ઓલ ધી બેસ્ટ: રાજયભરમાં કાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ.

board exam | student
board exam | student

રાજકોટ સહિત રાજયના ૧૭.૫૯ લાખ વિદ્યાર્થીઓની કાલથી ‘કસોટી’: બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષણ તંત્ર સજજ: રાજયભરમાં પરીક્ષા ફીવર

રાજયના તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી અને ટેબલેટથી સજ્જ: ચેકિંગ સ્કવોર્ડ તૈનાત: બોર્ડની પરીક્ષા સંદર્ભે ઝેરોક્ષની દુકાનો બંધ, મોબાઈલ, પુસ્તક લઈ જવા પ્રતિબંધ: ચાંપતો પોલીસ બંદોબસ્ત.

શિક્ષણ બોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષણતંત્ર સજ્જ થઈ ગયું છે. દરેક જિલ્લાકક્ષાએ પરીક્ષા કેન્દ્ર, બિલ્ડીંગ, બ્લોક, વિદ્યાર્થીઓની સંખયા, સુપરવાઈઝર, ઝોનલ અધિકારી, પરીક્ષાના ઝોન, ચેકિંગ સ્કવોર્ડ, સીસીટીવી કેમેરા અને ટેબલેટ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલથી રાજકોટ સહિત રાજયભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે.

ગુજરાતભરમાં આવતીકાલથી શ‚ થનારી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાને લઈને રાજયભરમાં આગામી ૧૦ દિવસ સુધી પરીક્ષા ફીવર છવાશે. ધો.૧૦માં આવતીકાલે સવારે ૧૦:૩૦થી ૧:૨૦ કલાક સુધી પ્રથમ ભાષા ગુજરાતીનું પેપર લેવાશે. જયારે ધો.૧૨ કોમર્સમાં બપોરે ૩ થી ૬:૧૫ કલાક દરમિયાન નામાના મુળ તત્વોની પરીક્ષા લેવાશે. તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ ચોથા સેમેસ્ટરમાં બપોરે ૩ થી ૬:૩૦ કલાક દરમિયાન ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્ર્નપત્ર લેવાશે.

રાજયભરના ૧૭.૫૯ લાખ વિદ્યાર્થીઓની આવતીકાલથી ખરી કસોટી શ‚ થઈ રહી છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા રાજયભરમાં પરીક્ષા સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધો.૧૦માં આ વર્ષે ૧૧,૦૨,૬૨૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૧૪,૯૬૫ વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રવાહના ૧,૪૧,૫૦૩ વિદ્યાર્થીઓ આવતીકાલથી શ‚ થતી બોર્ડની પરીક્ષા આપશે. તમામ જિલ્લાઓમાં શિક્ષણ તંત્રને પરીક્ષા માટે એલર્ટ રહેવાની સુચના સાથે દરેક જિલ્લામાં ગેરરીતિ અટકાવા માટે જિલ્લા કલેકટર અને પોલીસ તંત્રએ જાહેરનામું બહાર પાડી તેની કડક અમલવારી કરવાની સુચના અપાઈ છે.

બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષના મશીનો બંધ રાખવા, પરીક્ષા ખંડમાં મોબાઈલ, કેલકયુલેટર સહિતના ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ તેમજ પુસ્તક અને અન્ય સાહિત્ય વર્ગ ખંડમાં લઈ જવા પ્રતિબંધ ફરમાવાયો છે. બે દિવસની રજા બાદ તરત જ પરીક્ષાઓ શ‚ થતી હોય. પરીક્ષા સંબંધિત આયોજનની તમામ કામગીરીઓ બે દિવસ દરમ્યાન પુરી કરી દેવાના આદેશો અપાયા હતા. રાજકોટ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાયા છે. જે પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા ન હોય ત્યાં ટેબલેટના માધ્યમથી વિદ્યાર્થીઓ ઉપર બાજ નજર રાખવામાં આવશે.

ધો.૧૦ના પ્રશ્ર્નપત્રો સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટથી વિતરણ કરવાના હોવાથી આ પેપરો શહેરની ચૌધરી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ ‚મમાં રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં રાજકોટથી પ્રશ્ર્નપત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલ‚મ ઉભો કરવામાં આવ્યો છે. જયાં પરીક્ષા સંબંધિત તમામ કામગીરીઓનું મોનીટરીંગ થશે. રાજયના કુલ ૧૫૦૬ માંથી ૪૨૨ એટલે કે ૨૯ ટકા પરીક્ષા કેન્દ્રો સંવેદનશીલ અને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હોવાથી પરીક્ષામાં વ્યાપક ચોરીની આશંકાને પગલે ચુસ્ત બંદોબસ્ત રાખવા પણ સુચના અપાઈ છે.

રાજકોટમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માટે પાંચ ઝોન રાખવામાં આવ્યા છે. કરણસિંહજી, બાઈસાહેબબા, જી.ટી.ગર્લ્સ હાઈસ્કૂલ અને ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલમાં પેપરને સીલ લગાવવા સહિતની કાર્યવાહી પુરી કરી દેવામાં આવી છે. આવતીકાલથી શ‚ થતી બોર્ડની પરીક્ષામાં ધો.૧૦માં પ્રથમ પેપર ગુજરાતીનું, ધો.૧૨ કોમર્સમાં નામાના મુળ તત્વો અને ધો.૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્ર્નપત્ર લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષણબોર્ડ સજજ થઈ ગયા છે. આવતીકાલથી પખવાડીયા સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં પરીક્ષા ફીવર છવાશે.