Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટ રંગીલું શહેર છે અને આ રંગીલું શહેર તમામ પ્રકારના ’રંગીલા’ઓને શરણ તો આપે જ છે સાથોસાથ રંગીલા રાજકોટની ’આજી’ જેના નામ સાથે જ ’રાજી’ શબ્દ જોડાઈ ગયો છે તે ’આજી’ કૌભાંડકારીઓને પણ ખૂબ ’રાજી’ કરતી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પાપ છાપરે ચડીને પોકારે તે કહેવત આ કિસ્સામાં બિલકુલ યથાર્થ ઠરતી જોવા મળે છે. વહીવટમાં માહેર ક્રીમ બ્રાન્ચને પણ પાછળ છોડી દે તેવી ’આજી’ કૌભાંડકારીઓ માટે જાણે આશરો જ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ’માલ હૈ તો મ્હોબબત હૈ’ની રણનીતી સાથે ચાલતી ’આજી’માં ગુન્હો ગમે તેવો હોય પણ જો માલ(પૈસા) હોય તો બધું શક્ય બને તેવી ચર્ચા ખૂબ જોરોશોરોથી થઈ રહી છે.

ગુન્હો ગમે તેવો હોય ‘વહીવટ’ થકી બધું શક્ય હોવાનું સ્થાનિકોમાં ગણગણાટ

કોઠારીયાની 6000 વાર જમીન પચાવી બારોબાર વેંચી મારવાના કૌભાંડમાં એન્ટી લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો હતો. ’આજી’માં લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો જેના કારણે પ્રજાને પણ બે ઘડી એવું લાગ્યું કે હવે ’આજી’ સાચા માણસોને પણ ’રાજી’ કરશે પરંતુ ’આજી’ની ગોઠવણ તો કંઇક અલગ જ હતી. લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં અગાઉ 3 શખ્સો પર ગુન્હો નોંધાયો અને ત્યારબાદ વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. જોવા જેવી એ થઈ કે, જેટલા શખ્સોની ધરપકડ થઈ તે બધા મજૂર અને નાનો વર્ગ છે. નાના મજૂરોની ધરપકડ બાદ થયેલી પૂછપરછમાં તેમણે મુખ્ય સૂત્રધારનું નામ ખોલ્યું અને ’આજી’ના કાન ઉભા થઇ ગયા હોવાનું સ્થાનિક સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ મુખ્ય સૂત્રધાર રાજકીય પક્ષમાં મોટો હોદ્દો ધરાવતો શખ્સ હોવાથી ’આજી’ના મનમાં મોટા વહીવટનો ’લાડવો’ ફૂટ્યો. ’આજી’એ મુખ્ય સૂત્રધારે ઉભા કરેલા બે ભાગીદારો કે જે ખરેખર તો સૂત્રધારના પંટર જ હતા તેમની ધરપકડ કરી માસ્ટર માઈન્ડ પર દબાણ ઉભું કર્યું. ’આજી’ને અગાઉથી જ સમગ્ર પ્રકરણની ખબર હોય તેઓ મુખ્ય સૂત્રધાર અંગે બધું જ જાણતા હતા પરંતુ કોઈ પુરાવો હાથ પર નહીં હોવાથી કોઈ ખેલ પાડી શકાતો ન હતો. તેવામાં આરોપીઓએ આપેલું નિવેદન સોનામાં સાકર જેવું સાબિત થયું. હજુ ’આજી’ એક્શન લે તે પૂર્વે મોરલો કળા કરી ગયો અને માસ્ટર માઈન્ડને છાવરી લેવા ઉપરથી જ આદેશ આવી ગયાનું ચર્ચાઈ રહ્યું છે.

તો પણ ’વહીવટ’ વિના તો બધું જ નકામું હોય તેવી રીતે ’આજી’એ મોઢું ખોલ્યું અને માસ્ટર માઇન્ડે ’બટકું’ પણ નાખ્યું તેવી ચર્ચા સમગ્ર વિસ્તારના રાજકીય આગેવાનોમાં શરૂ થઈ ગઇ છે. ’વહીવટ’માં માહેર ’આજી’ તો આરોપીઓને લોકઅપમાં ’સર્વિસ’ આપવાના નામે પણ મોટો વહીવટ કરી લે છે તેવો ગણગણાટ સ્થાનિકોમાં થઈ રહ્યો છે પરંતુ આ પ્રકરણમાં છ કે સાત આંકડાની રકમથી ’આજી’ એ સંતોષ માની કૌભાંડકારીને ’રાજી’ કરી દીધાની ચર્ચા થઈ રહી છે.

કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગુન્હો નોંધાતાની સાથે જ ’આજી’ આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ સતત ત્યાં જ પડ્યો પાથર્યો રહેતો હતો જે બાબત પણ સમગ્ર પ્રકરણમાં દિશા સૂચક હતી કે એક રાજકીય આગેવાનને લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં આટલો તો શું રસ?

એટલું જ નહીં આ પ્રકરણ પછી ફક્ત થોડા જ દિવસો બાદ ’આજી’માં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો હતો. જેમાં પણ મોટા માથાઓની શંકાસ્પદ ભૂમિકા હતી. જેમાં મોટા મગરમચ્છોને છાવરી નાની માછલીઓને  પુરી દેવામાં આવ્યા હતા તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર સોલ્વન્ટ એક્સ્ટ્રેટરની પાછળની આશરે 5200 વાર સરકારી જમીન પર શેડ બનાવી રૂ. 50 કરોડનો આર્થીક લાભ મેળવવાના ગુન્હામાં પડદા પાછળ એક ક્ષત્રિય રાજકીય આગેવાન સંડોવાયેલા હોય તેવી સ્પષ્ટ ચર્ચા વિસ્તારના સામાન્ય નાગરિકો પણ કરી રહ્યા હતા ત્યારે આ પ્રકરણમાં ક્ષત્રિય શખ્સનું નામ કેમ ન ખુલ્યું તેની પાછળ પણ વહીવટ જ જવાબદાર હતો.

આ પ્રકારણમાં ક્ષત્રિય શખ્સને છાવરી લેવા અને પકડાયેલા બે શખ્સોને લોકઅપમાં સર્વિસ આપવા તેમજ ધોકો નહીં ઉગામવા પેટે સાત આંકડાનો મોટો વહીવટ કરાયો હતો તેવી ચર્ચા પોલીસ વર્તુળોમાં થઈ રહી છે. જે રકમ મેળવી કૌભાંડીઓને ’આજી’એ ’રાજી’ કરી દીધા હતા.

’અબતક’ દ્વારા 6000 વાર સરકારી જમીન બારોબાર વેંચી મારવાના કૌભાંડમાં કોઈ ’કળા’ કરી ગયું હોય તેવો અહેવાલ પ્રસારિત કર્યા બાદ ભાજપના ગ્રુપમાં પણ આ ચર્ચા જામી હતી. જેમાં જાણતા તમામ કાર્યકરોએ પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો.

‘માલ ખાઈ મદારી અને વળ ખાઈ વાંદરો’ ભાજપના કાર્યકરોમાં રોષનો માહોલ

Ss 25

જે રીતે એક રાજકીય આગેવાને સમગ્ર કૌભાંડ આચર્યું અને નિર્દોષ દંડાયા તે પ્રકરણમાં ’અબતક’ દ્વારા અહેવાલ પ્રસારિત કરાતા ભાજપના એક ગ્રુપમાં આ બાબતે ચર્ચા જામી હતી. ભાજપ સંગઠનના એક વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ કટાક્ષ કરતાં લખ્યું હતું કે, ’આવું ને આવું પક્ષનું નામ રોશન કરતા રહો તેવી શુભકામનાઓ, પ્રજા વચ્ચે તો નાના કાર્યકરોએ જ જવાનું છે તો પ્રજાની ગાળો સંભાળી લેશું, નાના કાર્યકરો ગાળો સાંભળે તો એમાં શું ફર્ક પડે’. તો અમુક કાર્યકરોએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, ’વળ ખાય વાંદરો અને માલ ખાય મદારી’. ’અબતક’ના અહેવાલની ચર્ચા રાજકીય વર્તુળોમાં ખૂબ જોરોશોરોથી થઈ રહ્યાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે.

ન હોય… ફક્ત ધોકો નહીં ઉગામવા માટે સાત આંકડાનો વહીવટ?!!

કૌભાંડીઓને ’રાજી’ કરવામાં માહેર ’આજી’એ 5200 વાર સરકારી જમીનના કૌભાંડમાં પણ કળા કરી હતી. જે પ્રકરણમાં સુઓ મોટો લેન્ડ ગ્રેબિંગ થઈ હતી તે જ પ્રકરણમાં એક મોટા ગજાના ક્ષત્રિય રાજકીય આગેવાનને છાવરી લેવા અને અન્ય બે આરોપીઓ જે લોકઅપમાં હતા તેમને ’સર્વિસ’ તેમજ પૂછપરછ દરમિયાન થર્ડ ડીગ્રી નહીં અપનાવવા સાત આંકડાની રકમનો વહીવટ કરાયો હતો તેવું પોલીસ સુત્રોમાં ગણગણાટ થઈ રહ્યો છે. સાત આંકડાનો વહીવટ કરીને ’આજી’એ કૌભાંડીઓને ’રાજી’ કર્યા હતા તે ચર્ચા પણ જોરોશોરોથી થઈ રહી છે.

 

વાદ નહીં વિવાદ નહીં, ‘વહીવટ’ સિવાય વાત નહીં જેવો ઘાટ !!

’આજી’ના વિસ્તારમાં રહેતાં સામાન્ય માણસો પણ જાણે છે કે, જ્યાં સુધી વહીવટરૂપી નાણાં આપી ’આજી’ને ’રાજી’ નહીં કરીએ ત્યાં સુધી આપણું કામ તો થશે જ નહીં. સ્થાનિકોમાં તો એવી પણ ચર્ચા છે કે, અમુક કિસ્સામાં વહીવટદારો માટે ભગવાન સમાન ’આજી’માં  થયેલી અરજી-ફરિયાદમાં વહીવટદારો પાસેથી મલાઈ ઉતારી ખુદ ફરિયાદીને જ આરોપી બનાવી દેવામાં ’આજી’ માહેર છે. અમુક રાજકીય આગેવાન અને વિસ્તારના ભોમિયાંઓનું સ્પષ્ટ માનવું છે કે, ’આજી’ની વ્યાખ્યા કરવી હોય તો એક જ ઉક્તિ બરોબર બેસે છે કે, ’વાદ નહિ વિવાદ નહીં, વહીવટ સિવાય વાત નહીં’.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.