Abtak Media Google News
  • આવતીકાલ સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જવા હાઇકમાન્ડની તાકીદ: દળના નેતા તરીકે નરેન્દ્રભાઈને ચૂંટી કઢાશે

18મી લોકસભાનું ગઠન કરવા માટે યોજાયેલી ચૂંટણીમાં દેશની જનતાએ ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી આપી છે. જો કે, 10 વર્ષ બાદ ફરી દેશમાં ત્રિશંકુ સરકાર બનવા જઇ રહી છે. કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે ભાજપ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાતના તમામ 25 સાંસદોને દિલ્હી દરબારમાંથી તાકીદનું તેડું આવ્યું છે. આવતીકાલ સાંજ સુધીમાં તમામને દિલ્હી પહોંચી જવા તાકીદ કરવામાં આવી છે. નવી સરકારની શપથવિધિ શનિવાર અથવા રવિવારે યોજાય તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. એનડીએના સાથી પક્ષોએ આજે ભાજપને સમર્થન આપતો પત્ર આપી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ સાથી પક્ષો પોતાને મળેલી બેઠક મુજબ મંત્રીપદમાં સ્થાન માંગી રહ્યા છે.

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ભાજપ છેલ્લી બે ચૂંટણીથી જીતી રહ્યું છે. ક્લીન સ્વિપની હેટ્રિકનું ભાજપનું સપનું બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રોળી નાંખ્યું છે. ભાજપને ફાળે 25 બેઠકો મળી છે. 2014 અને 2019માં એકલા હાથે કેન્દ્રમાં સરકાર રચી શકે તેટલી બેઠકો મેળવનાર ભાજપે હવે ત્રીજી વખત સરકાર બનાવવા માટે એનડીએના સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. આજે સવારે વર્તમાન કેન્દ્ર સરકારની અંતિમ કેબિનેટ બેઠક મળી હતી. સાંજે એનડીએ ગઠબંધનની બેઠક મળવાની છે. ત્યારબાદ નવી સરકારની રચના કરવા માટેની કાર્યવાહી વધુ તેજ બનાવી દેવામાં આવશે. દરમિયાન આજે બપોરે દિલ્હી દરબારમાંથી એક લીટીનો આદેશ છૂટ્યો હતો. જેમાં ભાજપના તમામ સાંસદોને આવતીકાલ સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જવા માટે તાકીદ કરવામાં આવી છે.

એનડીએના સાથી પક્ષ જેડીયુ, ટીડીપી, શિવસેના સહિતના તમામ પક્ષોએ ભાજપને સમર્થન આપવાની ઘોષણા કરી દીધી છે.Delhi વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરે તે હવે ફાઇનલ થઇ ગયું છે. આજ સાંજ સુધીમાં 17મી લોકસભાનું વિસર્જન કરતો પત્ર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને આપી દેવામાં આવશે. સાથોસાથ નવી સરકાર રચવાનો દાવો પણ કરવામાં આવે તેવું હાલ દેખાઇ રહ્યું છે. આવતીકાલે ભાજપના તમામ 240 સાંસદોની બેઠક મળશે. જેમાં પક્ષની પ્રણાલી મુજબ પક્ષના નેતા તરીકે સર્વાનુમતે નરેન્દ્રભાઇ મોદીની વરણી કરવામાં આવશે. નવી સરકારની શપથવિધિ આગામી શનિવારે અથવા રવિવારે યોજાઇ તેવી શક્યતા હાલ દેખાઇ રહી છે. કોઇ મોટી ઉથલ-પાથલની શક્યતા નહિંવત છે. ઇન્ડિયા ગઠબંધને વિપક્ષની ભૂમિકા ભજવવી પડશે. તે ફાઇનલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.