્થો મંગાવનાર લાઈનબોય મેહુલ રાણીવાડીયાનું નામ ખુલતા ધરપકડ : રૂ.3.27 લાખનો મુદ્દામાલ કબ્જે
શહેરના રેસકોર્સ મેદાનમાંથી દારૂ ભરેલી કાર સાથે જંકશન પ્લોટના અજય ચંચલાણીને પ્ર.નગર પોલીસની ટીમે દબોચી લીધો હતો. અજય ચંચલાણી દારૂની ડિલિવરી આપે તે પૂર્વે જ દરોડો પાડી રૂ. 3.27 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દારૂનો જથ્થો લાઈન બોય મેહુલ રાણીવાડીયાએ મંગાવ્યાનો ખુલાસો થતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. મામલામં પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ છોટુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.13-6-2025 ના સવારે અગિયાર વાગ્યાથી તેઓ કોન્સ્ટેબલ વનરાજભાઈ બોરીચા, રિયાઝભાઈ ભીપૌત્રા સાથે ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રેસકોર્સ રીંગરોડ ખાતે એનસીસી ચોક પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક મારુતિ સુઝુકી કંપનીની સિલ્વર કલરની સીયાઝ કાર જેના નંબર જીજે-01-એચવી-4180 માં ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂનો જથ્થો રાખી એક શખ્સ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવવાનો છે. જે બાતમી મળતાની સાથે પ્રનગર પોલીસની ટીમે પંચોને હાજર રાખી રેસકોર્સ ગ્રાઉન્ડમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બપોરે સવા બાર વાગ્યે બાતમીવાળી કાર રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતાની સાથે પ્રનગર પોલીસે કારને અટકાવી ચાલકને બહાર કાઢતા ચાલકે પોતાનું નામ અજય લક્ષ્મણદાસ ચંચલાણી જણાવ્યું હતું.
બાદમાં કારની ડેકીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 83 બોટલ મળી આવી હતી. પોલીસે અજય લખમણદાસ ચંચલાણી (ઉ.વ.24 રહે જુલેલાલનગર શેરી નંબર-5, જંકશન પ્લોટ, રાજકોટ)ની દારૂ, મોબાઈલ અને કાર મળી રૂ. 3, 27,170 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરતા દારૂનો જથ્થો લાઈનબોય મેહુલ પ્રતાપભાઈ રાણીવાડીયાએ મંગાવ્યાનો ખુલાસો આપતા પ્રનગર પોલીસની ટીમે તાત્કાલિક મેહુલ રાણીવાડીયાની પણ ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, મેહુલ રાણીવાડિયાની બહેન રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.