કાલ સુધીમાં તમામ મતદાર સ્લીપનું વિતરણ કરી દેવાશે

બારકોડવાળી 23 લાખથી વધુ મતદાર માહિતી સ્લીપનું વિતરણ કાર્ય માત્ર 5 જ દિવસમાં પૂર્ણ કરાશે

રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા વિસ્તારોમાં બારકોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ ગત તા.21થી શરૂ કરવામાં આવ્યું છે. આ વિતરણ આવતિકાલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુએ જણાવ્યું છે.

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા 23,07,237 મતદાર માહિતી સ્લીપ છાપવામાં આવી છે. આ સ્લીપ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં પહોંચાડી દેવામાં આવી છે. હાલમાં બૂથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે જઈને નાગરિકોને સ્લીપ આપવામાં આવી રહી છે. જિલ્લાના તમામ મતક્ષેત્રોમાં આ વિતરણ કાલે 25મી નવેમ્બર સુધી ચાલશે.

મહત્વનું છે કે, મતદાર માહિતી સ્લીપમાં આ વખતે ફોટોને બદલે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. આ બારકોડ સ્કેન કરતા જ મતદારની વિગતો સામે આવે છે. ઉપરાંત આ સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, ભાગ નંબર તથા ભાગનું સરનામું, મતદારનો ક્રમાંક, મતદાન મથકનું નામ,  સી.ઇ.ઓ.ની વેબસાઇટ, સી.ઇ.ઓ. કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1950 – વિગત દર્શાવવામાં આવી છે. મતદાર સ્લીપની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ પણ આપવામાં આવ્યો છે.