આજી કરી દેશે રાજી, પણ તંત્રની દાનત હશે તો

છે કોઈ બળીયો…? જે રિવરફ્રન્ટ બનાવી રંગીલા રાજકોટની રોનકને ચાર ચાંદ લગાવી શકે!!

શહેરની મધ્યમાંથી પસાર થતી આજીની આજીજી, હું નદી છું કે વોકળો, ગંદકી ન કરો અને દબાણો દૂર કરો

શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી રંગીલા રાજકોટની રોનકને ચાર ચાંદ લગાવવા તૈયાર જ છે. પણ કમનસીબે તંત્રની જ દાનત ન હોય તેવું લાગી રહ્યું છે. હવે તો આજી નદી પણ આજીજી કરી રહી છે કે હું નદી છું કે વોકળો, ગંદકી ન કરો અને દબાણો દૂર કરો.

આજી નદીના કિનારે વસેલું રંગીલું રાજકોટ તંત્રની ઘોર બેદરકારીથી પીડાઈ રહ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી જે એક સમયે રાજકોટની ઓળખ હતી. આજે તે નદી એક વોકળો બનીને રહી ગઈ છે. નદી ગંદકીથી ખદબદે છે. નદીમાં બેફામ દબાણો પણ થયા છે. એક તરફ અમદાવાદમાં સાબરમતી નદીનું હિલોળા લેતું પાણી અને તેનો રિવરફ્રન્ટ જે શહેરની રોનકને ચાર ચાંદ લગાવે છે. અને બીજી તરફ રાજકોટની આજી નદી અને તેની ગંદકી તેમજ દબાણો. આ બન્ને દ્રશ્યો વચ્ચે જમીન આસમાનનો ફરક છે.

આજી નદીના મધ્યે મહાદેવ પણ બિરાજે છે. જો આ નદીની ગંદકી દૂર કરવામાં આવે તો મહાદેવ પણ રાજી થાય તેમ છે. જો કે આ માટે યાત્રાધામ બોર્ડ દ્વારા પ્રોજેકટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. પણ તેનો અમલ કરવામાં તંત્ર વામણું સાબિત થયું છે. દર વર્ષે અહીં મહાદેવને પાણીનો નહીં પણ ગંદા પાણીનો અભિષેક થાય છે. જેને લઈને ભાવિકોની શ્રદ્ધાને પણ ઠેસ પહોચે છે.

આજી નદીની આ સ્થિતિ જોતા એવો પ્રશ્ન જરૂર થાય છે કે રાજકોટમાં એવો કોઈ બળીયો છે કે નહીં જે રિવરફ્રન્ટ બનાવી શકે. તંત્ર હવે આજી નદીના વિકાસ માટે આગળ આવે અને નક્કર કાર્યવાહી કરે.