Abtak Media Google News

ડેમમાં માત્ર 5 જુલાઇ સુધી ચાલે તેટલું પાણી હોય કોર્પોરેશન દ્વારા સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત 180 એમસીએફટી પાણી ઠાલવવાની કરાઇ છે માંગણી

રાજકોટવાસીઓએ વરસાદ ખેંચાય તેવા સંજોગોમાં પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં 180 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી એક પખવાડીયે પૂર્વે કરવામાં આવી છે. દરમિયાન આગામી 2 થી 3 દિવસમાં આજીમાં ફરી એકવાર નર્મદાના પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા એક પખવાડીયા પૂર્વે નર્મદા નિગમના સચિવને પત્ર લખી રાજકોટને સૌની યોજના અંતર્ગત આજી ડેમ પર 180 એમસીએફટી પાણી આપવાની માંગણી કરી હતી. આજી ડેમમાં માત્ર 5 જુલાઇ સુધી તેટલો જળજથ્થો ઉપલબ્ધ હોય શક્ય તેટલું ઝડપી પાણી આપવાની માંગણી કરવામાં આવી હતી. જેની સામે સૌની યોજનાના કાર્યપાલક ઇજનેરએ કોર્પોરેશન પાસે પાણી પેટે બાકી નીકળતી 105 કરોડની લેણી રકમની માંગણી કરી હતી. જેના કારણે અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા રાજકોટને પાણી આપવા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. દરમિયાન તાજેતરમાં મ્યુનિ.કમિશનરે નર્મદા નિગમના સચિવ જે.પી. ગુપ્તા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને રાજકોટને શક્ય તેટલું વહેલું નર્મદાનું પાણી આપવામાં આવે તેવી આજીજી કરી છે.

જેને હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. આગામી ગણતરીની કલાકોમાં ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી રાજકોટને સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર આપવાનું શરૂ કરવામાં આવશે. જે મચ્છુ ડેમે પહોંચ્યા બાદ ત્યાંથી પાઇપલાઇન મારફત આજી ડેમમાં આવશે. નર્મદાનું પાણી આજી ડેમમાં પહોંચતા આશરે 3 થી 4 દિવસ નીકળી જશે. ટૂંકમાં ડેમ ડૂકે તે પહેલા ફરી એક વખત નર્મદા મૈયા રાજકોટ માટે તારણહાર બનશે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. આવામાં હવે જોવાનું એ રહ્યું કે પહેલા નર્મદા મૈયાનું આગમન થાય છે કે મેઘરાજાની પધરામણી. રાજકોટવાસીઓ કાગડોળે મેઘરાજાની પણ વાટ જોઇ રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.