- હળવદ પોલીસ મથકમાં ઝડપાયેલ દારૂનો નાશ કરાયો
- 10.43 લાખનો મુદ્દામાલ કરાયો નષ્ટ
- ડીવાયએસપી અને નશાબંધી શાખાના અધિકારીની હાજરીમાં કરાઇ કામગીરી
હળવદ તાલુકા પોલીસે કુલ 10.43 લાખ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો છે. હળવદ તાલુકાના પીઆઇ આર.ટી.વ્યાસે કોર્ટની મંજૂરી મેળવીને આ કાર્યવાહી કરી હતી. સુખપર ગામની સીમમાં આવેલા ડેમ તરફના રસ્તે ખરાબાની જમીન પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ, રેવન્યુ અને નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડિવીઝન સમીર સારડાએ સમયાંતરે પ્રોહીબીશનનો જથ્થાનો નાશ કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ દ્વારા જરૂરી મંજુરી મેળવી ઇંગ્લીશ તેમજ દેશી દારૂનો જથ્થો સુખપર ગામની સિમ ડેમ જવાના રસ્તે ખરાબા વાળી પડતર જગ્યાએ લઇ જઇને પોલીસ, રેવન્યુ તથા નશાબંધી વિભાગના અધિકારીઓને સાથે રાખી પંચોની હાજરીમાં હળવદ પોલીસ સ્ટેશનનો વર્ષ -2024નો કુલ 25 ગુનાનો પર-પ્રાંતનો ઇંગ્લીશ દારુનો જથ્થો કુલ બોટલો તથા બીયર સાથે નંગ-4785કિંમત રૂા. 8,94,431/-નો તથા દેશી દારૂના કુલ-80ગુનાનો દેશી દારૂ 747લિટર જેની કિ.રૂ. 1,49,400/- એમ કુલ રૂ. 10,43,831 પ્રોહીબીશન મુદામાલ ઇંગ્લીશ દારુ તથા દેશી દારૂનો જથ્થો તોડીફોડી નાશ કરવામાં આવ્યો છે.
વર્ષ 2024માં હળવદ તાલુકામાં દારૂ સંબંધિત કુલ 105 ગુના નોંધાયા હતા. આ કેસોમાં 4,785 બોટલ ઇંગ્લિશ દારૂ અને બીયર જપ્ત કરાયો હતો, જેની કિંમત 8.94 લાખ રૂપિયા હતી. આ ઉપરાંત 80 કેસોમાં 747 લીટર દેશી દારૂ પણ જપ્ત કરાયો હતો, જેની કિંમત 1.49 લાખ રૂપિયા હતી. આમ, કુલ 10.43 લાખ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.
અહેવાલ: ઋષિ મહેતા