- અમેરિકાથી પરત આવેલા ગુજરાતના તમામ 33 નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા
- 33 નાગરિકોના રહેણાકની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરી, તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા
- નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે DYSPકક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોટ કરાયેલા ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
અમેરિકામાંથી પરત ફરેલા 104 ભારતીય નાગરિકો પૈકી 33 નાગરિકો ગુજરાત રાજ્યના છે. તા05 ફેબ્રુઆરી, 2025ના રોજ, આ નાગરિકોને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશનની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે આ તમામ ૩૩ નાગરિકોને ઘર સુધી સલામત રીતે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. 33 નાગરિકોના રહેણાક વિસ્તારની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરવામાં આવી, જેમના માર્ગદર્શન હેઠળ તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે આ નાગરિકોને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગુજરાતના 33 નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે DYSP કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. અમૃતસર ખાતે ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ગુજરાતના આ તમામ 33 નાગરિકોને વાયા દિલ્હી ફ્લાઈટ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ આજે વહેલી સવારે 6:10 કલાકે પહોંચ્યા હતા.