Abtak Media Google News

ભાયાવદર નગરપાલિકાના સતાધીશો દ્વારા જનતાના આરોગ્ય સાથે ખૂલ્લેઆમ ચેડા કરી છેલ્લા ત્રણ માસથી બ્લીચીંગ પાવડર અને ફટકડી નાખ્યા વગર પ્રજાને પાણીનું વિતરણ કરવામાં આવતા ભાજપના નગરસેવકોએ નગરપાલિકાના સતાધીશોનો ફુગ્ગો ફોડી કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડયા છે.

પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ભાયાવદર શહેરની જનતાને કોંગ્રેસના વર્તમાન બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ માસથી શુધ્ધ પીવાનું પાણી વિતરણ કરવામાં આવતું ન હોય તે ધ્યાને લઈ ગઈકાલના જનરલ બોર્ડ બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા તેમજ નગર સેવકો દિપકભાઈ કાલરીયા, ઈલાબેન રામાણી, જ્ઞાનબા ચુડાસમા, બાવનજીભાઈ ખાંતીલા, ભાવિકાબેન ફળદુ, અમૃતબેન મકવાણા તથા હિતાબા ચુડાસમાં સહિતના લોકો દ્વારા ડેમ સાઈટની વિઝીટ કરીને ત્યાં હાજર કર્મચારી પાસે પાણીમાં ભેળવવા માટે વપરાશ કરવામાં આવતા બ્લીચીંગ પાઉડર તથા ફટકડી બાબતે પુછતા આ વસ્તુનો સ્ટોક છેલ્લા ત્રણ માસથીખલાસ થઈ ગયો છે.

ત્યારબાદ આ અંગેનો રેકોર્ડ ચેક કરતા 24.12.20 પછી કોઈપણ સ્ટોક આવેલ નથી તેવુય રેકોર્ડમાં જોવા મળેલ આ અંગે નગરપાલિકાના ચીફ ઓફીસરને પુછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ નહી આપતા ભાજપના આગેવાનોએ નગરપાલીકા નિયામકને ફોન કરતા ચીફ ઓફીસરને રેલો આવતા તેઓ ડેમ સાઈટ આવી ભાજપના આગેવાનોની રજૂઆત સાંભળી હતી સ્થળ પર આ બાબતનું રોજકામ કર્યું હતુ તેમાં પણ ચીફ ઓફીસર દ્વારા છેલ્લા ત્રણ માસથી ફટકડી તથા બ્લીચીંગ પાવડરનો સ્ટોક નહિ હોવાનું જણાવેલ આ અંગે ભાજપના આગેવાનોએ વધુમાં જણાવેલ કે નગરપાલીકાનાં સતાધીશો મોટી મોટી વાતો કરી પ્રજાના જન આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ માસથી ગંદાપાણીને કારણે શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. અમુક વિસ્તારમાં પાણી પણ આપવામાં આવતું નથી તેમજ સફાઈ પણ યોગ્ય રીતે કરવામાં આવતી નથી આમ ભાયાવદર નગરપાલીકાનાં સતાધીશો પ્રજાના કામ અને આરોગ્યની ચિંતા કરવાને બદલે ભ્રષ્ટાચારમાં રહ્યા પચ્યા રહેતા હોવાનો આક્ષેપ ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.