Abtak Media Google News

જ્ઞાતિવાદના આધારે પોતાની રાજકીય કારકીર્દી બનાવવા નીકળેલા ત્રણેય યુવા નેતાઓને મતદારોએ લોકસભા ચૂંટણીમાં તેમનું સ્થાન બતાવી દીધુ

૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે રાજયમાં ત્રણ યુવા નેતાઓ રાજકીય ક્ષેત્રે ઉપસી આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન ચલાવીને હાર્દિક પટેલ પટેલોના યુવા નેતા તરીકે, ઠાકોર સેના દ્વારા અલ્પેશ ઠાકોર ઠાકોરાના યુવા નેતા તરીકે જયારે દલિતો પર થતા અત્યાચાર સામે આંદોલન ચલાવીને જીજ્ઞેશ મેવાણી દલિતોના યુવા નેતા તરીકે રાજયનાં રાજકીય ક્ષેત્રમાં રાતોરાત ચમકવા લાગ્યા હતા આ ત્રણેય યુવા નેતાઓએ ચૂંટણીમાં રાજયની ભાજપ સરકાર વિરોધી કરેલા પ્રચારને કારણે કોંગ્રેસ સત્તાની નજીક પહોચી જવા પામી હતી પરંતુ, ૨૦૧૭માં ગાજેલી આ યંગ તોપો તેના જ્ઞાતિવાદી રાજકારણના કારણે તાજેતરની લોકસભા ચૂંટણીમાં સાયલન્ટ થઈ જવા પામી છે.

રાજયમાં આર્થિક રીતે નબળા પાટીદારોને અનામતનો લાભ મળવો જોઈએ તેવી માંગ સાથે પાટીદાર અનામત આંદોલનનો પ્રારંભ થયો હતો. આ આંદોલનના નેતા તરીકે ૨૩ વર્ષિય હાર્દિક પટેલ રાતોરાત ગુજરાતનાં રાજકારણમા છવાઈ ગયા હતા. તેમને રાજયભરમાં ભાજપ સરકાર પાટીદારોને અન્યાય કરી રહ્યાનો પ્રચાર કરીને પાટીદારોને કોંગ્રેસ તરફી વાળવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસમાં જોડાયા વગર હાર્દિકે કરેલા આ પ્રયાસોને રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે સફળતા મળી હતી

ગ્રામ્ય વિસ્તારોનાં પાટીદારોએ કોંગ્રેસ તરફી ભારે મતદાન કરતા વિધાનસભાની ગ્રામ્ય વિસ્તારોની બેઠકોમાં કોંગ્રેસને ભારે સફળતા મળી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા હાર્દિકે ચૂંટણી લડવાની પોતાને મહેચ્છા વ્યકત કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો મોદી સરકારે પાટીદાર સહિતના સર્વણોને દેશભરના આર્થિક પછાત અનામતનો મુદો નિષ્ફળ જાય તે માટે દેશભરનાં આર્થિક પછાત સર્વણો માટે ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી જેને ભારે સફળતા મળી હતી.

અને પાટીદાર અનામત આંદોલનનો મુદો લોકસભા ચૂંટણીમાં ચાલ્યો નહતો. કોંગ્રેસે હાર્દિકને સ્ટાર પ્રચારક બનાવીને ખાસ હેલીકોપ્ટર ફાળવીને રાજયભરામં તેની પાસે પ્રચાર કરાવ્યો હતો. પરંતુ હાર્દિકનું હેલીકોપ્ટર હવામાં ઉડતુ રહ્યું હોય તેમા તેના આ પ્રયાસો સાવ નિષ્ફળ પૂરવાર થયા હતા. રાજયમાં સૌથી વધારે મતદારો ધરાવતા કોળી ઠાકોરોમાં વ્યાપેલા દુષણોને દૂર કરી સર્વાંગી વિકાસ કરવાના ઉદેશ્ય સાથે રચાયેલી ઠાકોર સેનાના માધ્યમથી અલ્પેશ ઠાકોર પણ ઠાકોરાના યુવા નેતા તરીકે ઉપસી આવ્યાહતા.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈને અલ્પેશ ઠાકોર પોતાની રાજકીય મહેચ્છા જાહેર કરી દીધી હતી. કોંગ્રેસે તેને રાધનપૂર બેઠક પર ટીકીટ આપતા તે ઠાકોર સેનાના નામે ધારાસભ્ય પણ બની ગયો હતો. પરતુ ઠાકોર સેનાના થયેલા રાજકીય ઉપયોગ સામે સેનાના સભ્યોમાં ધીમેધીમે આક્રોશ ઉભો થવા પામ્યો હતો.

વધરે પડતા મહત્વાકાંક્ષી અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના પ્રદેશ પદાધિકારીઓ સાથે નાની નાની વાતોમાં વાંધો પડવા લાગ્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા પોતાના ઉમેદવારોને ટીકીટ આપવાની માંગ ન સંતોષાતા અલ્પેશે ઠાકોર સેનાના નામે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતુ જે બાદ અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતની અનેક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરીને પોતાની ઠાકોર સેનાની તાકાત પર લડવાનો પ્રયત્ન કયો હતો. જેમાં અલ્પેશને નિષ્ફળતા મળી હોય તેમ ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થવા પામ્યો હતો. જેથી અલ્પેશ હવે ગુજરાતનાં રાજકારણ કદ પ્રમાણે વેતરાઈ જવા પામ્યો છે.

તેવી જ રીતે દલિત અત્યાચાર વિરોધી આંદોલન ચલાવીને દલિત યુવા નેતા તરીકે છવાઈ ગયેલા જીજ્ઞેશ મેવાણીને વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા તેને કોંગ્રેસે ટેકો આપીને દલિતોની સહાનૂભૂતિ મેળવવાનો પ્રયાસ કયો હતો. વડગામમાં ધારાસભ્ય બની ગય બાદ જીજ્ઞેશ હંમેશા કોંગ્રેસથી અંતર રાખવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં પણ જીજ્ઞેશે તેને ધારાસભ્ય બનાવવામાં મદદ કરનારા કોંગ્રેસને સાથ આપવાના બદલે બિહારમાં કનૈયાકુમારના પ્રચારમાં સક્રિય થઈ ગયો હતો. જેથી રાજયના દલિત મતદારો પર જીજ્ઞેશ મેવાણીની કોઈ અસર થવા પામી ન હતી. આમ ગુજરાતનાં રાજકારણમાં જ્ઞાતિવાદના આધારે વિધાનસભા ચૂંટણીમાં છવાઈ ગયેલા ત્રણેય યુવા તોપો લોકસભા ચૂંટણીમાં સાયલન્ટ પૂરવાર થવા પામી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.