જામનગર માર્કેટીંગ યાર્ડમાં અજમાનો રેકોર્ડ બ્રેક 6500 ભાવ બોલાયો

 

અબતક, જામનગર

જામનગર માર્કેટીંગ યાર્ડમાં સોમવારે અજમાનો રાજયનો રેકર્ડબ્રેક ભાવ રૂ.6500 બોલાયો હતો. એક દિવસમાં 5811 મણ અજમો અને 13608 મણ કપાસ ઠલવાયો હતો. કપાસના રૂ.1960, જીરૂના 3280, સૂકા મરચાના રૂ.3015 ખેડૂતોને ઉપજયા હતાં.જામનગર માર્કેટ યાર્ડ રાજયભરમાં અજમાનું હબ ગણાય છે. કારણ કે, જામનગર માર્કેટ યાર્ડમાં અજમાના જે ભાવ નકકી થાય છે તે રાજયભરના યાર્ડમાં માન્ય રહે છે. સોમવારે જામનગર માર્કેટ યાર્ડમાં કુલ 1031 ખેડૂત આવતા 38892 મણ જણસ ઠલવાઇ હતી. જે પૈકી 252 ખેડૂત અજમો વેચવા આવતા 5811 મણ આવક થઇ હતી. સોમવારે અજમાનો ભાવ રૂ.1875 થી 6500 બોલાયો હતો. અજમાનો 20 કીલોનો ભાવ રૂ.6500 બોલાતા અત્યાર સુધીમાં રાજયભરનો રેકર્ડબ્રેક ભાવ રહ્યો હતો. તદઉપરાંત ઘઉંની 2716, મગફળીની 11375, લસણની 5820, કપાસની 13608 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો અડદના ભાવ રૂ.500-1325, મેથીના રૂ.1000-1160, ચણાના રૂ.800-926, મગફળીના રૂ.998-1221, અરેંડાના રૂ.800-1015, તલના રૂ.1800-2115, કપાસના રૂ.1500-1960 બોલાયા હતાં.